VADODARA : વડોદરા (VADODARA) જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે વિશ્વામિત્રી, ઢાઢર,નર્મદા અને મહીસાગર નદીમાં આવેલ પૂરને કારણે પશુઓ પણ પ્રભાવિત થયા હતા. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા તાત્કાલિક ધોરણે કુલ ૧૨ ટીમો બનાવી તાલુકાઓના અસરગ્રસ્ત ગામોમાં સારવાર,સર્વેલન્સ તથા રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું નાયબ પશુપાલન નિયામક જે.આર.દવેએ જણાવ્યું છે.
પશુ સારવાર અને રસીકરણ
પશુપાલન શાખા દ્વારા જિલ્લાના પૂર અસરગ્રસ્ત ગામોના ૧૯૦૬ લાભાર્થીઓના ૮૫૨૯ પશુઓમાં કૃમિનાશક દવાનું વિતરણ કરવા સાથે ૨૩૪૬ પશુપાલકોના કુલ ૧૪,૩૦૮ પશુઓમાં ગળસૂંઢા રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવી છે.આ ઉપરાંત ૧૬૨ પશુઓની સારવાર કરવામાં આવી છે. જિલ્લાના પૂરગ્રસ્ત ગામોમાં પશુઓને રોગ સામે રક્ષણ આપવા જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુ સારવાર અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રસી આપી રોગ સામે રક્ષિત
પશુપાલન શાખા દ્વારા ડભોઈ તાલુકાના ગોજાલી, અંબાવ વસાહત , દાંગીવાડા , કરાલીપુરા ગામોમાં બીમાર પશુઓની સારવાર તથા પશુઓમાં ડિવર્મિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડભોઈ તાલુકાના અંગુઠન ગામે પશુઓને ગળસુંઢાની રસી આપી રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વિયાણમાં ગંભીર તકલીફથી પીડાતી ગાયનો જીવ બચાવાયો
વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના અનખી ગામના રહીશ ગોવિંદભાઈએ ગાયને પ્રસૃતિ પીડા થવાનો કેસ ૧૯૬૨ પર નોંધાવ્યો હતો.આ કોલ મળતા તુરંત જ MVD રામનાથ લોકેશન ના ડો. શાંતિલાલ તથા તેમના પાયલોટ કમ ડ્રેસર ચંદુભાઈ ઘટના સ્થળ પહોંચ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા ગાયને વિયાણની ગંભીર ચૂકો ચાલુ હતી તેમજ પશુ સુતેલી હાલતમાં હતું લોહી પણ પડેલ હતું. બચ્યું ગર્ભમાં ઊંધું ફસાયેલ હતું બે કલાક જેટલી મહા મહેનત બાદ ગયાની સફળ પ્રસૃતિ કરાવી માતા અને બચ્ચાનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો — VADODARA : રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા ITI સુુપરવાઈઝર