પાકિસ્તાને મુલતાનમાં રમાયેલી પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપની સદી (127)ની મદદથી 305/8 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને કેપ્ટન બાબર આઝમની સદી (103)ની મદદથી છેલ્લી ઓવરમાં લક્ષ્યને હાંસિલ કર્યો હતો.
બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાને બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ વનડેમાં પાંચ વિકેટે જીત નોંધાવી છે. આ મેચમાં બાબર આઝમની સદી અને ખુશદિલ શાહના કેમિયોની મદદથી પાકિસ્તાને શ્રેણીની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી હરાવ્યું. બુધવારે મુલતાનમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનને 306 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમમાંથી કેપ્ટન બાબર આઝમે શાનદાર બેટિંગ કરતા છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ચોથી સદી આ મેચમાં ફટકારી હતી, જ્યારે ખુશદિલ શાહે 23 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમીને છેલ્લી ઓવરમાં પોતાની ટીમને જીત અપાવી હતી. ખુશદિલે પોતાની ઇનિંગમાં ચાર સિક્સર ફટકારી હતી. આ સાથે શાઈ હોપની 12મી ODI સદી પણ તેની ટીમને જીત અપાવી શકી નહીં. શેમરાહ બ્રુક્સે પણ 83 બોલમાં 70 રન બનાવ્યા હતા.
વિગતે વાત કરીએ તો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર ફખર ઝમાન 11 રન બનાવી જેડન સીલ્સનો શિકાર બન્યો હતો. આ સમયે યજમાન ટીમનો સ્કોર 26 રન હતો. આ પછી ઇમામ-ઉલ-હક અને બાબર વચ્ચે બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી થઈ હતી. ઈમામે સંયમ સાથે બેટિંગ કરી અને 71 બોલમાં 65 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાબરને તેના T20 ઓપનર અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનો સપોર્ટ મળ્યો. રિઝવાને મેદાનમાં આવી સ્કોરને સતત આગળ વધારવાનું ચાલું રાખ્યું હતું. પાકિસ્તાનના આ બે બેટ્સમેનોએ 16.2 ઓવરમાં 108 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બાબર આઝમે સતત ત્રીજી ODI સદી પૂરી કરી હતી. આ બીજી વખત છે જ્યારે બાબરે સતત ત્રણ વખત સદી ફટકારી હોય. આવું કરનાર તે એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.