ICC World Cup 2023 ની 26 મી મેચમાં આજે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ચેન્નાઈના મેદાને આમને-સામને હતા. જેમા પાકિસ્તાનની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે તેમના માટે ખરાબ સાબિત થયો હતો. જીહા, દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં એક વિકેટે જીત મેળવી પાકિસ્તાનની આ મેગા ટૂર્નામેન્ટમાં આગળ વધવાની સંભાવનાઓ પણ પૂર્ણ વિરામ લાવી દીધું છે.
પાકિસ્તાનની વર્લ્ડ કપ 2023માં સતત ચોથી હાર
વર્લ્ડ કપ 2023ની 26મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાની ટીમ 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાએ આ રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવીને બાબર આઝમની ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું. જણાવી દઇએ કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેની છઠ્ઠી મેચમાં પાકિસ્તાનને હરાવીને જીતનો દોર પૂરો કર્યો હતો.
છઠ્ઠી મેચમાં દક્ષિણ આફ્રિકાની આ પાંચમી જીત હતી. આ મેચમાં પ્રથમ રમતા પાકિસ્તાનની ટીમ 270 રન પર જ સિમિત રહી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 47.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચ છેલ્લી ક્ષણ સુધી ખૂબ જ રોમાંચક રહી હતી અને અંત સુધી મેચ બંને પક્ષોના પક્ષમાં રહી હતી. પરંતુ અંતે દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. 48મી ઓવરમાં કેશવ મહારાજના ફોરે પાકિસ્તાનને હરાવ્યું હતું.
પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર
આ હાર બાદ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. બાબર આઝમની ટીમના 6 મેચમાં 4 હાર અને 2 જીત બાદ માત્ર 4 પોઈન્ટ છે. હવે જો પાકિસ્તાન બાકીની ત્રણ મેચ જીતે તો પણ તે મહત્તમ 10 પોઈન્ટ મેળવી શકશે. આ સ્થિતિમાં તેના માટે સેમીફાઈનલમાં જવું મુશ્કેલ બનશે. કારણ કે છેલ્લા 4 માટે ઓછામાં ઓછી 6 જીત એટલે કે 12 પોઈન્ટ જરૂરી હોઈ શકે છે. આ દૃષ્ટિએ ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને બાંગ્લાદેશને પણ સેમિફાઇનલની રેસમાંથી બહાર ગણવામાં આવી શકે છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ટોપ પર
પાકિસ્તાનની હાર અને દક્ષિણ આફ્રિકાની જીતથી ટીમ ઈન્ડિયાને પોઇન્ટ ટેબલમાં મોટું નુકસાન થયું છે. ભારતીય ટીમ હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. જોકે, ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેના 10-10 પોઈન્ટ છે. પરંતુ આફ્રિકાનો નેટ રન રેટ ઘણો સારો છે. આ જ કારણથી આજે ભારતીય ચાહકો પણ પાકિસ્તાનની જીત માટે પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ એવું થયું નહીં. એટલે કે હવે છેલ્લા ચાર માટેનો જંગ માત્ર છ ટીમો વચ્ચે જ માની શકાય છે.
મેચની સ્થિતિ
આ મેચની વાત કરીએ તો બાબર આઝમ, સઈદ શકીલ, શાદાબ ખાને પાકિસ્તાન માટે બેટિંગમાં સારું યોગદાન આપ્યું હતું. બાબરે 50 રનની ઇનિંગ રમી હતી અને શકીલે 52 રનની ઇનિંગ રમી હતી. આફ્રિકા તરફથી તબરેઝ શમ્સી ટોચનો બોલર હતો અને તેણે 60 રનમાં ચાર વિકેટ લીધી હતી. માર્કો જેન્સને 3 અને ગેરાલ્ડ કોએત્ઝીને 2 વિકેટ મળી હતી. ત્યાર બાદ બેટિંગમાં એડન માર્કરામે 91 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંત સુધી માર્કરામે એક છેડે ઊભા રહીને બધાને સહકાર આપ્યો. તેના સિવાય કોઈ આફ્રિકન બેટ્સમેન 30નો આંકડો પણ સ્પર્શી શક્યો નથી.
આ પણ વાંચો – WORLD CUP : વર્લ્ડકપ 2023માં 9 પ્રકારના લોગોનો કરાયો ઉપયોગ, જાણો આ લોગોનો મતલબ શું છે?
આ પણ વાંચો – ભારતની ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ જીતવાની તકો પર MS ધોનીની પ્રતિક્રિયા આવી સામે, કહ્યું – “સમજદાર કો ઇશારા કાફી હે”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે