+

આજના દિવસે ગુજરાતી ભાષાના સાંધ્ય દૈનિક અખબાર જન્મભૂમિનું શરૂ કરવામાં આવ્યું હતુ

આમ તો દરેક દિવસ ખાસ હોય છે પણ ઘણી તારીખો કેલેન્ડરના પાના સાથે ઇતિહાસના પાને પણ અંકાય છે, જાણો આજના દિવસના ઇતિહાસમાં નોંધાયેલા મહત્ત્વના બનાવો ઘટનાઓ અને આજની તારીખે જન્મેલા…

આમ તો દરેક દિવસ ખાસ હોય છે પણ ઘણી તારીખો કેલેન્ડરના પાના સાથે ઇતિહાસના પાને પણ અંકાય છે, જાણો આજના દિવસના ઇતિહાસમાં નોંધાયેલા મહત્ત્વના બનાવો ઘટનાઓ અને આજની તારીખે જન્મેલા મહાનુભાવો અને વીરલ વ્યક્તિત્ત્વની પુણ્યતિથિ. જાણો આજની તારીખ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. કેવી રીતે આજનો દિવસ ઇતિહાસના પાને અંકાયેલ છે.

૧૯૦૦ – ભારતીય રાષ્ટ્રવાદી બિરસા મુંડાનું બ્રિટિશ જેલમાં કોલેરાથી અવસાન થયું.

બિરસા મુંડા ઝારખંડના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં સુગના મૂંડા અને કરમી હાતૂને ત્યાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.

ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો “ધરતી બાબા” નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.

૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં બિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે બિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી. બિરસા મુંડાએ જૂન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા.

૧૯૩૪ – ગુજરાતી ભાષાના સાંજ દૈનિક અખબાર જન્મભૂમિનું પ્રકાશન શરૂ કરાયું.

જન્મભૂમિ એ ગુજરાતી ભાષાનું સાંજ દૈનિક અખબાર છે, જેની માલિકી સૌરાષ્ટ્ર ટ્રસ્ટની છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. જન્મભૂમિ ૧૯૩૪માં સાંજના અખબાર તરીકે શરૂ કરવામાં આવ્યું હતું અખબારમાં દરરોજ ૧૦-૧૨ પૃષ્ઠો પ્રકાશિત થાય છે, જેમાં સંપાદકીય પૃષ્ઠ અને ઓપ-ઍડ પૃષ્ઠનો સમાવેશ થાય છે. અખબારનું સૂત્ર છે ‘जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी’.

જન્મભૂમિની સ્થાપના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અમૃતલાલ શેઠ દ્વારા કરવામાં આવી હતી, જેમણે ૧૯૩૧માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સ્થાપના પણ કરી હતી. શરૂઆતમાં, અમૃતાલાલે ધ સન નામનું અંગ્રેજી ભાષાનું સમાચારપત્ર શરૂ કર્યું હતું, જેનું પ્રદર્શન ખરાબ રહ્યું. ૯ જૂન ૧૯૩૪ના રોજ અમૃતલાલે રાષ્ટ્રવાદી પ્રકાશન રૂપે ગુજરાતીમાં જન્મભૂમિ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આ સમાચારપત્ર ગાંધીવાદનું સમર્થક હતું અને તેણે સનસનાટીભર્યા પત્રકારત્વને ટાળવાની નીતિની સ્થાપના કરી હતી. લોકપ્રિય ગુજરાતી રાષ્ટ્રવાદી કવિ ઝવેરચંદ મેઘાણી શરૂઆતથી જ આ અખબાર સાથે જોડાયેલા હતા. શરૂઆતમાં, આ અખબાર કાઠિયાવાડ રજવાડાઓ પરના અત્યાચાર સામેની ચળવળનો ચહેરો બની ગયું. બર્મા અભિયાનના સમાચારો અને આઝાદ હિંદ ફોજને લગતા સમાચારોને આવરી લઈને, આ સમાચારપત્ર રાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચ્યું. ૧૯૭૯માં, અખબારે પ્રવાસી નામથી સવારની આવૃત્તિ શરૂ કરી. રવિવારે, અખબારની સવાર અને સાંજ આવૃત્તિઓ એકીકૃત મથાળા જન્મભૂમિ પ્રવાસી હેઠળ એકસાથે પ્રકાશિત થાય છે.

