VADODARA : વડોદરા (VADODARA) પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. તેવામાં શહેરના વોર્ડ નં – 8 ના ભાજપના કોર્પોરેટર મીનાબા ચૌહાણને સ્થાનિકે ફોન કરીને પાણી કાઢવા માટેની મોટર આવી, પરંતુ તેના ભેગા પાઇપ ન આવી હોવની હકીકત જણાવી હતી. જેમાં બંને વચ્ચે ફોન પર વાતચીત દરમિયાન કોર્પોરેટરે કહી દીધું કે, એવું હોય તો જાતે કરી દો. આ વાતનો ઓડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આમ, પૂરના પાણી ઓસરી ગયા બાદ પણ સ્થાનિકોને ચૂંટાયેલા પ્રતિનિધીઓનો જોઇએ તેવો સાથ મળી રહ્યો નથી.
પાઇપની વ્યવસ્થા ન થતા મામલો અટવાયો
વડોદરા ઐતિહાસીક પૂરનું સાક્ષી બન્યું હતું. ત્રણ-ચાર દિવસ સુધી વિશ્વામિત્રી નદીના પૂરના પાણી રહ્યા બાદ તે ઓસર્યા હતા. હજી કેટલાય વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યા નથી. જેને લઇને ત્યાં મોટર મુકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તેવામાં પાલિકાના વોર્ડ નં – 8 માં આવેલી કરોડિયા વિસ્તારની સોસાયટીના ઘરોમાં ઘૂસેલા પાણી કાઢવા માટે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ પંપની વ્યવસ્થા તો થઇ ગઇ, પરંતુ પાઇપની વ્યવસ્થા ન થતા મામલો અટવાયો હતો.
પાલિકાના અધિકારીઓ પાસેથી ધાર્યું કામ કઢાવવા માટે નિષ્ફળ કોર્પોરેટર
ત્યાર બાદ સ્થાનિકે આ અંગે કોર્પોરેટર મીનાબા ચૌહાણને ફોન કરીને મુશ્કેલી વર્ણવી હતી. કોર્પોરેટરે સ્થાનિકની મુશ્કેલી દુર કરવાની જગ્યાએ પોતાની તકલીફોનું ગાણું ગાવાનું શરૂ કરી દીધું હતું. એક તબક્કે મુશ્કેલી વેઠતા નાગરિકે સ્વખર્ચે પાઇપ લાવવાની તૈયારી દર્શાવી તો કોર્પોરેટરે તુરંત કહ્યું કે, જાતે કરી લો. આમ, પાલિકાના અધિકારીઓ પાસેથી ધાર્યું કામ કઢાવવા માટે નિષ્ફળ રહેલા કોર્પોરેટરે ખર્ચ સ્થાનિક પર સેરવી દીધો હતો.
ગાંઠના ખર્ચીને પણ લોકોની મદદ કરવી જોઇએ
વડોદરામાં પૂરની સ્થિતી બાદ લોકોમાં નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ સામે ભારે રોષ છે. તેવામાં તેમણે લોકોને મદદ પહોંચાડવા આગળ આવવું જોઇએ. એટલું જ નહી ગાંઠના ખર્ચીને પણ લોકોની મદદ કરવી જોઇએ. ત્યારે હવે લોકોને કોર્પોરેટર જે પ્રકારે જવાબ આપી રહ્યા છે, તે અત્યંત શરમજનક બાબત છે.
આ પણ વાંચો — VADODARA : પાણીમાં ગરકાવ વિજ મીટર બદલવા જતા માથાકુટ