Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધી ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે. ભારત પાસે હાલમાં શૂટિંગમાં એક બ્રોન્ઝ મેડલ છે, જે મનુ ભાકરે જીત્યો છે. ફરી એકવાર મનુ ભાકર આજે દેશ માટે મેડલ મેળવી શકે છે. મિક્સ્ડ 10 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં મનુ ભાકર અને સરબજોતની જોડી દેશ માટે વધુ એક મેડલ અપાવવા માટે પોતાનું સર્વસ્વ આપશે. ચાલો જાણીએ પેરિસ ઓલિમ્પિકમાં આજે કઈ રમતમાં ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવશે….
બ્રોન્ઝ મેડલ માટેની સ્પર્ધા
ભારતની નજર આજે વધુ એક બ્રોન્ઝ મેડલ પર રહેશે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડી મંગળવારે એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે કોરિયાના ઓહ યીજિન અને લીવોન્હોનો સામનો કરશે. આ પહેલા મનુ ભાકરે દેશનું નામ રોશન કર્યું છે. મનુએ આ ઓલિમ્પિકમાં 10 મીટર શૂટિંગમાં દેશને પહેલો મેડલ અપાવ્યો હતો. આજે તેની પાસે બીજો મેડલ જીતીને ઈતિહાસ રચવાની મોટી તક છે. આ મેચ આજે બપોરે 2 વાગે રમાશે.
બોક્સિંગ પર પણ નજર રહેશે
ભારતીય ખેલાડીઓ લાંબા સમયથી બોક્સિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આજે બોક્સિંગમાં ભારતીય ખેલાડીઓની મહત્વની મેચો થવાની છે. આમાં અમિત પંઘાલ પુરૂષ બોક્સિંગ રાઉન્ડ 16માં પોતાની તાકાત બતાવશે. જ્યારે દેશને મહિલા બોક્સિંગ રાઉન્ડ 32માં જાસ્મીન અને મહિલા બોક્સિંગ રાઉન્ડ 16માં પ્રીતિ પંવાર પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
તીરંદાજીમાં પણ મહત્વની સ્પર્ધાઓ
શૂટિંગ અને બોક્સિંગ ઉપરાંત આજે તીરંદાજીમાં પણ મહત્વની મેચો યોજાવાની છે. પુરુષો અને મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધાઓ યોજાશે. જેમાં ધીરજ કુમાર, ભજન કૌર અને અંકિતા પોતાનું શાનદાર પરફોર્મન્સ આપશે.
હોકીમાં ભારત ટકરાશે આયર્લેન્ડ સાથે
આજે યોજાનારી પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની પણ મોટી સ્પર્ધા થવાની છે. પ્રથમ મેચમાં મળેલી શાનદાર જીતથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભારતનો આજે આયર્લેન્ડ સાથે મોટો મુકાબલો થશે. આ મેચ જીતીને ભારત આગામી રાઉન્ડમાં પ્રવેશવા માંગશે.
આ પણ વાંચો: Paris Olympics 2024 : ભારતના સ્ટાર ખેલાડી Rohan Bopanna એ નિવૃત્તિની કરી જાહેરાત…