VADODARA : ઉપરવાસમાં પડતા વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવરની ડેમ (SARDAR SAROVAR DAM) ની સપાટી વધતાં નર્મદા નદીમાં ૧.૨૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આજે સવારે ૧૦ કલાકે ડેમની સપાટી ૧૩૮.૩૭ મીટરે પહોચી હતી.
૨૫ ગામોના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા
જિલ્લા પ્રસાશન દ્વારા વડોદરા (VADODARA) જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ૨૫ ગામોના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. એટલું જ નહિ નદીના પટમાં ન જવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
દેવ ડેમ સતત પાણીની આવકના કારણે પૂર્ણ સપાટીએ ભરાયો
નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં લેવા પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત તલાટીઓને જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. તો બીજી તરફવાઘોડિયા નજીક આવેલા દેવ ડેમ સતત પાણીની આવકના કારણે પૂર્ણ સપાટીએ ભરાયો છે. આ બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
બે દરવાજા ૦.૦૫ મીટર ખોલી ૩૪૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશય (DEV DAM) ની જળ સપાટી ૮૯.૬૫ મીટરે પહોચી છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ૦.૦૫ મીટર ખોલી ૩૪૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓને સૂચના આપી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જિલ્લા કલેકટર શ્રી બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઇ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓને સૂચના આપી છે.વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે.
નદી પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ
દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના ૧૧ અને હાલોલ તાલુકાના ૦૬ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરો
દેવ નદીના કાંઠાગાળાના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બનૈયા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા અને વાઘોડીયા તાલુકાના ફલોડ, વેજલપુર,વ્યારા, ગોરજ, અંબાલી, ઘોડાદરા અને ધનખેડા ગામોના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચો — VADODARA : વિશ્વામિત્રી નદીના 13 સ્થળો પરના દબાણો અંગે નોટીસ, ત્રણ દિ’નો સમય અપાયો