Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચોમાસામાં આ ભજીયા ખાવા પડાપડી, ‘ડુમ્મસનાં પ્રખ્યાત ટામેટાના ભજીયા’બનાવવાની સિક્રેટ રેસિપી

05:41 AM Apr 18, 2023 | Vipul Pandya

ભાઈ.. ચોમાસાની મસ્તમજાની મોસમ ચાલતી હોય અને કોઈના ઘરમાં ભજીયા ન બને એવું તો બને જ નહીં. બટેકાની પત્રીના, ડુંગળીના કે મરચાંના ભજીયા તો દરેકના ઘરે સામાન્ય રીતે બનતા જ હોય છે. અને તે ખાવાની મજા પણ કંઈક અલગ જ હોય છે. પરંતુ આજે તમારા ભજીયાની વેરાયટીમાં વધારો કરવા જઈ રહ્યા છીએ.

આપણે ગુજરાતીઓને ખાવાપીવાના પાક્કા શોખીન કહેવાય છે. ગુજરાતમાં લગભગ દરેક જગ્યાની કઈંક ને કઈંક ફેમસ વાનગી તો મળી જ રહેતી હોય છે. તેથી આજે અમે તમારા માટે લાવ્યા છે સુરતથી ફક્ત 18 કિમીના અંતરે આવેલા ડુમ્મસનાં ફેમસ ટામેટા ભજીયાની રેસીપિ. 

ચોમાસામાં તો ડુમ્મસ ઘણાં લોકો ખાસ આ ભજીયાં ખાવા જ જાય છે, તમે આજે તેને ઘરે જ બનાવીને પણ લૂંટી શકો છો મજા. 

ટામેટા ભજીયા માટેની સામગ્રી:

3 મોટા કડક ટામેટાં

1 મોટી ઝૂડી કોથમીર

5 લીલા મરચાં

2 વાડકી બેસન

2 ચમચી સૂકા ધાણાં

5-7 નંગ મરી

મીઠું સ્વાદ અનુસાર

ચપટી હળદર

2 ચમચી ચાટ મસાલો

તળવા માટે તેલ

બનાવવાની રીત :

  • સૌ પ્રથમ કોથમીર અને મરચાંને ધોઈને સહેજ મીઠું નાખીને બરાબર પીસી ચટણી બનાવી લો. અંદર પાણી ઉમેરવાનું નથી. 
  • ત્યારબાદ મરી અને સૂકા ધાણાને અધકચરા ખાંડી લો. 
  • ત્યારબાદ બેસનમાં મસાલા ઉમેરો. 
  • મરી અને સૂકા ધાણા મિક્સ કરો. પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો. ખીરું ઘટ્ટ રાખવું. 
  • પછી તેમાં 2 ચમચી ગરમ તેલ ઉમેરો. 
  • ત્યારબાદ હવે ટામેટાંને ગોળ સમારી લેવાં. ટામેટાંની દરેક સ્લાઈસ પર 1/2 ચમચી ચટણી લગાવો. 
  • ટામેટાંની સ્લાઈસને ખીરામાં મૂકી ચમચીથી ખીરું લગાવી ધ્યાનથી ગરમ તેલમાં તળી લો. 
  • તળાઈ જાય એટલે ભજીયા પર ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ ભજીયાને કઢી, લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

આ ભજીયાં બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટીપ્સ:

  • ખીરું સામાન્ય ભજીયાના ખીરા કરતાં ઘટ્ટ રાખવું.
  • સોડા ઉમેરવાની ભૂલ ન કરશો.