Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પાણીપુરીના વિક્રેતાઓ પર પાલિકાની ટીમનું ચેકીંગ

05:17 PM May 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં પાણીપુરી વિક્રેતાઓ પર પાલિકાની ખોરાક શાખાની (VADODARA – FOOD DEPARTMENT, VMC) ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ફરીને ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, દરમિયાન પાલિકાની ટીમે અખાદ્ય પાણી અને બટાકાના જથ્થાનો નાશ કર્યો હોવાનુ પણ સપાટી પર આવવા પામ્યું છે.

ઠેલાઓ પર જઇને તપાસ

વડોદરામાં હીટવેવની હાજરી વચ્ચે પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ચેપી રોગના દવાખાનાની ઓપીડીમાં સામાન્ય દિવસો કરતા દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો અંદાજીત વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પાલિકા તંત્રની ખોરાક શાખાની ટીમ એક્શનમાં આવી છે. આજે પાલિકાની ખોરાક શાખાની ટીમ દ્વારા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ આપસાપના વિસ્તારમાં ચાલતા પાણીપુરીના ઠેલાઓ પર જઇને તપાસ કરી છે. સઘન તપાસના અંગે અખાદ્ય પાણી અને બટાકાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં 10 કિલોથી વધુ બટાકા અને અંદાજીત 90 લીટર પાણીનો નાશ કરવામાં આવ્યો છે.

રોગમાં સપડાવવાની શક્યતાઓ વધી શકે

સુત્રોએ જણાવ્યું કે, પાલિકાની ટીમ દ્વારા 22 લારીઓ તેમજ ત્રણ ફુડ જોઇન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે પૈકી કેટલાક લારી ધારકો પાસે પાલિકાની જરૂરી મંજુરી પણ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યા છે. તબિબના અભિપ્રાય અનુસાર, જે પદાર્થને ઠંડુ રાખવા માટે બરફ ઉમેરવો પડે તેમ હોય, અને તેમાં બરફની ગુણવત્તા જળવાઇ ન હોય તો રોગમાં સપડાવવાની શક્યતાઓ વધી શકે છે. જેને લઇને પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે.

નમુના એકત્ર કરવામાં આવ્યા

તો બીજી તરફ સુત્રો જણાવી રહ્યા છે કે, આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં તંબુ તાણીને કેરીના રસનું વેચાણ કરતા વિક્રેતાઓ પર પણ પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને તેમને ત્યાંથી નમુના એકત્ર કરવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : કોનોકાર્પસ વૃક્ષોનો સફાયો જારી