+

Panchmahal: મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાને ચોમાસા પૂર્વે મળી છત

Panchmahal: માનવતાની મશાલ અને સોશ્યલ મીડિયા ટીમની મહેનત આખરે રંગ લાવી છે અને મોરવા હડફના મોરા ગામની મહિલાને ચોમાસા પૂર્વે છત મળી છે. ઉલ્લેખનીય છે કે, મોરા ગામની એક મહિલાને…

Panchmahal: માનવતાની મશાલ અને સોશ્યલ મીડિયા ટીમની મહેનત આખરે રંગ લાવી છે અને મોરવા હડફના મોરા ગામની મહિલાને ચોમાસા પૂર્વે છત મળી છે. ઉલ્લેખનીય છે કે, મોરા ગામની એક મહિલાને પોતાના ત્રણ દીકરા અને પતિ મૃત્યુ પામ્યા બાદ મહિલા મજૂરી કરી એક અકસ્માત અપંગ દીકરી અને ચાર પૌત્રોનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા, પરંતુ રહેવા માટે માત્ર ઝૂંપડું જ હતું. જેમાં આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી મજબુર બની પરિવાર જીવન વ્યતિત કરી રહ્યો હતો. સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા નિરાધાર વૃદ્ધ મહિલાના વ્હારે આવ્યા હતા અને ગણતરીના દિવસોમાં પાકું મકાન બનાવી મહિલાને આજે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.

સમાજ અગ્રણીઓ યુવાનો મહિલાનો આધાર બન્યા

મોરવા હડફના મોરા ગામની નિરાધાર મહિલાના વ્હારે આવ્યા સમાજ અગ્રણીઓ યુવાનો સહિત નિરાધાર વૃદ્ધ મહિલાનો આધાર બન્યા છે. માનવસેવા એજ પ્રભુ સેવા ભાવને પ્રગટ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઉપર આભ અને નીચે ધરતીના સહારે વૃદ્ધ અવસ્થામાં મજૂરી કરી પોતાની પથારીવસ થયેલી દીકરી અને નાના નાના માસૂમ પૌત્ર અને પૌત્રીઓ સાથે જીવન વ્યતિત કરી રહેલી નિરાધાર મહિલાની પરિસ્થિતિ નિહાળી મદદના ભાવ સાથે મકાન બનાવી આપવા માટે સોશિયલ મીડિયામાં સ્થાનિક યુવકોએ મદદ માટે પોસ્ટ મૂકી હતી. જેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો. જેના બાદ નિરાધાર મહિલાનું નવું મકાન બનાવવાનું સ્થાનિક અગ્રણીઓએ ખાતમુહૂર્ત કર્યો હતો.

નિરાધાર વૃદ્ધ મહિલાને ચોમાસા પૂર્વે છત મળી

સ્થાનિક અગ્રણીઓ અને માનવતાની મશાલ અને સોશ્યલ મીડિયા ટીમની મહેનત આખરે રંગ લાવી છે. ગણતરીના દિવસોમાં એક પાકો મકાનનું નિર્માણ કરી નિરાધાર વૃદ્ધ મહિલાને ચોમાસા પૂર્વે છત મળી છે. આજ રોજ ગામના સ્થાનિક અગ્રણીઓ અને સમજસેવી સંસ્થાઓ દ્વારા નિરાધાર વૃદ્ધ મહિલા અને તેના પૌત્રને વાજતે ગાજતે શરણાઈના સ્વરે ગૃહ પ્રવેશ કરાતા તેઓના સ્વજનોની આંખમાં હર્ષના આસું છલકાઈ આવ્યા હતા. સમાજના સ્થાનિક અગ્રણીઓએ નિરાધાર મહિલાનું મકાન બનાવી આપવા સાથે તેણીના પૌત્ર પૌત્રીને સારી શાળામાં અભ્યાસ કરાવવા સહિતની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે એક નેમ લીધી છે. જેમાથી એક નેમ પરિપૂર્ણ કરી દિધો છે અને હવે પથારીવશ દીકરી અને પૌત્રને ભણવાનો નેમ પરિપૂર્ણ કરી જ ઝંપશે એવો નિર્ધાર પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે હાલ સોશ્યલ મીડિયાના ટ્રેન્ડમાં સૌ અનુકરણ કરી રહ્યા છે જેના ગેરલાભ અને લાભ બંને પાસા છે જેથી ઉપયોગ શેના માટે કરવામાં આવે છે એ ખૂબ જ મહત્વનું છે.

