Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : સ્માર્ટ વિજ મીટરના બેફામ બિલ આવતા લોકોમાં રોષ

02:43 PM Jun 13, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં સ્માર્ટ વિજ મીટરને લઇને લોકોની મુશ્કેલીઓનો હજી સુધી કોઇ અંત આવ્યો નથી. હવે સ્માર્ટ મીટર લગાડ્યા બાદ બેફામ બીલ આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ વિજ કંપની દ્વારા ટેકનીકલ ક્ષતિને ધ્યાને ન લેવા માટે અપીલ કરવામાં આવી છે.

સ્માર્ટ મીટરનો વિરોધ નથી

વડોદરાના નિઝામપુરામાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો સ્માર્ટ વિજ મીટર લાગ્યા બાદ મુશ્કેલીમાં છે. એક રહીશનું બિલ રૂ. 54 હજાર બાકી બતાવી રહ્યું છે. જો કે, તેમના વપરાશમાં કોઇ વધારો થયો નથી. છતાં એપ્લીકેશનમાં મસમોટું બિલ માઇનસમાં બતાવી રહ્યું છે. જેને લઇને તેઓ મુંઝવણમાં છે. તેઓ સ્પષ્ટ જણાવે છે કે, સ્માર્ટ મીટરનો વિરોધ નથી. પણ જે રીતે જુના મીટર ચાલતા હતા તે પ્રમાણેનું રીડીંગ આવવું જ જોઇએ.

તાળા મારીને જતા રહેવું પડે

સ્થાનિક અગ્રણી સજ્જનસિંહ રાઠોડ જણાવે છે કે, સ્માર્ટ મીટર લાગ્યા પછી બધુ બમણું થઇ ગયું છે. વપરાશ, ધરમાં બે રૂમ રસોડામાં 21 – 23 યુનિટનો વપરાશ છે, તેમ કહેવું છે, તે કઇ રીતે શક્ય બને. બીલ તો ફટાફટ કપાઇ જાય છે. મારા રોજના રૂ. 250 કપાઇ જાય છે. તો મહિનાનું કેટલું થાય, તે પ્રમાણે બે મહિનાનું રૂ. 14 બિલ થાય તો અમારે ખાવાનું શું ! વિજળી ખાવાની અમારે, તો પછી અમારે તાળા મારીને જંગલમાં જતા રહેવું પડે, બીજો કોઇ વિકલ્પ જ નથી અમારી પાસે. શું કરવાનું હવે. અત્યારે રૂ. 54,300 બાકી છે. બિલ માઇનસમાં છે. અમારા ફ્લેટમાં લોકોને રૂ. 37 હજાર, રૂ.26 હજાર આડેધડ બિલ બાકી બોલી રહ્યા છે. જો આવી રીતે માઇનસમાં આવતા હોય તો, તમે કાપતા પણ તે રીતે જ હશો. સ્માર્ટ મીટરનો વિરોધ નથી. પણ જે રીતે જુના મીટર ચાલતા હતા તે પ્રમાણેનું રીડીંગ આવવું જ જોઇએ. રાત-દિવસ વાપરતા હોઇએ તો ખબરતો પડે જ ને. વગર કારણે કોઇ લાઇટ-પંખા ચાલુ નથી કરતા.

ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ છે

તો બીજી તરફ વિજ કંપની MGVCL તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જણાવે છે કે, “MGVCL ના અત્યાર સુધી લગાવેલા સ્માર્ટ મિટર ના ગ્રાહકો ને અગાઉ નક્કી થયા મુજબ હાલની પ્રણાલી મુજબ વીજ બિલ તૈયાર કરવાની કામગીરી દરમિયાન સોફ્ટવેર ની ટેક્નિકલ ક્ષતિ ના કારણે કેટલાક ગ્રાહકોની સ્માર્ટ મિટર એપ્લિકેશન માં ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ છે. તમામ ગ્રાહકો ને જણાવવામાં આવે છે કે તમોને આપવામાં આવનાર ફીજીકલ બિલ માં વાસ્તવિક વીજ વપરાશ અનુસાર પ્રવર્તમાન ટેરિફ દર મુજબ જ ગણતરી કરીને બિલ ની અંતિમ રકમ દર્શાવામા આવશે. તેથી એપ્લિકેશન માં ટેક્નિકલ ક્ષતિ ના કારણે જોવા મળેલ ક્ષતિપૂર્ણ બેલેન્સ ને ધ્યાનમાં ના લેવા વિનંતી કરવામાં આવે છે. વધુમાં, સ્માર્ટ મીટર ના તમામ ગ્રાહકો ને હાલ ની પદ્ધતિ મુજબ જ બિલ આપવામાં આવનાર છે અને બિલ ભરવા હાલની સામાન્ય પદ્ધતિ મુજબ નિયત સમયગાળો આપવામાં આવનાર છે. તેથી,તમામ ગ્રાહકો ને આ બાબતે નિશ્ચિન્ત રહેવા વિનંતિ કરવામાં આવે છે.”

આ પણ વાંચો — VADODARA : શાળાઓ શરૂ થતા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇને વાનનું ચેકીંગ