VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ને રીડેવલોપમેન્ટ કરવાની દિશામાં સ્થાનિક તંત્ર અને સરકાર બંને કામ કરી રહ્યા છે. અને આ કામ સત્વરે પૂર્ણ થાય તેવું સૌ કોઇ વડોદરાવાસીઓ ઇચ્છી રહ્યા છે. ત્યારે વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા બ્રિજ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાઇપ મુકીનો પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોય તેમ જાણવા મળ્યું છે. જેના કારણે લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ડ્રેનેજની લાઇનમાં ભંગાણ સર્જાતા તેના પાણીનો નિકાલ નદીમાં કરવામાં આવી રહ્યો છે.
યવતેશ્વર ઘાટના સામે કિનારાના દ્રશ્યો જોઇને સૌ કૌઇ આશ્ચર્યમાં મુકાયા
તાજેતરમાં વડોદરામાં ઐતિહાસીક માનવસર્જિત પૂર આવ્યું હતું. આ પૂરના પાણી ઓસરી ગયા બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીના રીડેવલોપમેન્ટ માટે રૂ. 1200 કરોડની રાશીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવાનો માહોલ સર્જાયો હતો. જેમાં ભાજપના જ વોર્ડ નં – 3 ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે આજે વિશ્વામિત્રી નદીમાં યવતેશ્વર ઘાટના સામે કિનારે જે દ્રશ્યો જોવા મળ્યા તે જોઇને સૌ કૌઇ આશ્ચર્યમાં મુકાયા છે.
અકોટાથી અટલાદરા તરફ જતી એસટીપી લાઇનમાં ભંગાણ સર્જાયું
વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે આવેલા કાલાઘોડા બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાઇપ મુકીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જેના કારણે આ જોનાર તમામ આશ્ચર્યમાં મુકાયા છે. એક તરફ વિશ્વામિત્રી નદીને રીડેવલોપ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ આ પ્રકારે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, અકોટાથી અટલાદરા તરફ જતી એસટીપી લાઇનમાં ભંગાણ સર્જાયું છે. એક જ લાઇનમાં અનેક ભંગાણ સર્જાવવાના કારણે તેનું દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં પાઇપ મુકીને છોડવામાં આવી રહ્યું છે. આ કાર્ય છેલ્લા ત્રણ દિવસથી ચાલતું હોવાનું આખરમાં સુત્રોએ ઉમેર્યું છે.
આ પણ વાંચો — VADODARA : NHAI દ્વારા વડાપ્રધાનના જન્મ દિન નિમિત્તે વૃક્ષારોપણ