૧૯૭૦ના દાયકામાં, અખબારમાં ૪૫,૦૦૦ થી ૫૦,૦૦૦ નકલોનું વેચાણ થતું હતું. ૧૯૮૦ના દાયકા દરમિયાન, તે ઘટીને ૪૦,૦૦૦ થઈ ગયું હતું. ઇલા આરબ મહેતા દ્વારા રચિત ગુજરાતી બત્રીસ પુતળીની વેદાતિયાની પ્રથમ નારીવાદી નવલકથા, રવિવાર આવૃત્તિમાં લોકપ્રિય થઈ હતી. કુન્દનિકા કાપડિયા દ્વારા લખાયેલી અન્ય નારીવાદી નવલકથા સાત પગલાં આકાશમાં પણ જન્મભૂમિમાં હપ્તાવાર પ્રકટ થઈ હતી.

૧૯૬૪- લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન બન્યા.

લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા. તેઓ ૯ જૂન ૧૯૬૪ થી ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ ના રોજ તેમના મૃત્યુ સુધી લગભગ અઢાર મહિના ભારતના વડા પ્રધાન હતા. આ મહત્વપૂર્ણ પદ પર તેમનો કાર્યકાળ અનોખો હતો. શાસ્ત્રીજીએ કાશી વિદ્યાપીઠમાંથી શાસ્ત્રીની પદવી મેળવી હતી. ભારતની આઝાદી પછી, શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગોવિંદ બલ્લભ પંતની કેબિનેટમાં તેમને પોલીસ અને પરિવહન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. પરિવહન મંત્રીના કાર્યકાળ દરમિયાન તેમણે પ્રથમ વખત મહિલા કંડક્ટરની નિમણૂક કરી હતી. પોલીસ મંત્રી બન્યા બાદ તેમણે ભીડને કાબૂમાં લેવા માટે લાકડીઓને બદલે વોટર કેનનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.૧૯૫૧ માં, તેઓ જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત થયા. તેમણે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી હતી.

૧૯૮૫ – ડબગરવાડ હત્યાકાંડ, અમદાવાદ ખાતે કોમી રમખાણની એક ઘટના.

ડબગરવાડ હત્યાકાંડ એ ૯ જૂન ૧૯૮૫ના રોજ ભારતના અમદાવાદમાં મણીબેનનાં ઘરને બાળી નાખવાની ઘટના હતી. આ ઘટનાના પરિણામે ૮ હિંદુઓ (૩ મહિલાઓ અને ૫ બાળકો) ના મોત નીપજ્યા હતા અને ૧૯૮૫ના અમદાવાદ તોફાનો દરમિયાન અંધાધૂંધી, સલામતીના ગેરવહીવટ અને નબળી તપાસના પ્રતીક માટે યાદ કરાય છે.

ફેબ્રુઆરી ૧૯૮૫માં, ગુજરાત સરકારની જ્ઞાતિ આધારિત અનામતની નવી નીતિ વિરુદ્ધ એક જન આંદોલન અમદાવાદમાં શરૂ કરાયું હતું. કોંગ્રેસની સરકારે આંદોલનકારીઓ પર કડક પગલાં લીધા. અગ્રણી પ્રાદેશિક સમાચારપત્ર ગુજરાત સમાચાર પોલીસની બર્બરતા અને માનવાધિકાર ઉલ્લંઘનોને ઉજાગર કરવામાં મોખરે હતું. ૨૨ એપ્રિલ, ૧૯૮૫ના રોજ, પોલીસની આગેવાનીમાં ટોળાએ હુમલો કરી અખબારના મુખ્ય મથકને આગ લગાવી દીધી હતી, સરકારની આ આરક્ષણની નીતિ વિરુદ્ધ, ફેબ્રુઆરી ૧૯૮૫માં શરૂ થયેલું આંદોલન માર્ચ, ૧૯૮૫માં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે થયેલા કોમી રમખાણોમાં ફેરવાઈ, જે લાંબા ગાળા સુધી સતત ચાલતું રહ્યું, પરિણામે બંને સમુદાયોમાં મોટા પ્રમાણમાં જાન-માલનું નુકસાન થયું. અમદાવાદ શહેરમાં ઓક્ટોબર ૧૯૮૬ સુધી તોફાનો ચાલ્યા.

