- બિહારના નવાદામાં મહાદલિતો પર હિંસક હુમલો
- ઘરોમાં આગ લગાવી જીવન બનાવ્યું અંધકારમય
- પેટ્રોલ છાંટીને આગ લગાવી, 100થી વધુ પરિવારો બેઘર
- મહિલાઓ અને બાળકો જીવ બચાવવા ભાગ્યા
Bihar News : બિહારના નવાદાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણનગર માંઝી ટોલામાં કેટલાક હુમલાખોરોએ ડઝનબંધ ઘરો પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. દરમિયાન હુમલાખોરો તેમની સામે જે પણ આવ્યું તેને આગના હવાલે કરતા ગયા. આ ગામમાં મોટાભાગના ઘરો છાણના ઝૂંપડાં હતા અને કેટલાક કાચા મકાનો હતા, જેને હુમલાખોરોએ આગની ભેટ ચઢાવી દીધા હતા. જ્યારે અહીં ઘરોને આગના હવાલે કરવામાં આવી રહ્યા હતા ત્યારે ઘણા બાળકો જમવાની રાહ જોઇ રહ્યા હતા, કેટલાક કામથી પરત ફરેલા લોકો આરામ કરી રહ્યા હતા અને મહિલાઓ રાત્રિનું ખાવાનું બનાવી રહી હતી. રાત્રિના સમયમાં આવેલા હુમલાખોરોએ બધે જ આગ લગાવીને લોકોના જીવનમાં અંધકાર ફેલાવી દીધો હતો.
હુમલાખોરો આવ્યા અને બધુ જ સળગાવી દીધુ
સૂત્રોના જણાવ્યા અનુસાર કોલોનીમાં 100થી વધુ મહાદલિત પરિવારો રહેતા હતા. સૂત્રોએ આક્ષેપ કર્યો હતો કે નજીકના પ્રણબીઘા ગામના એક શક્તિશાળી વ્યક્તિ નંદુ પાસવાને તેના સાગરિતો સાથે અહીં આગ અને હિંસા ભડકાવી હતી. જે સમયે આ હુમલાખોરો આવ્યા ત્યારે બાળકો જમવાની રાહ જોઇ રહ્યા હતા. બાળકોએ કોઈ દિવસ પણ આ કલ્પના કરી નહી હોય કે એક રાત્રે તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડશે. આ હુમલો ત્યારે થયો જ્યારે માતાઓ રસોડામાં ભોજન બનાવી રહી હતી અને બાળકો ભૂખ્યા અશ્રુઓ સાથે પોતાની પ્લેટો તરફ જોઈ રહ્યા હતા. હુમલાખોરોએ આ એક હિંસા કરી બાળકોથી પોતાનું ઘર પણ કાયમ માટે છીનવી લીધુ. મહિલાઓએ જેવી ગોળીબારી થઇ હોવાનો અવાજ સાંભળ્યો કે તુરંત જ પોતાના બાળકોને બચાવવા છુપાવવાની શરૂઆત કરી. આ સંકટકાળમાં સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને રક્ષણ મળવું અત્યંત મુશ્કેલ થઈ ગયું હતું. હુમલાખોરોએ ઘરોમાં ધસીને બધું સળગાવવાનું શરૂ કર્યું, અને નિર્દોષ લોકોને બધું છોડીને ભાગવું પડ્યું હતું.
बिहार नवादा में 80 से ज़्यादा दलित परिवारों के घरों में आग लगा दी। कई लोग गंभीर रूप से घायल हैं। बंदूकों से गोलियाँ भी चलाई गईं। मुख्यधारा का मीडिया चुप है….#Navada #Bihar#Rand#Hezbollah pic.twitter.com/wFfeiet68F
— rahul yadav (@rahulya90912444) September 19, 2024
આગમાં બળીને ખાખ થયા ઘર
માંઝી ટોલામાં થયેલા આ નિર્દયી હુમલાએ સોથી વધુ પરિવારોને બેઘર બનાવી દીધા હતા. માત્ર માટીના મકાનો જ નહિ, તેમનાં જીવનજીવવા માટેના સાધનો, અનાજ, કપડાં અને ઓળખના દસ્તાવેજો પણ આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. લોકો પાસે ખાવા માટે પણ કંઈ જ બચ્યું નથી. તેમને હવે તાબડતોબ સરકારી તંબુઓમાં આશરો લેવા મજબૂર બન્યા છે. આ પરિવારોને હવે સવાલ થાય છે કે તેમને ક્યારે અને કેવી રીતે ફરી નવું જીવન મળશે. આ પરિસ્થિતિના પરિણામે તાકીદની રાહત તો મળી રહી છે, પરંતુ આ ગામ માટે હવે નવું ભવિષ્ય કયાંથી આવશે એ મોટો પ્રશ્ન છે. એક પીડિતાએ આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, બદમાશોએ પેટ્રોલ છાંટ્યું અને ઘરોને આગ લગાવી દીધી. બધા અનાજ બળી ગયા. ઘરમાં રાખેલા પૈસા, કપડાં, વાસણો, આધાર કાર્ડ બધું બળીને ખાખ થઈ ગયું હતું. હુમલાખોરો ઘરમાં ઘૂસ્યા ત્યારે હું ભોજન બનાવી રહી હતી. બાળકો ખાવા માટે રાહ જોઈ રહ્યા હતા. તેઓએ અમને કહ્યું કે ઝડપથી અહીંથી ભાગી જાઓ, નહીં તો તમને પણ બાળી નાખીશું.
ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા લોકો
સ્થાનિક પ્રશાસને દાવો કર્યો છે કે, અહીં 21 મકાનો બળી ગયા છે. જો કે, આ ગામમાં મોટાભાગે ઘાંસવાળા મકાનો હતા જે સંપૂર્ણપણે બળી ગયા હતા. લોકોએ અહીં માટીના મકાનો બનાવ્યા હતા. હવે અહીં જનજીવન સામાન્ય થવામાં ઘણો સમય લાગશે. કેટલાક મકાનો બાકી છે જ્યાં લોકો રહી શકે છે. છતાં મોટા ભાગના મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અહીંના સેંકડો લોકો હવે બેઘર બની ગયા છે. અહીં ફાયરિંગ કરવામાં આવ્યું, પછી પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી. સેંકડો લોકો ખુલ્લા આકાશ નીચે જીવવા મજબૂર બન્યા છે. તેમને તંબુઓમાં રાત વિતાવવી પડે છે. પીડિતો પાસે ખાવા માટે કંઈ બચ્યું નથી. હાલમાં સરકાર દ્વારા અહીં રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Bihar : નવાદાના મહાદલિત ટોલામાં ગુંડાઓએ ગોળીબાર કર્યો, 80 ઘરોને આગ લગાવી