- અમિત શાહે ખડગે પર શાંબ્દિક હુમલો કર્યો
- તમે 2047 સુધી જીવો અને વિકસિત ભારતનું નિર્માણ થતું જુઓ : અમિત શાહ
- હું 83 વર્ષનો છું, આટલી જલદી મરવાનો નથી – ખડગે
Amit Shah comments on kharge : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના જસરોટામાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. રવિવારે જનસભાને સંબોધતા હતા ત્યારે તેમની તબિયત બગડી અને તે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે PM મોદી વિશે એક નિવેદન આપ્યું હતું, જેમા તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી PM મોદીને ખુરશી પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી હું જીવતો રહીશ. આ નિવેદન બાદ આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
લાંબુ જીવો અને સ્વસ્થ રહો તેવી પ્રભુને પ્રાર્થના : અમિત શાહ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, “ગઈકાલે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં, પોતે, તેમના નેતાઓ અને તેમની પાર્ટીથી વધુ ખરાબ અને વધુ શરમજનક વાત કહી હતી. તેમણે પોતાની કડવાશ દેખાડતા કારણ વિના વડાપ્રધાન મોદીને પોતાના અંગત સ્વાસ્થ્યના મામલામાં ખેંચ્યા હતા અને કહ્યું કે, PM મોદીને સત્તા પરથી હટાવ્યા પછી જ તેમનું મૃત્યુ થશે. આ દર્શાવે છે કે આ કોંગ્રેસીઓમાં PM મોદી પ્રત્યે કેટલી નફરત અને ડર છે કે તેઓ સતત તેમના વિશે જ વિચારતા રહે છે. જ્યાં સુધી શ્રી ખડગે જીના સ્વાસ્થ્યનો સવાલ છે, મોદીજી પ્રાર્થના કરે છે, હું પ્રાર્થના કરું છું અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબુ જીવે અને સ્વસ્થ રહે. તેઓ ઘણા વર્ષો સુધી જીવે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જુએ.”
ખડગેએ શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના જસરોટા વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. તબીબી સહાય મેળવ્યા બાદ રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે, PM નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવતા પહેલા તેઓ મોતને ભેટવાના નથી. કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, સારવાર બાદ ખડગેની હાલત હવે સ્થિર છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષને ફોન કરીને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી. જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે એક રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું… હું 83 વર્ષનો છું, હું આટલી જલ્દી મરવાનો નથી. જ્યાં સુધી PM મોદી સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું જીવતો રહીશ… આ પછી આ વિવાદ વધ્યો.
આ પણ વાંચો: PM મોદીએ ખડગેની તબિયત પૂછવા ફોન કર્યો, રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષની તબિયત બગડી