આ હુલ્લડના પરિણામે ડબગર હિંદુ સમુદાયના લોકોએ સામૂહિક સ્થળાંતર કર્યું હતું, જેઓ ડ્રમ જેવા વાદ્ય સાધનો, છત્રીઓ અને પતંગ જેવી વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. લશ્કરની હાજરીને કારણે જ્યારે શાંતિની પુનસ્થાપના થઇ ત્યારે અમુક ડબગરો પોતાના ઘરે તેમની મિલકત અને વ્યવસાયની દેખરેખ રાખવા માટે પાછા ફર્યા અને દિવસ દરમિયાન તેમના ઘરની મુલાકાત લેતા હતા. મણિબેન, એક ડબગર, જેમની એક પુત્રીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના પતિ સાથે તેના કૌટુંબિક સંબંધો તણાયેલા હતા અને તેનો પતિ તેમના ઘરે જ રહેતો હતો. લશ્કરી થાણું નજીક હોવા છતાં તોફાનોની ઘટના વારંવાર બનતા ૭ જૂન ૧૯૮૫ના રોજ આ વિસ્તારમાં સંચારબંધી લાગુ કરવામાં આવી હતી.

૯ જૂન ૧૯૮૫ના રોજ બપોરે ૧.૩૦ વાગે ડબગરવાડથી લશ્કરની વિદાય થઇ. મુસ્લિમ ટોળા બે બાજુથી એકઠા થઈ ગયા હતા અને જ્યારે તેઓ મણીબેન અથવા ઇલેક્ટ્રિક પાવર સબ સ્ટેશનના મકાન નજીક ક્યાંક ખૂણામાં ભેગા થયા હતા, ત્યારે પોલીસ ચોકીથી આશરે ૨૫૦ ફીટ દૂર આવેલા મણીબેનના ઘરે હુમલો કર્યો અને આગ લગાવી અને ઘરને બહારની બંધ કરી દીધું જેને કારણે મણિબેન, તેમની બે પુત્રીઓ, ચાર પૌત્રો અને એક પાડોશીના પુત્રનું મોત નીપજ્યું. તેની આગળના મકાનમાં આગ લાગી હતી જે, નવીનચંદ્ર, કાંતિલાલ, કાલિદાસ અને અન્ય લોકોનું હતું. ટોળાએ, જેમાં મહિલાઓ પણ હતી, ફાયર બ્રિગેડને આગ બુઝાવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ૬૩ આરોપીઓ સામે આરોપ મુકવામાં આવ્યો હતો અને પૂરતા પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રાયલ કોર્ટે ૫૫ અને સુપ્રીમ કોર્ટે ૬ને નિર્દોષ જાહેર કર્યા હતા. ભારતની સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ તપાસકર્તાઓ અને રાજ્ય સરકારની ભારે ટીકા કરી હતી

૧૯૯૮ – કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક આવેલા કંડલા બંદર પર ત્રાટકેલા ભયંકર વાવાઝોડામાં ૧૪૮૫ લોકોના મૃત્યુ થયા અને ૧૨૨૬ લોકો લાપત્તા થયા હતા.

૮ જૂન ૧૯૯૮ના રોજ મહાબંદર કંડલા અને એની આજુબાજુના વિસ્તારો પર પ્રલયની જેમ ત્રાટકેલું વાવાઝોડું સદીની સૌથી ગોઝારી અને કલ્પનાતીત દરિયાઇ હોનારત હતી. પ્રચારના તમામ માધ્યમો પર એની આગાહીઓ અને ચેતવણીઓ અપાઇ હોવા છતાં કંડલા પોર્ટ ટ્રસ્ટના જવાબદાર સત્તાવાળાઓ તકેદારીનાં પગલાં લેવામાં નિષ્ફળ ગયા ને ભરતીના મહાકાય મોજાં બંદર પર ફરી વળતાં ચોમેર તબાહીના દ્રશ્યો સર્જાયાં. એક તો પૂનમ અને તે પણ આખરની મોસમની એટલે એનાં મોજાં આમેય તોફાની હોય. તેમાં વળી ભરતીના સમયે જ વાવાઝોડું પણ એ જ દિશાએથી ત્રાટક્યું એટલે થોડા કલાક બંદર જ જાણે દરિયામાં ગરકાવ થઇ ગયું.

૯ જૂન ૧૯૯૮ના રોજ મહાબંદર કંડલા અને એની આજુબાજુના વિસ્તારો પર પ્રલયની જેમ ત્રાટકેલું વાવાઝોડું સદીની સૌથી ગોઝારી અને કલ્પનાતીત દરિયાઇ હોનારત હતી. પ્રચારના તમામ માધ્યમો પર એની આગાહીઓ અને ચેતવણીઓ અપાઇ હોવા છતાં કંડલા પોર્ટ ટ્રસ્ટના જવાબદાર સત્તાવાળાઓ તકેદારીનાં પગલાં લેવામાં નિષ્ફળ ગયા ને ભરતીના મહાકાય મોજાં બંદર પર ફરી વળતાં ચોમેર તબાહીના દ્રશ્યો સર્જાયાં. એક તો પૂનમ અને તે પણ આખરની મોસમની એટલે એનાં મોજાં આમેય તોફાની હોય. તેમાં વળી ભરતીના સમયે જ વાવાઝોડું પણ એ જ દિશાએથી ત્રાટક્યું એટલે થોડા કલાક બંદર જ જાણે દરિયામાં ગરકાવ થઇ ગયું.

રસ્તાઓ પર વાહનમાં બેઠેલા માણસો એમને એમ ડૂબી ગયાં, નીચાણવાળા વિસ્તારોની ઝૂંપડપટ્ટીમાં અસંખ્ય માસૂમ બચ્ચાં, સ્ત્રીઓ અને વૃધ્ધો કોઇપણ પ્રતિકાર વિના મોતને ભેટ્યા, અસંખ્ય યુવાનો બચવાના પ્રયાસો છતાં આંખ મીંચી ગયા, દૂર દૂરના નમકના અગરો પર પાણી ફરી વળ્યાં… સામંતશાહી યુગની યાદ અપાવે એવા શોષણ સામે અસ્તિત્વ માટે વલખા મારતાં સેંકડો ગરીબ શ્રમજીવી-આગરિયા એમને એમ નમકમાં ગરકાવ થઇ ગયા. દરિયાના પાણીમાં તરતી ઢગલાબંધ લાશો કે સામે પારના બેટ પરનાં વૃક્ષો-ચેરિયામાં અટવાયેલી લાશો શોધી કાઢવામાં સરકારી તંત્ર વામણું પૂરવાર થાય એમ હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘ અને સીમા સુરક્ષા દળના જવાનો નાતજાત કે ધર્મના ભેદભાવ વીના મદદે આવ્યા હતા, છતાં સેંકડો લાશ એવી કઢંગી હાલતમાં હતી કે ઓળખી શકાય તેમ નહોતી.

દોઢસો કી.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની પીઠ પર સવાર થઇને ગાંડા બનેલા મહેરામણે પોતાના પેટાળમાં કેટલાને સમાવી લીધા અેનો અાંક જુદા જુદા વર્તુળોએ ૩૦૦૦થી ૧૦૦૦૦ વચ્ચે મૂક્યો હતો. બંદર ઉપરાંત આજુબાજુની ખાનગી મિલ્કતોને પહોંચેલી નુકશાનીના અંદાજ ૧૫ થી ૨૦ અબજ સુધીનો હતો. સદીના વિનાશક વાવાઝોડાના થોડા મહિના પછી બહાર આવેલી નુકસાનીની વિગતો ટૂંકમાં નીચે મુજબ હતી.

