Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

એક જ પરિવારના 5 લોકોનાં હાડપિંજર મળ્યા, છેલ્લે 5 વર્ષ પહેલાં જોવા મળ્યા હતા

09:05 AM Dec 30, 2023 | RAVI PATEL

 

 

કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરની અંદરથી 5 લોકોના હાડપિંજર મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ એક જ પરિવારના સભ્યો હતા અને તેઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળતા નથી. પરિવારના સંબંધીઓએ પોલીસ તપાસમાં જણાવ્યું કે આ ઘરમાં પાંચ લોકોનો પરિવાર રહેતો હતો અને તેઓ ઘણી ગંભીર બીમારીઓથી પીડિત હતા.

મોર્નિંગ વોક કરતાં લોકોએ બોલાવી પોલીસ

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં મોર્નિંગ વોક કરતા કેટલાક લોકોએ એક ઘરનો દરવાજો ખુલ્લો જોયો. વર્ષોથી એ ઘરમાં કોઈ દેખાતું ન હતું, તેથી તેઓએ તરત જ પોલીસને બોલાવી. પોલીસે જઈને જોયું તો બધા ચોંકી ગયા હતા. ઘરની અંદર એક-બે નહીં પરંતુ પાંચ લોકોના હાડપિંજર પડેલા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એક રૂમની અંદર ચાર હાડપિંજર પડ્યા હતા, જેમાંથી બે બેડ પર અને બે નીચે પડ્યા હતા. બીજું હાડપિંજર બીજા રૂમમાં પડેલું હતું.

રિટાયર્ડ સરકારી કર્મચારીનો પરિવાર 

જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘરમાં એક રિટાયર્ડ સરકારી કર્મચારી રહેતો હતો, જેની ઉંમર લગભગ 85 વર્ષની હતી. તેનું નામ જગન્નાથ રેડ્ડી હોવાનું કહેવાય છે. તેમની પત્ની પ્રેમા (80), દિકરી ત્રિવેણી (62), પુત્ર ક્રિષ્ના (60) અને નરેન્દ્ર (57) આ ઘરમાં તેમની સાથે રહેતા હતા. આ તમામ હાડપિંજર એક જ પાંચ લોકોના હોવાની શંકા છે. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે ફોરેન્સિક ટીમને તપાસ માટે બોલાવી હતી.

2019માં લોકોએ છેલ્લે જોયા હતા

જ્યારે પોલીસે ઘરમાં રહેતા લોકોના સંબંધીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ જણાવ્યું કે આ લોકો છેલ્લે જુલાઈ 2019માં જોવા મળ્યા હતા. ત્યારથી તેમાંથી કોઈ જોવા મળ્યું નથી. તે બધા મોટે ભાગે એકલા રહેવાનું પસંદ કરતા હતા અને ઘણા ગંભીર રોગોથી પીડાતા હતા. પોલીસે કહ્યું છે કે તેમને ઘરની અંદરથી તુટેલા જોવા મળ્યા છે. તેથી તે હત્યા છે કે આત્મહત્યા તે નક્કી કરી શકાતું નથી. જો કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.