ત્રણ કમાઉ દીકરાના અકાળે નિધન થયું હતું નિધન

પંચમહાલ (Panchmahal) જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં રહેતાં ભગોરા પરિવારના મોતીભાઈ અને રમીલાબેનને સુખી દાંપત્ય જીવન દરમિયાન કુદરતે ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓની ભેટ આપી હતી. જેની ખુશી વચ્ચે પરિવાર સુખમય જીવન વ્યતિત કરી રહ્યો હતો. ત્યાં અચાનક જ આ પરિવારના જીવનમાં એક નવો વળાંક આવ્યો હતો અને વિધિની વક્રતાને કારણે રમીલાબેનના માથે આભ તૂટી પડયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. અચાનક જ પતિ અને ત્યારબાદ પોતાના ત્રણ કમાઉ દીકરાના અકાળે નિધન થતાં રમીલાબેન નિરાધાર બન્યા હતા. બીજી તરફ પોતાની ત્રણ દીકરીઓ માંથી બે દીકરીઓના લગ્ન થઈ ગયા હતા. જેમાંથી પણ એક દીકરીના પતિનું નિધન થતા એ દીકરી નિરાધાર બની છે. જ્યારે એક દીકરીનું લગ્ન થાય એ પૂર્વે અકસ્માત થતાં પગમાં ગંભીર ઇજાઓ થતાં તેના પગમાં ત્રણ જેટલા ફ્રેક્ચર થતાં પથારીવશ થઈ હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી ખાટલામાં જીંદગી પસાર કરી રહી છે.

20 દિવસમાં જ પાકો મકાનનું નિર્માણ થયું

આ ઉપરાંત પોતાના સ્વર્ગસ્થ દીકરાની પુત્રીઓ અને પુત્રો સહિતની જવાબદારી વૃદ્ધ મહિલા પર આવી પડી છે. આમ નિરાધાર બનેલા રમીલા બેનના જીવનમાં આવેલા અચાનક વળાંકથી તેઓને કુટુંબના ભરણપોષણ માટે અન્ય કોઈ સહારો નહીં બચતા આખરે રમીલાબેન પોતે મજૂરી કરી પોતાની દીકરી અને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે. પરંતુ તેઓ પાસે રહેવાનું પોતાનું પાકુ મકાન નહીં હોવાથી દયનીય પરિસ્થિતિમાં તૂટેલી અને પ્લાસ્ટિકના કાગળથી ઢાંકેલી ઝૂંપડીમાં જીવન પસાર કરી રહ્યા હતા. સાથે જ આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે જેમાં શું હાલત થશે એની ચિંતામાં તેઓ ઘરકાવ થયા હતા. નિરાધાર મહિલાનું નવું મકાન બનાવવાનું સ્થાનિક અગ્રણીઓએ ખાતમુહૂર્ત કરી મકાનનું નિર્માણ કાર્ય શરૂ કર્યો હતો. 20 દિવસમાં જ પાકો મકાનનું નિર્માણ કરી આજે નિરાધાર વૃદ્ધ મહિલા અને તેઓના નિરાધાર માસુમ ચાર પૌત્ર અને એક પથારીવશ દીકરી સહિત વિધવા દીકરીને ઢોલ નગારાના વાજતે ગાજતે શરણાઈના સ્વરે નવીન પાકા મકાનમાં ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો હતો.

એક મેસેજ વાયરલ કરી મદદની ગુહાર લગાવી હતી

મોરવા હડફના મોરા ગામના ભગોરા ફળિયામાં રહેતાં રમીલાબેન ભગોરાના સુખી દાંપત્ય જીવનમાં અચાનક વળાંક આવ્યો હતો. તેઓના ત્રણ પુત્ર અને પતિનું તબક્કાવાર નિધન થતાં પરિવારની સમગ્ર જવાબદારી તેઓના શિરે આવી ગઈ હતી. જેમાં પણ એક દીકરીનો અકસ્માત થતાં એ પણ ખાટલાવશ થઈ છે. પોતાના દિકરાઓના સંતાનોના અભ્યાસ કરાવવા સહિત પાલનપોષણ કરવાની જવાબદારી માટે રમીલાબેન જાતે મજૂરી કરી જીવન નિર્વાહ કરી રહ્યા હતા. આ સ્થિતિમાં તેઓ પાસે રહેવાની છત કે પાકુ મકાન નોહતું જેથી એક તૂટેલી ઝૂંપડીમાં રહેતાં હતાં. આ સમગ્ર બાબત મોરા ગામના અને સમાજના યુવકોની સોશ્યલ મીડિયા ટીમને ધ્યાને આવી હતી જેથી તેઓએ માનવતાની મશાલ નામની સમાજમાં સેવાકીય પ્રવૃતિ કરતી ટીમ સાથે મળી રમીલાબેનને ચોમાસા પહેલા પાકી છત બનાવી આપવા માટે એક મેસેજ વાયરલ કરી મદદની ગુહાર લગાવી હતી જેને ખૂબ જ પ્રતિસાદ મળ્યો હતો અને મદદની સરવાણી વહી હતી.

સ્વજનોની આંખ માંથી હર્ષના આંસુ છલકાયા

આ તમામ એકત્રિત થયેલા લોકફાળા સાથે જ રમીલાબેનને મકાન બનાવી આપવા માટે પખવાડિયા પૂર્વે ખાતમુહૂર્ત કરાયું હતું. જેનાબાદ પુરજોશમાં મકાન બનાવવાની કામગીરી શરૂ કરી મકાન બનાવી દીધા બાદ રવિવારે વાજતેગાજતે રમીલાબેનનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. દરમિયાન રમીલાબેન અને સ્વજનોની આંખ માંથી હર્ષના આંસુ છલકાઈ ઉઠ્યા હતા અને રમીલાબેને મદદરૂપ થનાર સૌનો આભાર માની આશીર્વાદ પણ આપ્યા હતા. આમ લોકસેવાની ભાવના માટે સોશ્યલ મીડિયાનો કરાયેલા ઉપયોગથી એક નિરાધારને આધાર મળી પાકી છત મળી છે. રમીલાબેનના ગૃહપ્રવેશ કાર્યક્રમમાં માનવતાની મશાલ અને સોશ્યલ મીડિયા ટીમના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને આગામી નિરાધાર વૃદ્ધ મહિલાના 4 માસૂમ પૌત્ર દેશના સારા નગરીક બને તે માટે તેઓના શિક્ષણ તમામ પ્રકારની જવાબદારી પણ અહીંના સામાજિક અગ્રીઓએ લીધી છે. પથારીવશ દિકરી ને સારી સારવાર મળી રહે અને તેને સારી સારવાર આપવા માટેની તમામ પ્રકારની સેવા આપવાની જવાબદારી લીધી છે. માનવસેવા એ જ પ્રભુ સેવા નું જીવંત દ્રષ્ટાંત અહીંના સ્થાનિક સમાજ અગ્રણીઓએ પૂરું પાડ્યું છે. બીજી તરફ મહિલાને પોતાની છત મળવાની આશાઓ બંધાઇ છે. સાથેજ આગામી દિવસોમાં પણ સમાજના કોઈપણ જરૂરીયાતમંદની આ પ્રકારે મદદ અને સેવા કરવા માટે કામગીરી કરતાં રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો: Junagadh: ઓઝત ડેમ-2 માંથી સિંહનો મૃતદેહ મળ્યો, શોર્ટ આપી હત્યા કરાઈ હોવાની આશંકા

આ પણ વાંચો: Gujarat: બકરી ઈદને લઈને સરકારે 8 જેટલા આઇપીએસ અધિકારીઓની રજાઓ રદ કરી

આ પણ વાંચો: Rain Update: રાજ્યમાં મેઘરાજાનું આગમન, 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ

Whatsapp share
facebook twitter