  • વીજળીના ૪૫ હજાર થાંભલા ધરાશાયી થઇ ગયા હતા અને મોટી સંખ્યાના ટ્રાન્સફોર્મર ખંડિત થઇ ગયા હતા.
  • કંડલા પોર્ટને ૨૦૦ કરોડનું નુકસાન થયું હતું.
  • નમક ઉદ્યોગની નુકસાનીનો અંદાજ ૧૫૫ કરોડનો મૂકાયો હતો.
  • ઓઇલ કાર્ગો, ક્રેઇન, આગબોટ, વે-બ્રીજ બાર્જીસ ઉપરાંત ૧૮૦૦ ટન ઘઉં,૧૧૦ ટન ખાંડ, ૧૩૦૦૦ ટન તેલીબિયા નષ્ટ થયા હતા.
  • મુન્દ્રા અને અંજાર તાલુકાના ૩૬ ગામોના ૨૨,૨૯,૩૫૪ ફળાઉ વૃક્ષોમાંથી ૧૩,૫૦,૫૮૭ વૃક્ષ નાશ પામ્યા હતા. ખેતીવાડી-બાગાયતની નુકશાની ૧૦૮૦ કરોડની અંદાજાઇ હતી.
  • ભચાઉના કાંઠાળ વિસ્તારમાં ૪૨૩ ઊંટ મૃત્યુ પામ્યા હતા.
  • પાટા ધોવાઇ જવાથી રેલવે અને ઇફકોને મોટું નુકસાન થયું હતું.
  • મુન્દ્રાથી ભચાઉના કાંઠાળ વિસતારના લુણીથી સામખિયાળી સુધીના જુદા જુદા ગામોના ૪૩૧ માછીમાર પરિવારોને જાન-માલની નુકસાની થઇ હતી.
  • જોકે વાવાઝોડાએ કચ્છની ૨૭ સેવાભાવી-સ્વૈચ્છિક સંસ્થાઓને એક સાથે મળીને સંકલીત બચાવ રાહત અને પુનર્વસનની કામગીરી કરવાની ફરજ પાડી હતી. માંડવી, ભુજ, નીલપર, અંજાર, બીદડા, ભચાઉ, સણોસરા, રાયધણપર, રાપર, ભુજોડી, ભદ્રેશ્વરની આ સંસ્થાઓએ સાથે મળીને મધ્યસ્થ સંસ્થાની રચના કરી જે આગળ જતા કચ્છ નવનિર્માણ અભિયાન નામથી પ્રખ્યાત બની.

નમકના અગરિયા અને ખેતીવાડીને થયેલા નુકસાનનો સર્વે હાથ ધરીને આ સંસ્થાઓએ કામની શરૂઆત કરી હતી. એની રચનામાં કાંતિસેન શ્રોફ ‘કાકા’એ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને બાગાયતી ખેતીના નુકશાનમાંથી બહાર આવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે, ૨૦૦૧ ના ધરતીકંપ વખતે આ મધ્યસ્થ સંસ્થાએ બચાવ-રાહતથી માંડી પુનર્વસન સુધીના કામોમાં પ્રેક્ષણીય કામગીરી કરીને ઇતિહાસ સર્જી દીધો હતો.

અવતરણ:-

૧૯૩૭ – રામચંદ્ર ગાંધી, ભારતીય દાર્શનિક, (મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર) દેવદાસ ગાંધી અને (રાજાજીની પુત્રી) લક્ષ્મીના પુત્ર રામચંદ્ર ગાંધી ભારતીય દાર્શનિક હતા. તેઓ દેવદાસ ગાંધી અને લક્ષ્મી ના પુત્ર હતા. રાજમોહન ગાંધી, ગોપાલકૃષ્ણ ગાંધી અને તારા ગાંધી ભટ્ટાચાર્ય તેમના ભાઈ-બહેન હતા. રામચંદ્ર ગાંધીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રમાં ડોક્ટરલની પદવી મેળવી હતી તેઓ પીટર સ્ટ્રોસનના વિદ્યાર્થી હતા. તેઓ હૈદરાબાદ વિશ્વવિદ્યાલયમાં દર્શન વિભાગની સ્થાપના માટે જાણીતા છે. તેમણે વિશ્વભારતી વિશ્વવિદ્યાલય, પંજાબ યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કો ખાતે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રલ સ્ટડીઝ અને બેંગ્લોર વિશ્વવિદ્યાલયમાં પણ અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમના ૭૦મા જન્મદિવસના ચાર દિવસ બાદ ૧૩ જૂન, ૨૦૦૭ના રોજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં તેમનું અવસાન થયું હતું. તેમના પુત્રી લીલા ગાંધી બ્રાઉન યુનિવર્સિટીમાં પોસ્ટકોલોનિયલ એકેડેમિક છે.

પૂણ્યતિથી:-

૧૯૦૦ – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી ઉપનામથી પ્રખ્યાત કવિ અને લાઠીના રાજવી (જ. ૧૮૭૪) સુરસિંહજી તખ્તાસિંહજી ગોહિલ (જન્મ તા.૨૬ જાન્યુઆરી ૧૮૭૪ – નિધન ૧૦ જૂન ૧૯૦૦), તેમના ઉપનામથી પ્રખ્યાત, કલાપી એ ગુજરાતી કવિ અને ગુજરાતના લાઠી રાજ્યના ઠાકોર (રાજકુમાર) હતા. તેઓ મોટે ભાગે તેમની પોતાની કરુણતા દર્શાવતી કવિતાઓ માટે જાણીતા છે. તેઓ લાઠી-ગોહિલવાડમાં રહેતા હતા, જે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું છે.

કલાપીનો જન્મ ૨૬ જાન્યુઆરી ૧૮૭૪ના રોજ તેમના પિતા મહારાજા તખ્તાસિંહજી, લાઠીના શાસક, સૌરાષ્ટ્ર પ્રદેશના દૂરના ખૂણે આવેલા નાના રાજ્ય અને માતા રમાબાને ત્યાં થયો હતો. કલાપી ૫ વર્ષના હતા ત્યારે તખ્તાસિંહજીનું અવસાન થયું અને કલાપી ૧૪ વર્ષની હતી ત્યારે રમાબાનું અવસાન થયું. આ મૃત્યુઓએ કલાપીના મન પર કાયમી અસર છોડી.

૮ વર્ષની ઉંમરે, કલાપીએ શાળાના શિક્ષણ માટે રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રવેશ કર્યો અને આગામી ૯ વર્ષ (૧૮૮૨-૯૧) ત્યાં વિતાવ્યા, પરંતુ તેમનું શાળાકીય શિક્ષણ પૂરું ન કર્યું અને શાળા છોડી દીધી. આ સમય દરમિયાન, તેમણે અંગ્રેજી, સંસ્કૃત અને સમકાલીન ગુજરાતી સાહિત્યનો બહોળો અભ્યાસ કર્યો.

કલાપીની મૃત્યુ તારીખ અનિશ્ચિત છે. તે ઔપચારિક રીતે ૧૦ જૂન ૧૯૦૦ તરીકે નોંધાયેલ છે. તેના મૃત્યુ અંગે પણ કેટલાક વિવાદો છે. તેને કોલેરાના કારણે મૃત્યુ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક માને છે કે તે કુદરતી મૃત્યુ નથી.

કલાપીના લગ્ન – ૧૫ વર્ષની ઉંમરે – બે રાજકુમારીઓ સાથે થયા હતા. આ હતા રાજબા-રમાબા, કચ્છ-રોહાની રાજકુમારી; અને કેશરબા-આનંદીબા , સૌરાષ્ટ્ર-કોટાડાની રાજકુમારી.જ્યારે કલાપી ૨૦ વર્ષના હતા, ત્યારે તેઓ તેમના રાજવી પરિવારની સેવા કરતી કુટુંબની દાસી શોભનાના પ્રેમમાં પડ્યા હતા. તેમના ટૂંકા આયુષ્ય છતાં, કલાપીનું કાર્ય શરીર વિશાળ હતું. કવિએ લગભગ ૧૫,૦૦૦ છંદો સહિત લગભગ ૨૫૦ કવિતાઓ લખી છે. તેમણે સંખ્યાબંધ ગદ્ય લેખન અને તેમના મિત્રો અને પત્નીઓને ૯૦૦ થી વધુ પત્રો પણ લખ્યા છે. તેમણે તેમના વિચારોને વિસ્તૃત કરવા માટે માત્ર ગુજરાતી ભાષાનો જ તેમના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો ન હતો, પરંતુ ચાર અંગ્રેજી નવલકથાઓનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો હતો. કલાપીએ સંખ્યાબંધ ઉભરતા કવિઓને માર્ગદર્શન આપ્યું હતું જેમણે તેમની લેખન શૈલીને આગળ ધપાવી હતી, જેમાંથી ઘણા પોતાની રીતે પ્રખ્યાત થયા હતા.

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડુ સાયક્લોનિક સ્ટ્રોમ બન્યુ, ખતરો વધશે!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter