VADODARA : વડોદરા (VADODARA) ના હરણી વિસ્તારમાં આવેલી મોટનાથ રેસીડેન્સીના એલઆઇજી ફ્લેટ્સમાં આજે વિજ કંપનીની ટીમો પાણી ભરાયેલા મીટરો બદલવા પહોંચી હતી. જ્યાં કામગીરી સમયે સ્થાનિકો જોડે તેમનું શાબ્દિક ઘર્ષણ થયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, વિજ કંપનીના કર્મીઓ દ્વારા ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કરવામાં આવે છે. અને સ્થાનિકોને કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. જ્યારે વિજ કંપનીના કર્મીનું કહેવું છે કે, અમે પાણીમાં ગરક થયેલા વિજ મીટરો અંગે સરવે કર્યો છે. અને તે પ્રમાણે તેને બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે.
એલઆઇજી ફ્લેટ્સના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી પહોંચી ગયું હતું
વડોદરા પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. શહેરમાં આવેલા ઐતિહાસીક પૂરના કારણે લોકોનું જીવન બેહાલ થયું હતું. પૂરના પાણી ઓસરી ગયા બાદની સ્થિતીમાં હવે લોકો ધીરે ધીરે સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. ત્યારે તંત્ર પણ લોકોને તેમાં મદદ પહોંચાડવા માટે દિવસ રાતે એક કરી રહ્યું છે. પૂરમાં શહેરના હરણી વિસ્તારમાં આવેલી એલઆઇજી ફ્લેટ્સના મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી પહોંચી ગયું હતું. આજે વિજ કંપનીની ટીમો દ્વારા અહિંયા વિજ મીટર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્થાનિકો અને વિજ કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સપાટી પર આવી છે.
જ્યારે બંધ થશે, ત્યારે આ લોકો દોડતા આવશે
હરણી મોટનાથ રેસીડેન્સીમાં આવેલા મકાનોના વિજ મીટર પાણીમાં ગરકાવ હતા. હવે પાણી ઓસરતા તેને બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સ્થાનિકો અને વિજ કંપનીના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ કામગીરી વખતે સોસાયટીના પ્રમુખ તથા અન્ય અગ્રણીઓને સાથે રાખવામાં આવ્યા નથી. વિજ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમના જોડે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરવામાં આવી રહ્યું છે. અને જે નવા મીટરોમાં મોટું વિજ બિલ આવે તેવો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. તો બીજી તરફ વિજ કંપનીના કર્મચારીએ જણાવ્યું કે, મીટરોમાં પાણી ભારાઇ ગયા છે. ગમે ત્યારે શોર્ટ થઇને બળી શકે છે. જેથી ગ્રાહકના ઘરમાં પ્રોબ્લેમ થઇ શકે છે. કાલે અમે સરવે કરીને ગયા છીએ. નીચેની લાઇનના મીટરમાં પાણી ભરાઇ ગયું હતું. હમણાં આ બદલાઇ જાય તો સારૂ, જ્યારે બંધ થશે, ત્યારે આ લોકો દોડતા આવશે. અમે સરવે મુજબ બદલવા આવ્યા છીએ. સ્થાનિકો દ્વારા ખરાઇ કરવા માટે અમારા કાર્ડ પણ માંગવામાં આવ્યા હતા.
આ પણ વાંચો — VADODARA : પૂરમાં પલળેલા અભ્યાસના ચોપડા સુકવવા ડિવાઇડરનો સહારો