+

IND vs AFG : દિલ્હીમાં રોહિતે કર્યો રેકોર્ડનો વરસાદ, ક્રિસ ગેલ, સચિન તેંડુલકરને છોડ્યા પાછળ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ્યારે શૂન્ય પર આઉટ થયો ત્યારે તેની બેટિંગને લઇને સોશિયલ મીડિયામાં તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે,…

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ્યારે શૂન્ય પર આઉટ થયો ત્યારે તેની બેટિંગને લઇને સોશિયલ મીડિયામાં તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. જોકે, તેણે આજે રમાયેલી અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચમાં શાનદાર બેટિંગ કરી તેની ટીકા કરનારને જડબાતોડ જવાબ આપ્યો છે. જીહા, અફઘાનિસ્તાન વિરુદ્ધ રોહિતે ઘણા રેકોર્ડ બનાવી દીધા છે.

રોહિતની અફઘાનિસ્તાન સામે શાનદાર બેટિંગ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેણે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે ચાલી રહેલી વર્લ્ડ કપ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. જ્યારે તે તેના ફોર્મમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ આક્રમણને ધૂળ ચટાડી શકે છે. અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ઓપનિંગ કરતા તેણે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેની ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી સદી હતી. રોહિત શર્માએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા અને તેણે માત્ર 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. તેના થોડા સમય બાદ રોહિત શર્માએ એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. રોહિત શર્માના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર છે. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કુલ 554 સિક્સર ફટકારી છે, ક્રિસ ગેલના 553 રનના વર્લ્ડ રેકોર્ડને તેણે પાછળ છોડી દીધો છે.

સચિન તેડુંલકરનો તોડ્યો રેકોર્ડ

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના નામે હતો. સચિને વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી છે, જ્યારે રોહિતની આ સાતમી વર્લ્ડ કપ સદી છે. આ સિવાય ઓપનર તરીકે રોહિત શર્માની આ 29મી સદી છે. આ મામલે તેણે શ્રીલંકાના સનથ જયસૂર્યાને પાછળ છોડીને બીજા નંબર પર આવી ગયો છે. પ્રથમ ક્રમે સચિને ઓપનિંગ બેટ્સમેન તરીકે 49 સદી ફટકારી છે.

રોહિત શર્માએ વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી!

રોહિત શર્માએ 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે વિશ્વ કપમાં કોઈપણ ભારતીય બેટ્સમેનની સૌથી ઝડપી સદી છે. રોહિત શર્મા હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે, આ તેની વર્લ્ડ કપમાં સાતમી સદી છે.

રોહિત વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો

કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે રમતા પોતાની 31મી ODI સદી પૂરી કરી છે અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ખેલાડી રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે. પોન્ટિંગે 30 ODI સદી ફટકારી છે. આ યાદીમાં સચિન તેંડુલકર (49) પ્રથમ સ્થાને અને વિરાટ કોહલી (47) બીજા સ્થાને છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

7 – રોહિત શર્મા
6 – સચિન તેંડુલકર
5 – રિકી પોન્ટિંગ
5 – કુમાર સંગાકારા

સૌથી વધુ ODI સદી ફટકારનાર બેટ્સમેન

49 – સચિન તેંડુલકર
47 – વિરાટ કોહલી
31 – રોહિત શર્મા
30 – રિકી પોન્ટિંગ
28 – સનથ જયસૂર્યા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર

વિશ્વ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન (ઓછા બોલમાં)

49 – એડન માર્કરામ (દક્ષિણ આફ્રિકા) VS શ્રીલંકા, દિલ્હી, 2023
50 – કેવિન ઓ’બ્રાયન (આયર્લેન્ડ) VS ઈંગ્લેન્ડ, બેંગ્લોર, 2011
51 – ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) VS શ્રીલંકા, સિડની, 2015
52 – એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા) VS વેસ્ટ ઈન્ડિઝ, સિડની, 2015
57 – ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) VS અફઘાનિસ્તાન, માન્ચેસ્ટર, 2019
63 – રોહિત શર્મા VS અફઘાનિસ્તાન, દિલ્હી, 2023

ભારત માટે સૌથી ઝડપી ODI સદી ફટકારનાર બેટ્સમેન (ઓછા બોલમાં)

52 – વિરાટ કોહલી VS ઓસ્ટ્રેલિયા, જયપુર, 2013
60 – વિરેન્દ્ર સેહવાગ VS ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન, 2009
61 – વિરાટ કોહલી VS ઓસ્ટ્રેલિયા, નાગપુર, 2013
62 – મોહમ્મદ અઝહરુદ્દીન VS ન્યુઝીલેન્ડ, બરોડા, 1988
63 – રોહિત શર્મા VS અફઘાનિસ્તાન, દિલ્હી, 2023

ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ ODI સદી

45 – સચિન તેંડુલકર
29 – રોહિત શર્મા
28 – સનથ જયસૂર્યા
27 – હાશિમ અમલા
25 – ક્રિસ ગેલ

જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટ લીધી, તેણે 10 ઓવરમાં 39 રન આપીને 4 ખેલાડીઓને આઉટ કર્યા. હાર્દિક પંડ્યાએ 7 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો – IND vs AFG : ટીમ ઈન્ડિયાએ મેળવી ધમાકેદાર જીત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter