Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ADR Report : તમે આટલા ક્રિમિનલ સાંસદ ચૂંટ્યા….!

11:04 AM Jun 07, 2024 | Vipul Pandya

ADR Report : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. બે દિવસમાં નવી સરકારની રચના પણ થઇ જશે. આ વખતે ભાજપને એનડીએ સહયોગી પક્ષના ટેકા વડે ગઠબંધન સરકાર ચલાવવી પડશે કારણ કે ભાજપ બહુમતી બેઠકો જીતી શક્યું નથી. બીજી તરફ એસોસિએશન ફોર ડેમોક્રેટીક્સ રિફોર્મ્સ (ADR Report) ના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ વખતે નવી સંસદમાં 252 સાંસદ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. આ વખતે ચૂંટાયેલા સાંસદોમાં 504 સાંસદો કરોડપતિ છે.

નવા ચૂંટાયેલા 251 સાંસદ સામે ફોજદારી કેસ

ADRના રિપોર્ટમાં ‘માનનીય’ સાંસદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાં નવા ચૂંટાયેલા 251 સાંસદ સામે ફોજદારી કેસ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. નવી સંસદમાં 251 પૈકી 170 સાંસદો સામે હત્યા અને બળાત્કાર સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે જ્યારે 27 સાંસદ તો કેટલાક કેસમાં દોષિત પણ ઠરેલા છે. 2009થી 2024 સુધી 124 ટકા દાગી સાંસદ વધ્યા છે. રિપોર્ટ મુજબ 2019માં 233 સાંસદ સામે ફોજદારી કેસ હતા.

ભાજપના 94, કોંગ્રેસના 49 અને SPના 21 સામે કેસ

ફોજદારી કેસ જે સાંસદો સામે ગુનાયેલા છે તેમાં ભાજપના 94, કોંગ્રેસના 49 અને SPના 21 સામે કેસ છે જ્યારે TMCના 13, DMKના 13, TDPના 8 સાંસદ સામે કેસ નોંધાયેલા છે. સૌથી વધુ ઈડુક્કી કોંગ્રેસના કુરિયાકાસો સામે 88 કેસ છે તો વડકરા કોંગ્રેસના શપી પરમ્બિલ સામે 47 કેસ છે. મલકાજગીરી ભાજપના એતેલા રાજેન્દ્ર સામે 45 કેસ છે. 15 સાંસદો મહિલાઓ વિરૂદ્ધના ગુનામાં સંડોવાયેલા છે. 43 સાંસદો સામે ભડકાઉ ભાષણના કેસ નોંધાયેલા છે.

543 પૈકી 504 સાંસદ કરોડપતિ

બીજી તરફ રિપોર્ટમાં જણાવાયું છે કે 543 પૈકી 504 સાંસદ કરોડપતિ છે જેમાં ભાજપના 227 અને કોંગ્રેસના 92 સાંસદ કરોડપતિ છે. DMKના 21, TMCના 27, SPના 34 સાંસદ કરોડપતિ છે. સાથે AAPના 3, JDUના 13, TDPના 16 સાંસદ કરોડપતિ છે. સૌથી વધુ TDPના ડૉ.ચંદ્રશેખર પાસે 5705 કરોડ સંપત્તિ છે અને ભાજપના વિશ્વેશર રેડ્ડી પાસે 4568 કરોડની સંપત્તિ છે તો ભાજપના નવીન જિંદલ પાસે 1241 કરોડની સંપત્તિ છે. સૌથી ઓછી ભાજપના જ્યોતિ મહતોની 5 લાખ સંપત્તિ છે.

19મી લોકસભામાં 214 સાંસદ ફરીથી ચૂંટાઈ આવ્યા

આ રિપોર્ટમાં કહેવાયું છે કે 19મી લોકસભામાં 214 સાંસદ ફરીથી ચૂંટાઈ આવ્યા છે જેમાં ભાજપના 115, કોંગ્રેસના 27 સાંસદ ફરીથી ચૂંટાયા છે જ્યારે TMCના 16, DMKના 10, JDUના 8 સાંસદ ફરી ચૂંટાયા છે તો શિવસેનાના 4, SPના 4, TDPના 3 સાંસદ ફરી ચૂંટાયા છે.

28 સાંસદ ડોક્ટરેટ અને 17 સાંસદ ડિપ્લોમા પાસ

રિપોર્ટ મુજબ 1 સાંસદ સાક્ષર અને 2 સાંસદ ધોરણ 5 સુધી ભણેલા છે અને 4 સાંસદ ધોરણ-8 પાસ, 34 સાંસદ ધોરણ-10 પાસ છે. 65 સાંસદ ધોરણ-12 પાસ અને 146 સાંસદ ગ્રેજ્યુએટ છે તો 98 સાંસદ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ, 147 સાંસદ પીજી સુધી ભણેલા છે. આ સાથે 28 સાંસદ ડોક્ટરેટ અને 17 સાંસદ ડિપ્લોમા પાસ છે.

SPમાંથી ચૂંટાયેલા બંને સાંસદોની ઉંમર 25 વર્ષ છે

રિપોર્ટ મુજબ સૌથી યુવા સાંસદ પુષ્પેન્દ્ર સરોજ અને પ્રિયા સરોજ છે. SPમાંથી ચૂંટાયેલા બંને સાંસદોની ઉંમર 25 વર્ષ છે તો વયોવૃદ્ધ સાંસદ તરીકે DMKના ટીઆર બાલુ 82 વર્ષ ના છે. નવા ચૂંટાયેલા 7 સાસંદોની ઉંમર 25થી 30 વર્ષની છે અને 51 સાંસદ 31થી 40 વર્ષ તો 114 સાંસદ 41થી 50 વર્ષના છે. 51થી 60 વર્ષના 114 અને 61થી 70 વર્ષના 161 MP છે. 71થી 80 વર્ષના 43, 81થી વધુ વયના 1 સાંસદ ચૂંટાયા છે.

543માં માત્ર 74 મહિલા સાંસદો

18મી લોકસભામાં 543માં માત્ર 74 મહિલા સાંસદો છે. 2019માં 77 અને 2014માં 62 મહિલા સાંસદ હતી. જેમાં ભાજપમાંથી 31 અને કોંગ્રેસમાંથી 13 મહિલા સાંસદ છે. TMCમાં 11, SPમાં 5, DMKમાંથી 3 મહિલા ચૂંટાઈ છે.

આ પણ વાંચો— Electionમાં હાર છતાં વિપક્ષ આટલો કેમ ઉત્સાહી ? વાંચો રણનિતી…