ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મંગળવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. આ મેચ પહેલા RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પોતાની જૂની ટીમ (CSK) સાથે જોડાયેલી કેટલીક યાદો શેર કરી હતી. વળી બીજી તરફ ધોની અને કોહલી એકબીજાનું કેટલું સન્માન કરે છે તે પણ આ સમયે જોવા મળ્યું હતુું.
ધોની અને કોહલી ટીમ ઈન્ડિયાના રહી ચુક્યા છે કેપ્ટન
મહેન્દ્ર સિંહ ધોની ભારતના મહાન કેપ્ટનોમાંથી એક છે. તેણે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. કેપ્ટનપદ છોડ્યા પછી પણ ધોની ભારત માટે રમ્યો અને વિરાટ સાથે મળીને ભારતીય ક્રિકેટને સંભાળી. આ બંને ખેલાડીઓએ મેદાન પર ભારતને મેચ જીતાડવાથી લઈને યુવા ખેલાડીઓની પસંદગી અને ખેલાડીઓની સમસ્યાઓને BCCIની સામે રાખવા સુધીની દરેક બાબતમાં ભાગીદારી કરી છે. વિનોદ રાયે તેમના પુસ્તકમાં આવા જ એક કિસ્સાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ધોની અને વિરાટે વર્કલોડની સમસ્યા 2017માં જ જણાવી હતી, પરંતુ આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. વિનોદ રાય તેમના પુસ્તક “Not Just A Night Watchman: My Innings in the BCCI” માં અનેક ટુચકાઓ વર્ણવ્યા છે. વિરાટ અને ધોની સાથેની આ મુલાકાતનો એક કિસ્સો પણ છે, જેમાં બંને ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાને લગતી ઘણી સમસ્યાઓ વિશે જણાવ્યું હતું.
ધોની હંમેશા મારો કેપ્ટન રહેશે-વિરાટ
વિરાટ કોહલીને તમે મેદાનમાં હંમેશા ગુસ્સામાં જોયો છે, પરંતુ આ વિરાટની ખરી ઓળખ નથી. જીહા, તે પોતાના સાથી ખેલાડીઓ સાથે હંમેશા મસ્તી કરતો રહે છે અને કોઇ ખેલાડી પર મુસિબત આવે છે તો તે તેની પડખે હંમેશા ઉભો રહે છે. કોહલીના ખાસ મિત્રોની વાત કરીએ તો તેમા સૌ પ્રથમ નામ ધોની હોય તો કોઇ નવાઇ નથી. તે હંમેશા ધોનીનું સન્માન કરતો આવ્યો છે. વળી ધોની પણ કોહલીની ખૂબ જ નજીક હોય તેવું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ખૂબ જ ભાવુક નિવેદન આપ્યું હતુ. સ્ટાર સ્પોર્ટ્સ સાથેની ખાસ વાતચીતમાં વિરાટ કોહલીએ ધોની અને તેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, જ્યારે તે પહેલીવાર ધોનીની બાજુમાં બેઠો ત્યારે તેના ધબકારા ખૂબ જ વધી ગયા હતા. વિરાટ કોહલીએ કહ્યું, ‘જ્યારે હું ટીમમાં આવ્યો અને જ્યારે હું પહેલીવાર ટીમની બસમાં બેઠો, ત્યારે મારા માટે કેપ્ટન એમએસ ધોની હતા. હું ટીમ બસમાં ખૂબ પાછળ બેસી જતો કારણ કે સચિન આગળ બેસતા હતા. હું ધોની પાસે ગયો અને મેં તેને જોયો અને મારું હૃદય ઝડપથી ધડકતું હતું. મને તે ક્ષણ હજુ પણ યાદ છે. વિરાટ કોહલીએ વધુમાં કહ્યું, ‘ધોની એકમાત્ર એવો વ્યક્તિ છે જેણે મને ઓપનિંગ કરવાની તક આપી અને મને રમવાની તક આપી. ધોની હંમેશા મારો કેપ્ટન રહેશે. જો હું કોઈ પર વિશ્વાસ કરું છું, તો હું તેના માટે કંઈ પણ કરી શકું છું. હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી કે હું ધોનીનું કેટલું સન્માન કરું છું. ધોની અને હું ટીમ ઈન્ડિયા માટે કંઈ પણ કરી શકીએ છીએ. પ્રામાણિકતા અને સારી વિચારસરણીના કારણે અમારો સંબંધ ઘણો મજબૂત છે.
ચેન્નાઈએ આ રીતે મેળવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર જીત
ચેન્નાઈ સુપર કિંગ્સ એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ફટકો આપવામાં સફળ રહી છે. CSK એ બેંગ્લોરને 23 રને હરાવ્યું, તેમજ IPL 2022 માં પુનરાગમન કર્યું છે. સીઝનની 22મી મેચમાં ચેન્નાઈએ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી અને બેંગ્લોરને 20 ઓવરમાં 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. CSK તરફથી રોબિન ઉથપ્પા અને શિવમ દુબેની ભાગીદારીએ ચાહકોના દિલ જીતી લીધા હતા, જ્યાં ઉથપ્પાએ 88 રન બનાવ્યા અને શિવમ દુબેએ 95* રન બનાવી ટીમની જીતનો પાયો મજબૂત કર્યો હતો. બીજી તરફ આરસીબીની વાત કરીએ તો ટીમ 217 રનના વિશાળ લક્ષ્યાંકને હાંસલ કરવામાં નિષ્ફળ રહી અને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 193 રન જ બનાવી શકી. બેંગ્લોર તરફથી શાહબાઝ અહેમદ અને દિનેશ કાર્તિકે સર્વાધિક સ્કોર બનાવ્યો, જેમાં શાહબાઝે 27 બોલમાં 41 રન અને દિનેશ કાર્તિકે 14 બોલમાં 34 રન બનાવ્યા.