Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મિશન વર્લ્ડ કપ માટે રવાના થઇ ટીમ ઈન્ડિયા, બુમરાહના સ્થાને કોણ શું હજુ નથી લેવાયો નિર્ણય?

07:38 AM Apr 23, 2023 | Vipul Pandya

T20 વર્લ્ડ કપ આ મહિના (ઓક્ટોબર) ની 16 તારીખથી શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma) ની આગેવાનીમાં ભારતીય ટીમ (Team India) ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગઈ છે. ટીમના તમામ ખેલાડીઓ ગુરુવારે સવારે એકઠા થયા અને આગામી ICC ઈવેન્ટ માટે ઉડાન ભરી. ભારતીય ટીમમાં માત્ર 14 ખેલાડીઓ જ દેખાયા હતા અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)ના સ્થાને લેવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
14 ખેલાડીઓએ ઉડાન ભરી
ભારતીય ક્રિકેટ ટીમ આગામી T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma) સહિત કુલ 14 ખેલાડીઓએ ઉડાન ભરી છે. આ સિવાય કોચ રાહુલ દ્રવિડ સહિત ટીમ મેનેજમેન્ટના અન્ય સભ્યો પણ સાથે ગયા છે. જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ 15 સભ્યોની ટીમનો ભાગ હતો પરંતુ ઈજાના કારણે તે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે અને ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI)એ હજુ તેના સ્થાનની જાહેરાત કરવાની બાકી છે. ટીમના ચાર ખેલાડીઓ જેમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે તેઓ પણ અત્યારે ભારતમાં છે. મોહમ્મદ શમી કોવિડમાંથી સાજો થઈ ગયો છે અને તેને પ્રથમ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે જ્યારે અન્ય ત્રણ ખેલાડીઓ એટલે કે દીપક ચહર, રવિ બિશ્નોઈ અને શ્રેયસ અય્યર આજથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે.

BCCIએ ટ્વીટ કર્યુ
વર્ષ 2007મા T20 વર્લ્ડ કપની પહેલા જ ફોર્મેટમાં વિજયી બનેલી ભારતીય ટીમને હજુ સુધી બીજી વખત ટ્રોફી કબજે કરવાની તક મળી નથી. ટીમ 2014 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ત્યાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, 2016મા સેમિફાઇનલ અને 2021મા સુપર 12માંથી બહાર થવું પડ્યું હતું. BCCIએ ટ્વિટર પર ટીમના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ગ્રુપ ફોટો પોસ્ટ કર્યો છે. આમાં તમામ સભ્યો એક જ પ્રકારના ડ્રેસમાં જોવા મળે છે. BCCIએ તસવીર સાથે ટ્વીટમાં લખ્યું છે, પિક્ચર પરફેક્ટ, ચાલો આ કરીએ. ગ્રૂપ ફોટોમાં ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પણ જોવા મળે છે, જે ઈજાગ્રસ્ત હતો પરંતુ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને ટીમ સાથે રવાના થઈ ગયો છે.
વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે તેમના ઘરે બે શ્રેણી રમી હતી અને બંનેમાં વિજય મેળવ્યો હતો. જોકે, જસપ્રીત બુમરાહની ભરપાઈ કરવું ટીમ માટે આસાન નહીં હોય. વળી, કેટલાક ખેલાડીઓ એવા છે જેઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં રમશે, તેથી તે ખેલાડીઓએ ટૂંક સમયમાં એડજસ્ટ થવું પડશે. ભારત પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જેના માટે અત્યારથી જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.