Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : દવાખાનાની જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરાવવામાં સાંસદ સફળ

08:15 AM Aug 01, 2024 | PARTH PANDYA

VADODARA : શહેર (VADODARA) ના નવાપુરા વિસ્તારમાં આવેલ 56 ક્વાર્ટર્સ પાસેના કોર્પોરેશનની માલિકીના દવાખાનાની જર્જરીત ઈમારત આખરે કોર્પોરેશને તોડી પાડી હતી. આ જર્જરિત ઈમારત વિવિધ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હોઈ અન્ય સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આખરે સાંસદે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી જર્જરિત ઇમારત સત્વરે તોડી પાડવા જણાવ્યું હતું. જેનું સુખદ પરિણામ આજે સામે આવ્યું છે.

અસામાજિક તત્વોને જાણે મોકળુ મેદાન મળી ગયું

શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટર્સ પાસે કોર્પોરેશનની માલિકીની ઇમારત છે. વર્ષો સુધી આ ઈમારતનો ઉપયોગ દવાખાના તરીકે થતો હતો. પરંતુ વર્ષો બાદ આ ઈમારત જર્જરિત થઈ જતા આખરે દવાખાનુ અન્યત્ર ખસેડી લેવામાં આવ્યું હતું. બીજી બાજુ વર્ષોથી પડી રહેલ આ બિનવારસી ઈમારતને પગલે વિસ્તારના કેટલાક અસામાજિક તત્વોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ આ જર્જરિત ઈમારતમાં તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ કોઈપણ પ્રકારની રોકટોક વગર ફૂલીફાલી હોવાની ફરિયાદો ઉઠી હતી.

ગંભીર ખતરો ઉભો થયો

એક તબક્કે ઇમારતનો ઉપયોગ કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દારૂ, જુગાર તેમજ અન્ય નશાકારક દ્રવ્યોના લે – વેચ માટે પણ કરતા હોવાની ગંભીર ફરિયાદ વિસ્તારના રહીશોએ સાંસદ ડો. હેમાંગ જોષીને કરી હતી. એટલું જ નહીં વિસ્તારના ખાટકી પશુઓને કાપી તેનો કચરો પણ આ જર્જરિત ઈમારતની આસપાસ ઠાલવતા હોવાને કારણે વિસ્તારના અન્ય રહીશોની ધાર્મિક લાગણી દુભાવાની સાથે આરોગ્ય માટે ગંભીર ખતરો ઉભો થયો હતો.

રહીશોમાં ભારે આનંદ અને રાહતની લાગણી

વિસ્તારના રહીશોની આ ફરિયાદોની ગંભીરતાને પગલે સાંસદે મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર લખી આ જર્જરીત ઈમારત જમીન દોસ્ત કરી અસામાજિક તત્વો દ્વારા તેનો દુરુપયોગ થતો અટકાવવા તત્કાળ કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. સાંસદ ડો. હેમાંગ જોષીના સૂચનને પગલે વડોદરા કોર્પોરેશનના તંત્રએ બુલડોઝર સહિતની મશીનરી સાથે ત્રાટકી આ જર્જરિત ઈમારતને તોડી પાડી હતી. અસામાજિક તત્વોનો અડ્ડો બનવાની સાથે માથાનો દુખાવો બનેલી આ જર્જરિત ઇમારત તોડી પાડાતા વિસ્તારના રહીશોએ ભારે આનંદ અને રાહતની લાગણી અનુભવી હતી. રહીશ શોએ સાંસદ ડો. હેમાંગ જોષીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો — VADODARA : “ધ ગ્રેટ વોલ” ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું નિધન, PM એ પાઠવી શ્રદ્ધાંજલિ