Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ડેસર દારૂ કાંડમાં ભાજપ યુવા મોરચાનો મંત્રી સામેલ, પાર્ટીએ કરી આકરી કાર્યવાહી

06:44 PM Sep 11, 2024 |

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય અંતર્ગત આવતા ડેસર પોલીસ મથકના સ્ટાફ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. આ રેડમાં મહિસાગર નદીની કોતરમાં દારૂ સંબંધિત ગતિવિધિ પકડી પાડી હતી. એક કારમાં શખ્સો શંકાસ્પદ હાલતમાં મળતા તેમની કડકાઇ પૂર્વક પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તમામે વટાણા વેરી દીધા હતા. આ મામલે સંડોવાયેલા પાંચ પૈકી એક ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી હોવાનું સપાટી પર આવ્યું હતું. ઘટના બાદ તેને ભાજપના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનુ સોશિયલ મીડિયામાં સામે આવ્યું છે.

કડકાઇ પૂર્વક પુછપરછ કરતા વટાણા વેરી દીધા

ડેસર પોલીસ મથકમાં પીએસઆઇ એ.ઓ. ભરવાડે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ધંતેજ ગામે પોલીસના સ્ટાફ જોડે ફ્લેગ માર્ચમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા સાથી પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી કે, એક ગાડી દારૂની પેટીઓ ભરીને ગળતેશ્વર બ્રિજથી પસાર થઇ વરસડા ગામની સીમમાં મહિસાગર નદીના કોતરમાં ખાલી થાય છે. બાતમીના સ્થળે તાત્કાલિક પહોંચીને રેડ કરવામાં આવતા એક કાર મળી આવી હતી. જેમાં ત્રણ શખ્સો હાજર હતા. તેમની હાજરી અંગે પુછપરછ કરવામાં આવતા કોઇ સંતોષકારક જવાબ મળી શક્યો ન્હતો. બાદમાં કડકાઇ પૂર્વક પુછપરછ કરતા એક કારનું પાયલોટીંગ કરીને તેઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું. અને મહિસાગર નદીના કોતરના ઝાડી-ઝાંખરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. અને તેના પૈસા લેવા માટે તેઓ ઉભા હોવાનું ઉમેર્યું હતું.

ઝાડી-ઝાંખરામાંથી બાવળની આડમાં છુટા છવાયા દારૂની પેટીઓ અને બિયરના ટીન મળ્યા

તમામે પોતાની ઓળખ ઇશ્વરભાઇ મોહનભાઇ પરમાર (રહે. મોર્ડન હાઇસ્કુલનીબાજુમાં, સેવાલીયા, ગળતેશ્વર, ખેડા), અલ્પેશકુમાર રમણભાઇ સોલંકી (રહે. ચોરાવાળું ફળિયું, અંગેડી, ગળતેશ્વર, ખેડા), મહેશભાઇ ઉર્ફે અજય જેણાભાઇ પરમાર (રહે. ઇન્દિરાનગર, સેવાલીયા, ગળતેશ્વર, ખેડા), દિપુરાજ અને નવઘણ ભરવાડ (રહે. ક્વોરી વિસ્તાર, ડેસર, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પંચોનો સાથે રાખીને આરોપીઓ દ્વારા બતાડવામાં આવેલી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી ઝાડી-ઝાંખરામાંથી બાવળની આડમાં છુટા છવાયા દારૂની પેટીઓ અને બિયરના ટીન મળી આવ્યા હતા.

પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો

ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે રૂ. 1.42 લાખનો દારૂ, કાર, મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 4.64 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂકાંડમાં સંડોવાયેલા આરોપી પૈકી ઇશ્વરભાઇ મોહનભાઇ પરમાર (રહે. મોર્ડન હાઇસ્કુલનીબાજુમાં, સેવાલીયા, ગળતેશ્વર, ખેડા) ખેડા જિલ્લા ભાજપમાં યુવા મોરચાના મહામંત્રી તરીકે નિયુક્ત હોવાનું સામે આવ્યું છે. આ દારૂકાંડ સામે આવ્યા બાદ તેઓને ભાજપના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેનો પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે.

આ પણ વાંચો — VADODARA : ભાજપનો જૂથવાદ સપાટી પર લાવતી ડિજીટલ પત્રિકા વાયરલ