Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : “ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખો”, VMC ના ચેરમેનની લોકોને સલાહ

10:58 AM Sep 11, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) માં માનવસર્જિત ઐતિહાસીક પૂરને નાથવામાં તથા પૂર સમયે લોકોની મદદે પહોંચવામાં સદંતર નિષ્ફળ પાલિકા (VMC) ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ લોકોને હાસ્યાસ્પદ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, આપણે પૂરની સાથે જીવતા શીખવું પડશે. લોકોએ ઘરમાં ટ્યુબ અને સોસાયટીઓમાં તરાપા રાખવા જોઇએ. લોકો પૂરના મારમાંથી બહાર આવી રહ્યા છે, તેવા સમયે પાલિકાના જવાબદાર પદાધિકારીના બેજવાબદાર નિવેદનના કારણે લોકોમાં મજાકને પાત્ર બન્યા છે.

હાસ્યાસ્પદ નિવેદન આપવામાં આવ્યું

તાજેતરમાં વડોદરાવાસીઓ ઐતિહાસીક પૂરના સાક્ષી બન્યા હતા. ત્રણ-ચાર દિવસ સુધી પૂરની સ્થિતીમાં જનજીવન ભારે ખોરવાયું હતું. ત્યારે પૂરની વિકટ પરિસ્થિતીમાં લોકોની મદદે પહોંચવામાં પાલિકા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહોંચી શક્યા ન્હતા. જેને લઇને લોકોમાં તેમના વિરૂદ્ધ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પૂરની પરિસ્થિતીમાંથી લોકો હજી બહાર આવી રહ્યા છે. તેવામાં પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા હાસ્યાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે.

ભારે વરસાદ જોડે રહેતા શીખવું પડશે

ડો. શિતલ મિસ્ત્રીએ કહ્યું કે, નાગરિકોએ ફક્ત તંત્ર પર આક્ષેપો મુકવાના બદલે આપણે પણ તૈયારીઓ કરીએ. જેથી આપણે પણ સુરક્ષિત રહીએ. ઘરમાં ટ્યુબ, સોસાયટીઓમાં તરાપા, દોરડા રાખીએ. આપણે પણ ભારે વરસાદ જોડે રહેતા શીખવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાનો વિકાસ સ્માર્ટ સિટીની તર્જ પર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાલિકાના તંત્ર દ્વારા પૂરનું મેનેજમેન્ટ દુરસ્ત કરવાની જગ્યાએ લોકોને સલાહ આપીને પોતાને અને અન્યને હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકી રહ્યા છે.

નદી કિનારા તથા કાંસ પરના દબાણો દુર કરવાનો મુદ્દો ભારે ચર્ચામાં

વડોદરામાં ઐતિહાસીક પૂરની સ્થિતી બાદ વિશ્વામિત્રી નદી કિનારા તથા કાંસ પરના દબાણો દુર કરવાનો મુદ્દો ભારે ચર્ચામાં છે. અને જો આ દબાણો દુર થાય તો શહેરને ભવિષ્યમાં પૂરની સ્થિતીમાં ધકેલવાથી બચાવી શકાય તેમ છે. પરંતું તેવા મહત્વના મુદ્દે કોઇ કંઇ વાત કરતું નથી. અને બહુમતિથી સત્તા આપ્યા બાદ પણ કામની જગ્યાએ લોકોને સલાહ માત્ર જ મળે છે.

આ પણ વાંચો — VADODARA : રૂલ લેવલ જાળવવા દેવ ડેમના બે દરવાજા ખોલાશે, તંત્ર એલર્ટ