VADODARA : વડોદરા (VADODARA) વાસીઓ ઐતિહાસીક પૂરના સાક્ષી બન્યા હતા. તે સમયે ચૂંટાયેલા પ્રતિનિધીઓ પૈકી જુજ લોકોને મદદરૂપ થઇ શક્યા હતા. અન્યએ કોઇ પણ પ્રકારે મદદ ન કરી હોવાનું શહેરના ખૂણે ખૂણેથી સાંભળવા મળી રહ્યું છે. ત્યારે પૂર પીડિત વેપારી દ્વારા મીડિયા સમક્ષ મહિલા ધારાસભ્ય સામે અશોભનીય ઇશારા કરતા બળાપો ઠાલવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. જે અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે જામીન આપ્યા છે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી
વડોદરાવાસીઓએ ક્યારે ન જોયેલા પૂરના દિવસો પસાર કરીને ધીરે ધીરે સામાન્ય જીવન તરફ વળી રહ્યા છે. પૂરના સમયે ધારાસભ્યો અને કોર્પોરેટર લોકોની મદદની આશા પર ખરા ઉતરી શક્યા નથી. બલકે લોકોની અવગણના થઇ હોવાનું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. તેવામાં વિજળી, જમવાનું, પીવાનું પાણી તથા બાળકો માટે દૂધ વગર ટળવળતા લોકો દ્વારા મીડિયા સમક્ષ ચૂંટાયેલા પ્રતિનિધી વિરૂદ્ધ બળાપો કાઢવામાં આવ્યો હતો. જેમાં વેપારી કુલદીપ ભટ્ટ દ્વારા મહિલા વિરૂદ્ધ અશોભનીય ઇળશા કરીને જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવ્યો હતો. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.
મામલો રાજનેતાઓના દબાણામાં આટલે સુધી પહોંચ્યો
જે વાતનો કોંગ્રેસ તથા મીડિયા દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે સજ્જડ કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. અને કોઇને પણ અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન્હતા. આજે આરોપીને રિમાન્ડ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ મામલામાં આરોપી દ્વારા પોતાનો બળાપો કાઢતા મહિલા ધારાસભ્ય વિરૂદ્ધ બોલવામાં આવ્યું હતું. આ આખોય મામલો રાજનેતાઓના દબાણામાં આટલે સુધી પહોંચ્યો હોવાની શહેરભરમાં ચર્ચા છે.
આ પણ વાંચો — VADODARA : ફૂટપાથ સાથે રોડનો ભાગ બેસી જતા મોટુ ગાબડું પડ્યુ