VADODARA : વડોદરા (VADODARA) માં ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતી બાદ વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) પરના દબાણો દુર કરવાનો મામલો સપાટી પર આવ્યો હતો. આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે કાર્યવાહીની શક્યતા ઉજળી થતી જણાય છે. ગતરોજ વડોદરા પાલિકા દ્વારા અગોરા મોલ સહિત 13 સ્થળોએ વિશ્વામિત્રી નદીમાં દબાણ હોવાનું જણાતા નોટીસો પાઠવી છે. તમામ દબાણકર્તાઓને પોતાનો જવાબ રજુ કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો ત્યાર બાદ પાલિકા દબાણો દુર કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડ્રોન અને રેકોર્ડ સર્વે તથા સ્થળ મુલાકાત કરી નોટીસ અપાઇ
વડોદરામાં ઐતિહાસીક પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદીના દબાણો વધુ એક વખત ચર્ચામાં આવ્યા હતા. આ વખતે આવેલા માનવસર્જિત પૂરના કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી. અને વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી હતી. ત્યારે હવે પાલિકામાં પણ વિશ્વામિત્રી નદીના દબાણો દુર કરવાનો સળવળાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પાલિકા દ્વારા ડ્રોન અને રેકોર્ડ સર્વે તથા સ્થળ મુલાકાત કરીને 13 જેટલા દબાણકર્તાઓને નોટીસો ફટકારવામાં આવી છે. તે પૈકી કેટલાકે તો સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરી છે.
જે કિસ્સાઓમાં નિયમનો ભંગ થતો હતો તેને નોટીસ પાઠવી
વડોદરા પાલિકાના કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે, અમે વિશ્વામિત્રી નદીનો ડ્રોન સર્વે કરાવ્યો હતો. જોડે જોડે રેકોર્ડ બેઝ અને સ્થળ મુલાકાત પણ કરી હતી. તેમાં અમુક જગ્યાએ માર્જિન પણ જોવા મળ્યું. કોઇનું કિચન તો કોઇનું ક્લબ હાઉસ તથા દિવાલ દબાણમાં આવે છે. 13 જગ્યાઓની નોટીસ આપવામાં આવી છે. બધાને અમે જવાબ રજુ કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. તેમના જવાબ પછી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે કિસ્સાઓમાં નિયમનો ભંગ થતો હતો તેને નોટીસ પાઠવી છે.
દબાણકર્તાની માહિતી નીચે મુજબ છે
સાઇટનું નામ – બાંધકામ – રીમાર્ક
વોટર લીલી, વડસર – લેબર કેમ્પ અને રીટેઇનીંગ વોલ – સ્વૈચ્છિક દુર કરવાનું કામ શરૂ
મેરીલેન્ડ પાર્ટી પ્લોટ – કેન્ટિન – સ્વૈચ્છિક દુર કરવાનું કામ શરૂ
ગ્લોબલ ડિસ્કવરી સ્કુલ – કેન્ટિન – સ્વૈચ્છિક દુર કરવાનું કામ શરૂ
સોમનાથ વિલા સામે બ્રિજ પાસે, હરણી – સાઇટ ઓફીસ
ઉર્મી સ્કુલની સામે, હરણી – મકાન
કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલીબાગ – 55 રૂમ
શ્રુતિ મંદિર આશ્રમ, હરણી – મંદિર ઘૂમર, પૂજા ધ્યાન રૂમ
અગોરા મોલ, સમા – ક્લબ હાઉસ, રીટેઇનીંગ વોલ
ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, બહુચરાજી રોડ, કારેલીબાગ – ફેબ્રિકેશન શેડવાળુ કાચુ મકાન
વિશ્વકુંજ સોસાયટી, કારેલીબાગ – ફેબ્રિકેશન શેડવાળુ કાચુ મકાન
આર. સી. પટેલ એસ્ટેટ, અકોટા – લેબર કેમ્પ તથા રીટેઇનીંગ વોલ
ગ્લોબલ સ્કુલ પાસે, હરણી – મકાન
ગ્લોબલ સ્કુલ પાસે, હરણી – મકાન
આ પણ વાંચો — New Districts: રાજ્યમાં આ જિલ્લાઓનું વિભાજન કરી 3 નવા જિલ્લા બનાવવા વિચારણા