+

Panchmahal : ગોધરામાં દરરોજ 22 લોકો રખડતા શ્વાનનો શિકાર બને છે

અહેવાલ– નામદેવ પાટિલ, પંચમહાલ પંચમહાલ જિલ્લામાં રખડતા શ્વાન કરડવાના બનાવવામાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ હાલોલ શહેરમાં રખડતા શ્વા ને પાંચ વર્ષના માસુમ…

અહેવાલ– નામદેવ પાટિલ, પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં રખડતા શ્વાન કરડવાના બનાવવામાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ હાલોલ શહેરમાં રખડતા શ્વા ને પાંચ વર્ષના માસુમ બાળકને ગુપ્તાંગના ભાગે બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવાની ઘટના સામે આવી હતી. ગોધરા સિવિલ હોસ્પિટલમાં વીતેલા છ માસ દરમિયાન રખડતા શ્વાન કરડવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.

શું કહે છે આંકડાઓ
ઓક્ટોમ્બરથી માર્ચ માસ સુધીમાં 3968 વ્યક્તિઓને રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ બનતાં સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના ડોઝ આપવામાં આવ્યા છે. આ સ્થિતિ ને કારણે ગોધરાના શહેરીજનો દ્વિચક્રી વાહન ઉપર કે માર્ગો ઉપરથી ચાલતાં પસાર થતી વેળાએ સતત શ્વાનના હુમલાનો શિકાર ન બની જવાય એની સતત દહેશત હેઠળ પસાર થઈ રહ્યા છે. આમ, દરરોજ સરેરાશ 22 લોકો રખડતા શ્વાનનો ભોગ બને છે.

કોને જોખમ?

  • ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી દિન પ્રતિદિન રખડતા શ્વાન કરડવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેથી શાળાએ અભ્યાસ માટે જતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના માતા પિતા ખૂબ જ ચિંતાજનક સ્થિતિ વચ્ચે પોતાના બાળકોને શાળાએ અભ્યાસ માટે કે ટ્યુશન માટે મોકલી રહ્યા છે.
  • ગોધરા શહેરની વાત કરવામાં આવે તો શહેરીજનો મોર્નિંગ કે ઇવનિંગ વોક માટે જતી વેળાએ ખૂબ જ સાવચેતી પૂર્વક જતા હોવા છતાં પણ રખડતા શ્વાનના બચકાનો શિકાર બની રહ્યા છે જેથી શહેરીજનોમાં નગરપાલિકા અથવા સરકારના સલગ્ન વિભાગ દ્વારા રખડતા શ્વાન દ્વારા કરવામાં આવતાં હુમલાની ઘટનાઓમાં ઘટાડો થાય એ માટે જરૂરી પગલાં ભરવામાં આવે એવી ઉગ્ર માંગ ઉઠી છે.

ક્યાં વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક
ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, બામરોલી રોડ,ચર્ચ સર્કલ, નગરપાલિકા રોડ અને ભૂરાવાવ વિસ્તારમાં સોસાયટીઓના આંતરિક અને જાહેર માર્ગો ઉપર રખડતા શ્વાનનો કાયમ અડિંગો જોવા મળી રહ્યો છે જેથી અહીંથી પસાર થતાં તમામ વ્યક્તિઓ શ્વાનના હુમલા નો ભોગ ન બની જવાય એવા ભયના ઓથાર હેઠળ પસાર થતા જોવા મળી રહ્યા છે.

શ્વાનોનું ટોળું તુટી પડે છે
ગોધરા શહેરમાં વસવાટ કરતા નાગરિકો અને રાત્રે અને વહેલી સવારે પોતાના કામકાજ માટે જતી વેળાએ રેલ્વે સ્ટેશન અથવા બસ સ્ટેશનની અવર-જવર કરવી પડતી હોય છે. દરમિયાન રખડતા શ્વાનનો ઠેર ઠેર સામનો કરી પસાર થવાની નોબત ઊભી થતી હોય છે. દ્વિચક્રી વાહનોની પાછળ રીતસર રખડતાં શ્વાન દોટ મૂકતાં હોય છે જેથી વાહન ચાલકો પોતાના ઉપર હુમલો કરવાની સંભાવનાઓ વચ્ચે વાહનને ભગાવવાનો પ્રયત્ન કરતી વેળાએ પટકાવવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે .ત્યારે બીજી તરફ રાહદારી જ્યારે પણ રખડતાં શ્વાન તેના તરફ આક્રમક બની દોટ મૂકે છે દરમિયાન બચવાનો પ્રયાસ કરતી વેળાએ એક સાથે આઠ થી દસ શ્વાન એકત્રિત થઈ જાય છે અને રાહદારી ઉપર હુમલો કરી દેતાં આખરે રાહદારીને શ્વાન બચકાનો ભોગ બનવાની સ્થિતિ પણ સર્જાતી હોવાનું સામે આવી ચૂક્યું છે.

આ રહ્યાં આંકડાઓ
ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં રખડતાં શ્વાન કરડવાની ઘટનાઓના માત્ર ગોધરા સિવિલ હોસ્પિટલમાં જ ઇન્જેક્શન મુકાવનારનો છેલ્લા છ માસનો સત્તાવાર આંકડો જોઈએ તો

મહિનો પુરૂષ મહિલા કુલ
ઓક્ટોમ્બર 2022 420 139 559
નવેમ્બર 2022 470 154 624
ડિસેમ્બર 2022 551 154 705
જાન્યુઆરી 2023 597 216 813
ફેબ્રુઆરી 2023 428 139 567
માર્ચ 2023 542 158 700
કુલ 3008 960 3968

ગોધરા સિવિલમાં ઈન્જેક્શન ખાલી
શ્વાન કરડયા બાદ હડકવા થતો અટકાવવા અને થવાની સંભાવના વચ્ચે ભોગ બનનારને ઇન્જેક્શન મુકવામાં આવે છે જેના ચાર ડોઝ ભોગ બનનારને લેવા પડતા હોય છે.આ ડોઝ સામાન્ય ઇજાઓ દરમિયાન આપવામાં આવતો હોય છે પરંતુ શ્વાન કરડવાથી વધુ પડતી ઇજાઓ અને ઊંડો ઘા થાય ત્યારે એન્ટી રેબીઝ સિરમનો ડોઝ ઉપરાંત અન્ય એક ખાસ ઇન્જેક્શન ભોગ બનનારને આપવામાં આવતું હોય છે જેમાં મસ્ક્યુલર અને જ્યાં ઘા થયો હોય ત્યાં આ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે આ ઇન્જેક્શન ગોધરા સિવિલ હોસ્પિટલમાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી ઉપલબ્ધ નહિં હોવાના કારણે ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા રીફર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ – ભાવનગર શોર્ટરૂટને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter