VADODARA : ભૂતપૂર્વ ક્રિકેટર, ભારતીય ટીમના કોચ અને ધ ગ્રેટ વોલ તરીને મનાતા અંશુમાન ગાયકવાડ (Anshuman Gaekwad – Indian cricketer) નું ગત રાત્રે નિધન થયું છે. જેને પગલે ક્રિકેટ જગતમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અંશુમાન ગાયકવાડને કેન્સર હતું, તાજેતરમાં તેમની મદદ માટે BCCI દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવામાં આવી હતી. જે બાદ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ દ્વારા વીડિયો મારફતે સંદેશો મોકલીને અંશુમાન ગાયકવાડને જલ્દી સાજા થઇ જવા માટેની વાત કહેવામાં આવી હતી. અંશુમાન ગાયકવાડના નિધનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BCCI ના સેક્રેટરી જય શાહે શોક સંદેશ પાઠવ્યો છે.
“જમણો હાથ” કહેવાતા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડને ડિફેન્સીવ ટેક્નિક માટે ‘ધ ગ્રેટ વોલ’ તરીકે પણ માનવામાં આવતા હતા. આ ટેક્નિક જે તે સમયે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. જેનું કારણ વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલરોએ વિશ્વ મંચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. જેનો સામનો ગ્રેટ વોલ કરવા સક્ષમ હતી. અંશુમાન ગાયકવાડ 40 ટેસ્ટ મેચોમાંથી મોટાભાગની મેચોમાં સુનીલ ગાવસ્કર (લિટલ માસ્ટર) ના ઓપનિંગ પાર્ટનર હતા. તેઓ લિટલ માસ્ટરનો “જમણો હાથ” પણ કહેવાતા હતા.
વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ બન્યા
71 વર્ષીય અંશુમન ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન તેમજ કોચ પણ રહી ચૂક્યા છે. 1975 થી 1987 સુધી અંશુમન ગાયકવાડનું ટેસ્ટ કરિયર રહ્યુ હતુ જેમાં તેમને ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી. ત્યારે અંશુમન 1997થી 1999 સુધી અને પછી ફરીથી વર્ષ 2000માં ભારતીય ટીમના કોચ બન્યા હતા. અને તેમના અંશુમનના કાર્યકાળ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ 2-1થી ભારતીય ટીમે જીતી મેળવી હતી.
BCCI દ્વારા રૂ. 1 કરોડની સહાય
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અંશુમાન ગાયકવાડને કેન્સરની બિમારી બાદ તેઓ લંડનથી સ્વદેશ પરત ફર્યા હતા. તેમની મદદ માટે કપિલ દેવ તથા ક્રિકેટ જગતના અન્ય દિગ્ગજો દ્વારા ભારતીક ક્રિકેટ કંટ્રોલ બોર્ડને રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ BCCI દ્વારા રૂ. 1 કરોડની સહાય આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ગતરાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની ઘટનાને પગલે ક્રિકેટ જગત શોકાતુર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા BCCI ના સેક્રેટરી જય શાહ દ્વારા ટ્વીટર મારફતે શોક સંદેશ પાઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો —MS Dhoni એ પસંદ કર્યો પોતાનો ફેવરિટ બોલર, નામ જાણીને તમે પણ ચોંકી જશો