+

ગોલ્ડમાં બીલ વિના ચાલતો ધંધો જોખમી બન્યો, ગઠીયાઓને મજા-મજા

"લાલચ બૂરી બલા"  આ કહેવત અમદાવાદના એક બુલીયન સાથે બનેલી એક ઘટનામાં સાર્થક બની છે. સોના-ચાંદી (Gold Silver)માં બીલ વિના ખરીદ-વેચાણનો ધંધો દશકાઓથી ચાલ્યો આવે છે અને એટલે જ બુલીયન (Bullion) તેમજ જવેલર્સ (jewellers) છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરનો એક વેપારી લાલચનો શિકાર બન્યો છે. નકલી નોટો (fake currency)ના બંડલ પધરાવીને એક ગઠીયો બુલીયન પાસેથી લાખો રૂપિયાનું 400 ગ્રામ ગોલ્ડ મેળવીને રફૂચક્કર
“લાલચ બૂરી બલા”  આ કહેવત અમદાવાદના એક બુલીયન સાથે બનેલી એક ઘટનામાં સાર્થક બની છે. સોના-ચાંદી (Gold Silver)માં બીલ વિના ખરીદ-વેચાણનો ધંધો દશકાઓથી ચાલ્યો આવે છે અને એટલે જ બુલીયન (Bullion) તેમજ જવેલર્સ (jewellers) છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરનો એક વેપારી લાલચનો શિકાર બન્યો છે. નકલી નોટો (fake currency)ના બંડલ પધરાવીને એક ગઠીયો બુલીયન પાસેથી લાખો રૂપિયાનું 400 ગ્રામ ગોલ્ડ મેળવીને રફૂચક્કર થઈ જતા વેપારીને પરસેવો વળી ગયો હતો. આ મામલો પોલીસ પાસે પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લાખોની કિંમતના સોના સાથે ફરાર થઈ ગયેલા રાજસ્થાની યુવકને ઝડપી લઈ 300 ગ્રામ ગોલ્ડ કબજે લીધું છે.
કેવી રીતે આચરી છેતરપિંડી
અમદાવાદના માણેકચોકમાં એન.જી.બુલીયન (N G Bullion)ના નામે ધંધો કરતા નેનારામ ઘાંચીએ શરૂઆતમાં પોલીસને છેતરપિંડી થઈ હોવાની અરજી આપી હતી. નેનારામના મોબાઈલ ફોન પર ગત 25 જાન્યુઆરીના રોજ એક શખ્સે ફોન કરી રાજસ્થાની મારવાડી ભાષામાં વાત કરી નાકોડા બુલીયન (Nakoda Bullion)માંથી બોલું છું તેમ કહી સોનાનો ભાવ પૂછી 500 ગ્રામ સોનું ખરીદવાની વાત કરી હતી. વાતચીત દરમિયાન ફોન કરનારે 1 કિલો ગોલ્ડ ખરીદવાની વાત કરતા નેનારામે રોકડા રૂપિયાની વાત કરી આવતીકાલે મળશે તેમ કહ્યું હતું. અગાઉ અવારનવાર વાતચીત થઈ હોવાથી ફોન કરનાર શખ્સે આજે ગોલ્ડ કરી આપો 30 લાખ રોકડા આપું છું 400 ગ્રામ આજે કોઈપણ હિસાબે કરી આપો 100 ગ્રામ આવતીકાલે નાકોડા બુલીયન ગુસા પારેખની પોળમાં મોકલી આપજો તેમ જણાવ્યું હતું.  નેનારામ ઘાંચીએ સાંજે પાંચેક વાગે અજાણ્યા શખ્સના મોબાઈલ ફોન નંબર પર કોલ કરી તમારી ડીલીવરી તૈયાર હોવાનું જણાવતા સામે છેડેથી બોલનારા શખ્સે પગમાં વાગ્યુ હોવાથી ફોર વ્હીલર ટ્રાફિકના કારણે માણેકચોકમાં આવી નહીં શકે. જેથી ઢાળની પોળ ખાતે ડીલીવરી આપવા વિનંતી કરી હતી. નેનારામ ઘાંચીએ તેમના કર્મચારી નયન બારોટને ડીલીવરી લેવા આવનારનો મોબાઈલ નંબર તેમજ 100-100 ગ્રામના ચાર સોનાના બિસ્કીટ આપી મોકલ્યો હતો. ટેક્સી પાસિંગ કારમાં આવેલા શખ્સે નયન બારોટને એક થેલો આપ્યો હતો. જેમાં 500ના દરની નોટના પાંચ-પાંચ બંડલ બાંધેલા હોય તેવા કુલ 12 મોટા બંડલ એટલે કે, 30 લાખ રૂપિયા આપ્યા હતા અને 400 ગ્રામ ગોલ્ડ મેળવી કારમાં આવેલો શખ્સ રવાના થઈ ગયો હતો. 
