+

ઉકાઇ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ૧૦૦ % ભરાયો, સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ

અહેવાલઃ અક્ષય ભડાણે, તાપી  દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો હતો.. ચાલુ વર્ષે ઉકાઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે…

અહેવાલઃ અક્ષય ભડાણે, તાપી 

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો હતો.. ચાલુ વર્ષે ઉકાઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમ છલોછલ ફરાયો છે. આ ડેમ તેની સર્વોચ્ચ જળ સપાટી ૩૪૫ ફૂટ મુજબ સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયો છે ત્યારે ડેમ ૨૦૧૯થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો જેથી આવનાર દોઢ વર્ષ સુધી સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ થયું.

 

જળસપાટી ડેમની સંપૂર્ણ ક્ષમતા એટલે કે ૩૪૫ ફુટ પર

 

આ બાબતે ઉકાઇ ડેમ પરના કાર્યપાલક ઇજનેર અધિકારી પી.જી.વસાવાએ જણાવ્યું હતું કે, ઉકાઇ ડેમ આજે તા.૦૩-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૩ વાગ્યે તેની સંપૂર્ણ ક્ષમતા એટલે કે ૩૪૫ ફુટે પહોચ્યો છે. ઉકાઇ ડેમ ૨૦૧૯ થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. આ જળાશય થકી સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચ જિલ્લાઓને પાણીનો લાભ સમગ્ર વર્ષ માટે મળશે. તાપી જિલ્લાની આખા વર્ષની જરૂરિયાત ૪૫૦૦ મિલિયન ઘન મીટર છે. હાલ અહિ કુલ સંગ્રહ ૭૪૧૪ મિલિયન ઘન મીટર છે. એટલે સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી છે. કાર્યપાલક ઇજનેર અધિકારી વસાવાએ વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે ચોમાસુ બેસતા ડેમમાં જેટલી પાણીની આવક થાય જેને નક્કિ કરેલા રૂલ લેવલ પ્રમાણે પાણી ભરવામાં આવે છે. જેમ કે, ૧લી જુલાઇ સુધી ૩૨૧ ફુટ પાણી ભરી દેવામાં આવે છે. ૧ ઓગસ્ટ સુધી ૩૩૩ ફુટ, ૧લી સપ્ટેમ્બર સુધી ૩૩૫ ફુટ સુધી, ૧૬ સપ્ટેમ્બર સુધી ૩૪૦ ફુટ અને ૧લી ઓક્ટોબર સુધી ૩૪૫ ફુટ ભરાવવા દેવામાં આવે છે.

 

ડેમની છેલ્લા પાંચ વર્ષની આંકડાકિય વિગત ઉપર નજર કરીએ તો

 

વર્ષ-૨૦૧૯ ન્યુનતમ જળ સપાટી-૨૭૫.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૪ ફુટ, કુલ સંગ્રહ જથ્થો ૭૪૧૯.૮૫ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૦ ન્યુનતમ જળ સપાટી-૩૧૭.૬૦ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૦ ફુટ, કુલ સંગ્રહ જથ્થો ૭૪૧૪.૨૯ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૧ ન્યુનતમ જળ સપાટી-૩૧૨.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૫૨ ફુટ, કુલ સંગ્રહ જથ્થો ૭૪૮૬.૫૨ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૨ ન્યુનતમ જળ સપાટી-૩૧૫.૩૪ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૩૫ ફુટ, કુલ સંગ્રહ જથ્થો ૭૪૬૨.૯૧ મિલિયન ઘન મીટર

અને ચાલુ વર્ષે – ૨૦૨૩ ન્યુનતમ જળ સપાટી-૩૦૮.૨૨ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૧ ફુટ, કુલ સંગ્રહ જથ્થો ૭૪૧૫.૬૮ મિલિયન ઘન મીટર જળ સપાટી નોંધવામાં આવી છે.

આમ, ઉકાઇ ડેમ વર્ષ ૨૦૧૯ થી આજ સુધી સતત પાંચ વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીદાર બન્યું છે.

કાઈ જળાશયમાં પાણીની ભરપૂર આવકના કારણે તાપી જિલ્લાના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત

 

ખેડૂતોને સિંચાઇ માટે અને મ્ત્સ્યપાલન માટે સારી તક આ જળાશયના કારણે મળી રહે છે. જેના કારણે તાપી જિલ્લાના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત થયા છે. હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટી કુલ ૩૪૫ ફુટ છે. અને ૫૯૩૭ ક્યુસેક પાણીની આવક સામે ૫૯૩૭ ક્યુસેક પાણી નહેર અને હાઇડ્રો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. ડેમ સંપૂર્ણ સપાટીએ પહોચતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઇ ગઇ છે. વધુમાં છલોછલ ભરેલો ડેમ જોવું એક લાહ્વો છે જેને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાતથી લોકો આ જળાશયને જોવા ઉમટી રહ્યા છે.

 

સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાનાં ૪૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે.

 

નોંધનીય છે કે, ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશીને દરિયામાં વહી જતું અટકાવીને આ ઉકાઈ યોજના બહુહેતુક યોજના રૂપે ઉકાઇ ડેમનું નિર્માણ કરાયું છે. સિંચાઇ, જળ વીજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે. જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાનાં ૪૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાનાં જળાશયમાં કુલ ૭,૪૧૪ મી. ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના પાણીનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જીલ્લાની કુલ ૩.૭૯ લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે, ઔધોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત ૮૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સીસ્ટમ માટે કરવામાં આવે છે.

 

ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતર બંધ તેમજ ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે

 

ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતર બંધ તેમજ ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે. જે સમગ્ર એશિયામાં સૌથી લાંબો માટીયાર બંધ છે. તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં ૫૧ X ૪૮.૫ ફૂટ માપના કુલ ૨૨ દરવાજાઓ મુકવામાં આવેલ છે. દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (૩૪૫ ફૂટ) ૫૧,૧૪૧ ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે.

 

તાપી નદીની કુલ લંબાઇ 436 માઈલ  

કુલ- 436 માઈલ જેટલી લંબાઈ ધરાવતી સૂર્યપુત્રી તાપીમાતા આશરે 1000 વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેતુલ જિલ્લાના મુલ્તાઈ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમના દિવસે પ્રગટ્યા હતા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના જળનો સંગ્રહ ઉકાઈ ડેમમાં થતા તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની ધરતી નવપલ્લવિત થઈ છે.

 

Whatsapp share
facebook twitter