VADODARA : વડોદરામાં કોંગ્રેસ (CONGRESS) ના લોકસભા (LOKSABHA 2024) ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર દ્વારા લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. શરૂઆત કરતા પહેલા તેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ અને સિનિયર કોંગી આગેવાનો સાથે હરણી ભીડભંજન હનુમાનજીના મંદિરે પહોંચ્યા છે. જ્યાં તેમણે પૂજન-અર્ચન કરીને ભગવાનના આશિર્વાદ લઇ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કોંગી પ્રમુખના જણાવ્યા પ્રમાણે, આજથી અગ્રણીઓને મળવાની શરૂઆત કરવામાં આવનાર છે. ફેરણી સોમવારથી શરૂ કરવામાં આવશે.
હજી પણ અનેક પ્રશ્નો વણઉકેલ્યા
વડોદરામાં કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારને લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. જેને લઇ ગઇ કાલે વિરોધ સામે આવ્યો હતો. જો કે, વિરોધીઓને અવગણીને આજે તેમણે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. આ તકે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જશપાલસિંગ પઢીયાર જણાવે છે કે, હનુમાનજી મંદિરે દર્શન કરીને વડોદરા લોકસભા બેઠક માટે પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. સતત ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યો છું, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. વડોદરાના આગેવાનો, કાર્યકરોને સાથે રાખીને પ્રાણ પ્રશ્નો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 30 વર્ષથી પ્રજાએ આ લોકોને ચૂંટીને મોકલ્યા છે. હજી પણ અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. આ પ્રશ્નોને લઇ લોકો સુધી જઇશું. અત્યારે બધા આગેવાનો મળે એક દિવસમાં આખો પ્રચાર કાર્યક્રમ નક્કી કરી લઇશું.
જશપાલસિંહ અનુભવી છે
શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, કોંગ્રેસના લોકસભાના ઉમેદવારના પ્રચારની શરૂઆત કરી છે. આજે હરણી ભીડભંજન મંદિરે દર્શન લીધા છે. શહેરમાં મંદિર, ધર્મગુરૂઓ અને અગ્રણીઓની મુલાકાતનું આયોજન છે. ઉમેદવારનો ફેરણીનો પ્રચાર સોમવારથી શરૂ કરવામાં આવનાર છે. જે રીતે વડોદરામાં વાતાવરણ બને છે, તે જોતા પરિવર્તનનો પવન ફુંકાશે તેવી આશા છે. કોંગ્રેસ પરિવારજનોમાં આનંદની લાગણી છે. જશપાલસિંહ અનુભવી છે, તમામ કોંગી આગેવાનો કામે લાગી ગયા છે. આ ચૂંટણી ભાજપ અને પ્રજા વચ્ચે છે. પ્રજાના ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડોદરા વિકાસમાં પાછળ છે, પ્રજા પણ આ વાત સ્વિકારે છે. અમારા યુવા ઉમેદવાર છે. તેમને કામ કરવાની પદ્ધતિનો અનુભવ છે. આ મુદ્દાઓ લોકો સમક્ષ લઇ જઇશુ.
એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ હોય
સિનિયર કોંગી આગેવાન ચંદ્રકાંત શ્રીવાસ્તવ જણાવે છે કે, અમારા ઉમેદવાર પહેલા ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમની કામગીરી લોકોએ જોઇ છે. તેઓ સરળ સ્વભાવના વ્યક્તિ છે. વડોદરાના લોકોના પ્રશ્નોને ઉઠાવવા માટે આપણે ઉમેદવારને ચૂંટીને મોકલીએ છીએ, આંગળી ઉંચી કરવા માટે નહિ. અમે શું કરીશું તે લોકો સુધી લઇ જવાનું છે. ગાયકવાડની નગરીમાં બહારથી એરપોર્ટ પર ઉતરે તો અદાણી-અંબાણીનું નામ ન હોય, એરપોર્ટનું નામ સર સયાજીરાવ ગાયકવાડ હોય. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષીકાઓ પર રાજકારણ ન રમાય, તેમને વળતર મળવું જોઇએ. આખા વડોદરામાં પાણીની સમસ્યા છે, અને વાહવાહી લૂંટવામાં આવે છે. 25 વર્ષમાં તમે શું કહ્યું તે બતાવો. ધીરે ધીરે પરદો ઉઠશે. વાયદા પર વાયદા છે, પરંતુ પણ નિભાવવાનું નથી આવડતું. હનુમાનજી સંકટ મોચન છે, તેમના દર્શન કરીને આજથી શરૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચો — Child Trafficking : દિલ્હીમાં બાળ તસ્કરીના રેકેટ પર CBI નું મેગા ઓપરેશન