+

આ રાજકારણ છે, અહીં કશું જ કાયમી નથી

પાટીદારના દીકરાઓ ભણીગણીને બેકાર રહી જાય છે. એ કેમ ચાલે. અમને અમારો અધિકાર મળવો જ જોઈએ.  જુલાઈ, 2015ના એક રવિવારે હાર્દિક પટેલ સાથે થયેલો આ મારો સંવાદ છે.  એ બાદ સતત અને નિયમિત એના આંદોલન ઉપર નજર રહી. ગુજરાતના અલગ અલગ શહેરોમાં પાટીદારો માટે અનામત ઝુંબેશ કરવામાં આવેલી. પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યાથી માંડીને અનેક ઉતાર ચઢાવ ગુજરાતે જોયા. હાર્દિક પટેલ સામે કેસ થયા. એમાં જેલવાસ ભોગવ્યો. એ જà«
પાટીદારના દીકરાઓ ભણીગણીને બેકાર રહી જાય છે. એ કેમ ચાલે. અમને અમારો અધિકાર મળવો જ જોઈએ.  જુલાઈ, 2015ના એક રવિવારે હાર્દિક પટેલ સાથે થયેલો આ મારો સંવાદ છે.  
એ બાદ સતત અને નિયમિત એના આંદોલન ઉપર નજર રહી. ગુજરાતના અલગ અલગ શહેરોમાં પાટીદારો માટે અનામત ઝુંબેશ કરવામાં આવેલી. પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યાથી માંડીને અનેક ઉતાર ચઢાવ ગુજરાતે જોયા. હાર્દિક પટેલ સામે કેસ થયા. એમાં જેલવાસ ભોગવ્યો. એ જેલવાસ દરમિયાન હાર્દિકે એક પત્ર લાજપોર જેલમાંથી અભિયાન મેગેઝીનને- તંત્રીને લખ્યો હતો. એ સમયે હાર્દિક પટેલની એક એક વાત પર નજર રહેતી. જેલવાસમાંથી બહાર આવ્યા પછી મેં ઉદેપુરમાં તેની ખાસ મુલાકાત લીધી હતી.  એના લખેલા પત્રમાં એક સ્પાર્ક હતો. એની વાતોમાં એક સ્પષ્ટતા હતી. એક વ્યક્તિની હાકલ ઉપર આખા ગુજરાતનું યુવાધન લાખોની સંખ્યામાં સ્વયંભૂ ઉમટી પડે એ કંઈ નાનીસૂની ઘટના તો નહોતી જ. 
દેશના નેશનલ મિડીયાથી માંડીને નાનામાં નાના વ્યક્તિએ હાર્દિકના આંદોલનની નોંધ લીધી હતી. છેલ્લા કેટલાય દિવસોથી હાર્દિકના જૂના ટ્વીટ, જૂના ઈન્ટરવ્યૂની ક્લિપ્સ વાયરલ થઈ રહી છે. મને આપેલી મુલાકાતમાં એમણે એવું કહેલું કે, મારું પણ કદાચ ફેક એન્કાઉન્ટર થઈ શકે. ભાજપની સરકાર જો મારી ઉપર રાજદ્રોહનો કેસ કરી શકે તો એ કંઈ પણ કરી શકે. જેલવાસની વાત કરતાં તેમણે એવું પણ કહેલું કે, મેં ત્રણ પુસ્તકો લખ્યા છે. જેમાં મારી જેલયાત્રા, સામાજિક પરિવર્તન અને ત્રીજું પુસ્તક ભાજપની તાનાશાહી ઉપર છે. જેનું ટાઈટલ નક્કી નથી.  
એક નવચેતના સાથે નીકળેલા યુવકે આજે કેસરી ખેસ ધારણ કર્યો. હાર્દિકનો ઉદય ડિજિટલ માધ્યમના સમયમાં થયો છે. એટલે અહીં બધું જ અવેલેબલ છે. કોના વિશે શું બોલાયું, શું કહેવાયુંથી માંડીને બધી જ વાત બધા લોકોને ખબર છે. કોઈનાથી કંઈ છૂપું નથી. કઈ શરતો અને કઈ માગણીઓ સ્વીકારાઈ હશે એ પછી કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પ્રવેશ થયો હશે આ વાતની ચર્ચા દરેક વ્યક્તિ કરે છે. રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં કંઈ જ કાયમી નથી. જે જે લોકો માટે કડવા વેણ બોલાયેલા હતા એ જ લોકોની સાથે એક પંગતમાં બેસવા માટે તમારી અંદર શું ચાલતું હશે એ તો પ્રવેશ કરનાર જ જાણે! પણ સામાન્ય માનવીને આ વાત ગળે ઉતરે એમ નથી. વડાપ્રધાનથી માંડીને નીતિનભાઈ પટેલ, વિજયભાઈ રુપાણી માટે બોલવામાં કંઈ બાકી ન રાખ્યું હોય એ પક્ષના લોકો આ વાત કેટલી ભૂલશે એ મુદ્દો પણ એટલો જ મહત્ત્વનો છે.  
એક વડીલ છે જેઓ  હાર્દિકે જ્યારે અનામત આંદોલન કર્યું ત્યારે ખૂબ આશાવાદી હતા. તેઓ કહે છે, પોતાની મહત્ત્વાકાંક્ષા પક્ષની સીમાને ઓળંગે ત્યારે ઘણુંબધું ભાંગી જતું હોય છે. ભ્રમથી માંડીને અનેક હકીકતો આપણી સામે કડડભૂસ થતી દેખાય છે. પણ સત્ય પથ્થર પર લખાતું હોય છે પાણી ઉપર નહીં. રાજકીય કારર્કિદીની આ કેવી ભૂખ હશે કે, માણસ આટલો બધો બદલાઈ જતો હશે?  
પાયાના સાથીદારો હતા એમાંથી કેટલાક યુવાનોને હાર્દિકનો ભાજપ પ્રવેશ દિલમાં નથી ઉતરતો. સાથોસાથ જેમણે ભાજપ માટે જાત ઘસી નાખી છે, ભોગ આપ્યો છે એ લોકો માટે હાર્દિકનો દિલથી સ્વીકાર કરવો એટલો જ અઘરો છે. બહાર અને અંદર બંને માટે હાર્દિકે લડાઈ લડવાની છે. એમણે ભલે એવું કહ્યું કે, એના પપ્પા આનંદીબેન પટેલ માટે પ્રચાર કરવા જતા હતા. પણ અનામત આંદોલનની સીડી ઉતરીને વાયા કોંગ્રેસ ભાજપની સીડી ચડવામાં હાર્દિકે કપરાં ચઢાણ કરવા પડશે. દરેક રાહ એટલી આસાન બનવાની નથી. આ રાહ હાર ન બને એ પણ જોવાનું રસપ્રદ રહેશે.   
થોડા સમયમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે. હાર્દિક પોતાના હોમટાઉન વિરમગામથી ચૂંટણી લડશે કે પછી પાટીદારોની બહુમતી ધરાવતી આસાન સીટ ઉપર ભાજપ એને ટિકિટ આપશે? ગુજરાતના રાજકારણને નજીકથી જાણનારા એક વર્ગનું એવું પણ માનવું છે કે, હાર્દિકની રાજકીય કારર્કિદી અહીં પૂરી થવાની છે. જે એણે વાવેલું છે એ લણવા કરતાં નડવાનું વધુ છે. ગુજરાતની જનતા બધું જ જાણે છે. જે પ્રજા સ્વંયભૂ એની સાથે જોડાઈ હતી એ એને તોડી પણ શકે એવી તાકાત ધરાવે છે.  
ભાજપને નજીકથી જાણતા લોકોનું એવું પણ માનવું છે કે, એવી કઈ મજબૂરી છે કે, ભાજપે હાર્દિકને પ્રવેશ આપવો પડ્યો? 1993ની સાલમાં જન્મેલો હાર્દિક 1995માં બે વર્ષનો હશે ત્યારથી માંડીને આજદિન સુધી ભાજપ ગુજરાતમાં રાજ કરે છે. આખરે એવું શું રંધાયું કે, ભાજપમાં એને આવવું પડ્યું? પોતાની સામે થયેલા કેસોથી હારીને એને ભાજપનું શરણું લીધું છે? કોંગ્રેસમાં લાંબો સમય રહ્યા પછી કંઈ ગજ ન વાગ્યો એટલે રાજકીય મહત્ત્વાકાંક્ષાને પહોંચી વળવા આ પગલું ભર્યું છે? પક્ષપલટો અને પક્ષપ્રવેશ આ બંને એવી બાબતો છે જે રાજકારણમાં તમારું અસ્તિત્વ છે ત્યાં સુધી જોડાયેલી રહેવાની છે. સામાન્ય જનતાની આંખોમાં આજે અનેક સવાલો છે જેનો જવાબ કદાચ એ મતદાન કરતી વખતે આપશે કે નહીં? આ સવાલ પણ અસ્થાને તો નથી જ. એક આખી યુવા પેઢીએ હાર્દિકને પોતાના હીરો તરીકે જોયો છે એ યુવા પેઢી હવે મત આપતી વખતે આ રાજકીય આવનજાવનને કેવી રીતે મૂલવે છે એ જોવાનું પણ એટલું જ મહત્ત્વનું રહેશે.  
ભાજપે હાર્દિકના ભાજપ પ્રવેશને ખૂબ લો પ્રોફાઈલ રાખવાની કોશિશ કરી. પત્રકારોના સવાલ જવાબના સેશનમાં હાર્દિકે પોતાની સ્ટાઈલ અને સ્વભાવ મુજબ જવાબ આપશે એવી વાત કરી ત્યારે થયેલું હૂટિંગ પણ ઘણું બધું સૂચવે છે. નીતિનભાઈએ આંખો મિલાવ્યા વગર એને ટોપી – કેસરી ટોપી પહેરાવી એ બોડી લેંગ્વેજ પણ તરી આવે છે. આપણે લોકો એવા માહોલવાળા પરિવારમાં જીવીએ છીએ જેમાં ઘરની અંદર બોલાચાલી થઈ જાય, માફી મંગાઈ જાય તો પણ જીવતે જીવ કેટલાક કડવાવેણ ભૂલી નથી શકતા. ક્ષમા માગવી અને માફ કરવું એ બંને જો દિલથી ન થાય તો ક્યારેય અંદરથી ઉમળકો ઉગતો નથી હોતો. તો પછી આ તો જાહેર મંચ અને રાજકારણ છે. ભલે એવું કહેવાતું હોય કે, રાજકારણમાં કંઈ જ કાયમી નથી. કોઈ પરમનેન્ટ દુશ્મન હોય શકે કે કોઈ જ કાયમી દોસ્ત નથી હોતું.  
રાજકારણમાં અને જાહેરમંચ પર કહેવાયેલી કેટલીક વાતો તમારી સામે રીવર્સ થઈને આવે ત્યારે જવાબ આપવો આકરો પડી જતો હોય છે વાત હાર્દિકની પ્રેસ કોન્ફરન્સમાં ઉડીને આંખો વળગી. રાજનીતિ મૂવીમાં એક ડાયલોગ છે કે, રાજકારણ એવું ક્ષેત્ર છે જ્યાં મરેલાને પણ સાચવીને રાખવામાં આવેે છે કોણ જાણે ક્યારે કામ લાગી જાય? પેટ્રોલના ભાવો વધી જાય ત્યારે કોંગ્રેસ પક્ષ જો વડાપ્રધાનની જૂની ક્લિપ્સ ફેરવી શકે તો આ નવી પેઢીનું રાજકારણ છે એ જૂનું ભૂલી જશે વાતમાં દમ નથી. એક યુવતીએ તો એવું કહ્યું કે, હાર્દિકે એના આત્માના અવાજના દરવાજા બંધ કરી દીધાં છે અને એના ઉપર કમળ આકારનું તાળું મારી દીધું છે. એ પાટીદાર યુવતીએ ઉમેર્યું કે, સમાજ માટે લડવા નીકળતી વખતે અડચણો આવશે એ વાતથી શું હાર્દિક અજાણ હતો? 
પોતે ભાજપમાં સૈનિક તરીકે કામ કરવા માગે છે એવી વાત હાર્દિકે પટેલે કહી. જોવાનું એ રહે છે કે, એ સેનાપતિ બનવાના સપનાં જોઈને આવ્યા છે કે પછી અહીં એમનો રાજકીય વધ થવાનો છે?
Whatsapp share
facebook twitter