ભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. અહીં ભારતીય ટીમ 3 મેચની ટી20 સિરીઝ રમશે, જેની પ્રથમ મેચ આજે એટલે કે 10 ડિસેમ્બર, 2023ના રોજ રમાશે. આ મેચ ડરબનના ઐતિહાસિક કિંગ્સમીડ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઑલરાઉન્ડર યુવરાજ સિંહે વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 છક્કા ફટકાર્યા હતા.
જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે ડરબન પહોંચી હતી. માહિતી છે કે ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં સામેલ થઈ ગયા છે. આ બંને ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી T20 શ્રેણીમાં રમ્યા ન હતા. જ્યારે હવે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં આ બંને ખેલાડી રમશે તેવું માનવામાં આવી રહ્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમે ODI વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી 4-1થી જીતી હતી. હવે યુવા ટીમ સતત બીજી T-20 શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આ સમયે શરૂ થશે મેચ
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો ઇજાગ્રસ્ત હોવાના કારણે તે IPLની શરૂઆત સુધી બહાર છે. જ્યારે મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ બ્રેક પર છે. ઉપરાંત, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ હાલ આ ટીમમાં સામેલ નથી. આથી દક્ષિણ આફ્રિકામાં ટીમની સફળતા કે નિષ્ફળતા વિશે કોઈ વધુ કહી શકશે નહીં. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા ટી20 શ્રેણી પછી વનડે શ્રેણી રમશે અને પ્રવાસનો અંત ટેસ્ટ શ્રેણી સાથે કરશે. ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હાલ ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓનું મનોબળ મજબૂત છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ પણ શાનદાર ફોર્મમાં છે. આથી તેને હરાવવી ટીમ ઇન્ડિયા માટે સરળ નહીં હોય. આજની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
આ પણ વાંચો – WOMEN’S IPL : વૃંદા દિનેશ અને અનાબેલ સધરલેન્ડ..મહિલા ક્રિકેટના ધમાકેદાર ખેલાડી…