VADODARA : વડોદરા (VADODARA) શહેરના જુના સિટી વિસ્તારમાં આવેલા લાડવાડામાં ગતરાત્રે એક જુનું મકાન ધરાશાથી થયાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં કાટમાળ નીચે એક વૃદ્ધ દબાતા ફાયર જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અડધો કલાક કાટમાળ દુર કરવાની કામગીરી બાદ ટીમને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધ મળી આવ્યા હતા. જેઓનો સારવાર અર્થે ખસેડવામાં આવતા તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જર્જરિત મકાનોને પાલિકા દ્વારા નોટીસો આપીનો પોતાની જવાબદારીમાંથી છટકી જવાની જગ્યાએ આ પ્રકારે કોઇનો જીવ ના જાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વૃદ્ધનો ફોન રણકતો હતો
વડોદરામાં અનેક જુના અને જર્જરિત મકાનો આવેલા છે. પાલિકા દ્વારા આ જર્જરિત મકાનોને ખાલી કરવાની નોટીસ પાઠવવામાં આવે છે. જરૂર પડ્યે મકાન બહાર બેરીકેટીંગ કરવામાં આવે છે. પરંતુ તેમ કરવાથી સમસ્યાનો હલ નથી થઇ રહ્યો. આ પ્રકારના કિસ્સાઓમાં લોકો વૈકલ્પિક વ્યવસ્થા માંગે છે, તે અંગે પાલિકા પાસે કોઇ આયોજન નહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વચ્ચે ગતરાત્રે શહેરના લાડવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેના કાટમાળ વચ્ચે એક શખ્સ દબાયા હતા. આ ઘટના અંગે જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. સુત્રોએ ઉમેર્યું કે, વૃદ્ધનો ફોન રણકતો હતો, જેથી તે દિશામાં ફાયરના લાશ્કરોએ કાટમાળ ઉલેચવાનું શરૂ કર્યું હતું.
તબિબો દ્વારા વૃદ્ધને મૃત જાહેર કરાયા
આશરે અડધો કલાકની મહેનત બાદ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલીક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબિબો દ્વારા વૃદ્ધને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વૃદ્ધની પ્રાથમિક ઓખળ ગૌતમ ઠાકોર (ઉં. 60) તરીકે કરવામાં આવી છે. રેસ્ક્યૂ ઓપરેશન સમયે વાડી પોલીસ મથકનો સ્ટાફ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો — VADODARA : રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા ITI સુુપરવાઈઝર