+

VADODARA : પૈતૃક સંપત્તિમાંથી બહેનોના નામ જાણ બહાર કમી

VADODARA : વડોદરા પાસે મંજુસર પોલીસ મથકની હદમાં પૈતૃક સંપત્તિમાંથી વિદેશમાં રહેતી બહેનોના નામ જાણ બહાર ભાઇઓએ કમી કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે હાલ વિદેશમાં રહેતા બે…

VADODARA : વડોદરા પાસે મંજુસર પોલીસ મથકની હદમાં પૈતૃક સંપત્તિમાંથી વિદેશમાં રહેતી બહેનોના નામ જાણ બહાર ભાઇઓએ કમી કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. આ મામલે હાલ વિદેશમાં રહેતા બે ભાઇઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

16 વર્ષ સુધી તેઓ ભારત આવ્યા ન્હતા

મંજુસર પોલીસ મથકમાં અનસુયાબેન બંસીલાલ પટેલ (રહે. મુંબઇ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પિતા મગનભાઇ ઇશ્વરભાઇ પટેલની વિરોદ ગામે સ્વતંત્ર માલિકી તથા સંયુક્ત માલિકીની જમીનો આવેલી છે. વર્ષ 1955 સુધી તેમના પિતા ન્યુઝીલેન્ડમાં એકલા રહેતા હતા. બાદમાં તેમના પત્ની અને પરિવારના સભ્યો પણ ત્યાં સ્થાયી થયા હતા. તેઓ વર્ષ 1970 માં પતિ સાથે ન્યુઝીલેન્ડ જતા રહ્યા હતા. 1978 બાદ 16 વર્ષ સુધી તેઓ ભારત આવ્યા ન્હતા. બાદમાં પિતાનું અવસાન થતા તેઓ ભારત આવ્યા હતા. પરંતુ જમીન વગેેરે જોઇ ન્હતી.

ગુજરાતી ભાષામાં સહિ કરવામાં આવી

તેમની માતાનું 2017 માં ઓકલેન્ડમાં દેહાંત થયું હતું. વર્ષ 2023માં તેઓ ભારતમાં લાંબુ રોકાણ કરવા આવ્યા હતા. દરમિયાન જમીનની વારસાઇ કરાવવા માટે અરજી આપી તો ધ્યાને આવ્યું કે તેમની જાણ બહાર પેઢીનામું બનાવીને પિતાના વારસદાર તરીકે અનેક નામોની એન્ટ્રી પાડી દેવામાં આવી હતી. તેમની જાણ બહાર નામો ઉમેરાયા હતા. અને તે જ દિવસે સુશીલાબેનનું નામ કમી કરવા માટેની અરજી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતી ભાષામાં સહિ કરવામાં આવી હતી. તેની સામે બંને બહેનોનો સંમતિ જવાબ તચલાટી કમ મંત્રી વિરોદ ગ્રામ પંચાયત રૂબરૂનો વર્ષ 1990 માં થયો હતો. જે બાદ 135 ડી ની નોટીસ પણ બજી હતી.

જમીનનું વેચાણ કરી દીધું

જેમાં બંને બહેનો, માતાના સહિ-અંગુઠા કર્યા હતા. પરંતુ તેઓ વર્ષ 1990 માં ભારત આવ્યા ન્હતા. અને માલુમ પડ્યું કે, તેમના ભાઇ પ્રવિણભાઇ અને નરેશભાઇએ બોગસ સહિ કરીને હક્ક કમી કરી નાંખ્યો હતો. અને જમીનનું વેચાણ કરી દીધું હતું. આ બાબતે સુશીલાબેનને પુછતા તેઓ પણ તે અરસામાં ભારત ન આવ્યા હોવાનું જણાવતા હતા. આખરે પૈતૃક સંપતિમાં બહેનોનો હક ડુબાડવા માટે ખોટી સહિ કરી દસ્તાવેજો બનાવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.

બે સામે ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે પ્રવિણભાઇ મગનભાઇ પટેલ (મુળ રહે, વિરોદ – હાલ રહે – ન્યુઝીલેન્ડ) અને નરેશભાઇ મગનભાઇ પટેલ (મુળ રહે. વિરોદ – હાલ રહે ન્યુઝીલેન્ડ) સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : ઝઘડાના અંતે તિક્ષણ હથિયાર વડે હત્યા

Whatsapp share
facebook twitter