Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લઇ લો.. લઇ લો.. 500ની ટિકિટ 2500માં, જુઓ Video

09:03 PM Apr 25, 2023 | Vipul Pandya
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર તમને આ અઠવાડિયામાં લઇ લો… લઇ લો.. 500ની ટિકિટ 2500માં આ સાંભળવા મળે તો નવાઇ નથી. જીહા, આ વાત અમે તમને એક વિડીયોના આધારે કહી રહ્યા છીએ. 
IPL 2022ની અંતિમ બે મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ટિકિટોનો કાળાબજાર શરૂ થઇ ગયો છે. અહીં જ્યારે ક્રિકેટના ચાહકોને ટિકિટ મળી રહી નથી ત્યારે આ પ્રકારના કાળાબજારનો ઘટસ્ફોટ ગુજરાત ફર્સ્ટે કર્યો છે. સ્ટેડિયમની બહાર ઘણા એવા લોકો મળી આવ્યા છે કે જેઓ રૂપિયા 500ની ટિકિટનો ભાવ 3000 લગાવીને વેચી રહ્યા છે. ટિકિટની કાળાબજારી કરતા લોકો ભાવતોલ કર્યા બાદ ટિકિટ માટે સ્ટેડિયમમાં ફોન કરે છે અને બાદમાં રૂપિયા 2400માં તે ટિકિટ વેચે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનો ખુલાસો ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અહીં સૌથી ચોંકાવનારો મામલો એ છે કે, ટિકિટની કાળાબજારી સ્ટેડિયમની અંદરથી પણ થઇ રહી છે. વળી આ તંત્ર ઉપર પણ એક મોટો સવાલ ઉભો કરે છે. 
વિસ્તારથી વાત કરીએ તો, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આવેલા રહેણાંક વિસ્તારમાં એક શખ્સ IPL 2022ની ક્વોલિફાઇડ-2 મેચની ટિકિટ બ્લેકમાં વેચતો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના કેમેરામાં કેપ્ચર થયો હતો. આ શખ્સને જ્યારે અન્ય એક શખ્સે ટિકિટ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, એક ટિકિટ તમને 2400 રૂપિયામાં મળશે. તેણે વધુમાં કહ્યું કે, મે સ્ટેડિયમની અંદર ફોન લગાવ્યો હતો તો મને કહેવામાં આવ્યું કે 3000 રૂપિયાની એક ટિકિટ પડશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, ઓરિજનલ ટિકિટ કેટલામાં વેચાય છે ત્યારે આ શખ્સે કહ્યું કે, તે મને ખબર નથી, મે સ્ટેડિયમની અંદરના શખ્સને માત્ર ટિકિટનું પૂછ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે, જે પણ ટિકિટ મળશે તે નીચેની નહીં પણ ઉપરની બેઠક વ્યવસ્થાની મળશે.
અહીં એક વાત સ્પષ્ટ છે કે, જે રીતે આ લોકો ટિકિટની કાળાબજારી કરી રહ્યા છે તે લોકોને આવું કરવા માટે કોઇ ડર હોય તેવું બિલકુલ દેખાઇ રહ્યું નથી. તેઓ એવું પણ નથી વિચારી રહ્યા કે કોઇ તેમને આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં રોકી પણ શકે છે. ખુલ્લેઆમ ટિકિટની કાળાબજારીએ ક્રિકેટના અસલી ફેન્સને ઘણા નિરાશ કર્યા છે. કારણ કે, જે ટિકિટ 500 રૂપિયામાં મળી રહે તેમ હતું તે તેમને 3000થી 6000 રૂપિયામાં મળી રહી છે. 
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જૂનું નામ મોટેરા હતું. સરકારના આદેશ પર તેને નવો લુક આપવામાં આવ્યો હતો અને નામ પણ બદલવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમ ઘણા ઐતિહાસિક રેકોર્ડનું સાક્ષી રહ્યું છે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ મેદાન પર 1987માં પોતાના 10,000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. સુનીલ વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
પૂર્વ કેપ્ટન કપિલ દેવ 1994માં મોટેરા સ્ટેડિયમ ખાતે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા. તે વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યા છે. કપિલ દેવ પછી ક્રિકેટના ભગવાન કહેવાતા ખેલાડી સચિને પણ અહીં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 1999માં પોતાની એકમાત્ર બેવડી સદી ફટકારી હતી.
અમદાવાદના આ મેદાન પર બેટ્સમેનોની સાથે બોલરોએ પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ટોચના ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને અહીં તેની 400મી ટેસ્ટ વિકેટ લીધી હતી. આ સાથે જ ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી.