VADODARA : મધ્ય ગુજરાતના જુના અને જાણીતા વડોદરા (VADODARA) માં આવેલા કમાટીબાગ ઝૂ (KAMATI BAUG ZOO) માં પૂરના પાણી ફરી વળ્યા બાદ મુંગા પશુઓના મોતની ખબર સપાટી પર આવવા પામી છે. શહેરમાં પૂરની સ્થિતી અંગે જાણ હોવા છતા ઝૂ તંત્ર દ્વારા પ્રાણીઓને બચાવવા માટે યોગ્ય પગલાં ન લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મૃત પશુઓ હરણ અથવા નીલગાયમાંથી એક હોવાનું અનુમાન છે, અને મૃતકોની સંખ્યા ત્રણ થી વધુ હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.
દાવાઓ આજે નિષ્ફળ સાબિત થયા
વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદીમાં વિતેલા ત્રણ દિવસથી પૂરની સ્થિતી છે. નદીનું જળસ્તર વધતા જ તમામને તે અંગે સાવચેત કરી દેવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદીને અડીને જ શહેરનું જુનુ અને જાણીતું કમાટીબાગ ઝૂ આવેલું છે. આ ઝૂમાં અસંખ્યા પ્રાણીઓ છે. નદીનું જળસ્તર વધતા જ ઝૂમાં પણ પાણી આવવાની શક્યતાઓ હતી. જેને લઇને ઝૂ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ દાવાઓ આજે નિષ્ફળ સાબિત થયા છે.
મૃતદેહને તેમના જ પિંજરામાં ઝાડની ડાળખીઓ વડે ઢાંકીને રાખવામાં આવ્યા
આજે સવારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું છે. જે બાદ કમાટીબાગ ઝૂમાં મુંગા પશુ હરણના મોત થયા હોવાનું સામે આવવા પામ્યું છે. 3 થી વધુ હરણ અથવા નીલગાય પૈકી એકના મૃતદેહને તેમના જ પિંજરામાં ઝાડની ડાળખીઓ વડે ઢાંકીને રાખવામાં આવ્યા છે. જે પશુઓને પાણીથી બચાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાની સાબિતી આપી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ઝૂ ક્યૂરેટર પ્રત્યુષ પાટણકરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તે થઇ શક્યો ન્હતો.
પગલાં લેવાની શરૂઆત આજથી જ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી
મુંગા પશુઓના મૃતદેહનો મામલો સપાટી પર આવ્યા બાદ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સઘન પગલાં લેવાની શરૂઆત આજથી જ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
આ પણ વાંચો — VADODARA : સમા વિસ્તારમાંથી સાડા દસ ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