વેપારીને કેમ શંકા ગઈ
500-500 રૂપિયાના બંડલો ભરેલો 30 લાખ રૂપિયાનો થેલો લઈને આવેલા નયન બારોટે થેલાની સાથે શેઠ નેનારામ ઘાંચીને મિઠાઈનો ડબ્બો આપ્યો હતો. મિઠાઈનો ડબ્બો કોણે આપ્યો તેમ પૂછતા નયન બારોટે ગોલ્ડ ખરીદનાર શખ્સે રોકડાની સાથે આપ્યો છે તેમ કહેતા નેનારામને શંકા ગઈ હતી. નેનારામે થેલામાં રહેલી ચલણી નોટોના બંડલ ચેક કરવા બહાર કાઢ્યા તો તેઓ ચોંકી ગયા હતા. નોટોના 12 બંડલ તપાસતા ઉપર-નીચે 500-500 રૂપિયાની અસલ નોટો અને વચ્ચે હિન્દીમાં લખેલી હેન્ડલુમ ઑફ ઈન્ડિયા અને અંગ્રેજીમાં હેન્ડલુમ લખેલી ચલણી નોટો મળી આવી હતી. 12 હજારની કિંમતની 24 ચલણી નોટો વચ્ચે નકલી નોટો પધરાવી ગઠીયો સોનુ લઈ જતા નેનારામે તેને ફોન કરી આજીજી કરી હતી, પરંતુ ઠગે ફોન કટ કરી દીધો હતો. જેથી નેનારામ તુરંત ખાડીયા પોલીસ સ્ટેશન (Khadiya Police Station) ખાતે દોડી જઈ પીઆઈ એમ.એમ.સોલંકી (PI M M Solanki) ને સમગ્ર ઘટના જણાવી હતી.
ક્રાઈમ બ્રાંચે ઠગને ઝડપ્યો
ઓન લાઈન કાર ભાડેથી મેળવી રોડ ઉપર લાખોના ગોલ્ડની ડીલીવરી લઈ ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડીનો એક અલગ જ મામલો સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) મોબાઈલ ફોન નંબરના આધારે ગઠીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ. એસ. ત્રિવેદી (PI M S Trivedi)ની ટીમે બાપુનગર વિસ્તારમાંથી મહેન્દ્રસિંગ રાજપુરોહિત (ઉ.33 રહે. યોગેશ્વર પાર્ક ફલેટ, કાકડીયા હોસ્પિટલ પાસે, બાપુનગર અને મૂળ વતન શાંડેરાવ, જિ. પાલી, રાજસ્થાન)ને સોનાના 3 બિસ્કીટ (300 ગ્રામ) કિંમત રુપિયા 17.37 લાખ સાથે ઝડપી લીધો હતો. આરોપી મહેન્દ્રસિંગ રાજપુરોહિતને ક્રાઈમ બ્રાંચે ખાડીયા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.
30 વેપારીને ફોન કર્યા એક ફસાયો
લાખો રૂપિયાનું દેવું થઈ જતા મહેન્દ્રસિંગ રાજપુરોહિતે ગોલ્ડનો કારોબાર કરતા વેપારીઓને છેતરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદમાં જ ઘર બદલીને બાપુનગરમાં ભાડે રહેતો મહેન્દ્રસિંગ બુલીયનના ધંધાથી વાકેફ હોવાથી તેણે 4 મહિનામાં 30 વેપારીને ફોન કરી ગોલ્ડ ખરીદવાની વાત કરી હતી. 100 ગ્રામ ગોલ્ડની એડવાન્સ રકમની લાલચે નેનારામ ઘાંચી મહેન્દ્રની જાળમાં ફસાઈ ગયા. પોલીસ ચોપડે 100 ગ્રામ ગોલ્ડની કિંમત 5.79 લાખ બતાવાઈ છે. જ્યારે ફરિયાદમાં દર્શાવેલી રકમ અનુસાર 100 ગ્રામ સોનાની કિંમત 6 લાખ રૂપિયા છે.
સ્મગલ ગોલ્ડનો મોટો વેપાર
ગુજરાત સહિત દેશભરમાં બીલ વિના સોના-ચાંદીની મહિને દહાડે કરોડો રૂપિયાની લે-વેચ થાય છે. આ લે-વેચમાં દાણચોરીથી લવાયેલી કિંમતી ધાતુઓ પણ સામેલ હોય છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલીંગના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. છેલ્લાં કેટલાય વર્ષોથી ગોલ્ડ સ્મગલીંગનું રેકેટ (Gold Smuggling Racket) દેશભરના એરપોર્ટ ખાતે ચાલી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ખાતેનો સ્ટાફ પણ રેકેટમાં સામેલ હોવાની ઘટનાઓ જાહેર થઈ ચૂકી છે. દાણચોરી લવાયેલું સોનું માર્કેટમાં બીલ વિના વેચાણ થાય છે. કેટલાક બુલીયન તો જરૂર પડે ખરીદ-વેચાણ વિના ટકાવારીના આધારે બીલ પણ બનાવી આપે છે અને આ રેકેટથી રાજ્ય અને કેન્દ્રની તમામ એજન્સીઓ વાકેફ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઈલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમાં, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter