+

AUS vs AFG : મેક્સવેલના તોફાન સામે અફઘાનિસ્તાનની હવા ઉડી, ઓસ્ટ્રેલિયાએ મેળવી 3 વિકેટે જીત

ICC ODI World Cup 2023 : પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ આજે મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે 3 વિકેટે જીત નોંધાવી છે. આ સાથે ટીમે સેમી ફાઈનલમાં પ્રવેશ કરી…

ICC ODI World Cup 2023 : પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ આજે મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે 3 વિકેટે જીત નોંધાવી છે. આ સાથે ટીમે સેમી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સૌથી મોટી વાત એ છે કે આ મેચમાં ઈજાગ્રસ્ત ગ્લેન મેક્સવેલે શાનદાર બેવડી સદી ફટકારી ટીમને જીત અપાવી છે.

ગ્લેન મેક્સવેલે રમી 201 રનની શાનદાર ઇનિંગ

Glenn Maxwell નામ તો સુના હી હોગા.. જીહા, આજે મેક્સવેલે કર્યું જ કઇક એવું છે કે આજે તમે આ ડાયલોગ બોલ્યા વિના રહી જ ન શકો. આજે વાનખેડેમાં ઓસ્ટ્રેલિયાના બેટિંગ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ટાર્ગેટનો પીછો કરતા શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ટીમ જ્યારે ચેઝ કરવા મેદાને ઉતરી ત્યારે બેટ્સમેનોની વિકેટ પત્તાની જેમ પડવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારે એવું લાગી રહ્યું હતુ કે આજે અફઘાનિસ્તાનની ટીમ ઈતિહાસ સર્જી શકે છે પણ તેમને ક્યા ખબર હતી કે હજુ મેક્સવેલ નામનું તોફાન આવવાનું બાકી છે. જીહા, ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 201 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

મેક્સવેલે એકલા હાથે જવાબદારી સંભાળી

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ODI ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ રમી, બેવડી સદી ફટકારી અને પોતાની ટીમને જીત તરફ લઈ ગયો. 292 રનનો પીછો કરતી વખતે મેક્સવેલ ક્રિઝ પર હતો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 91 રનમાં 7 વિકેટે હતો. આ પછી મેક્સવેલે એકલા હાથે જવાબદારી સંભાળી અને 47મી ઓવરમાં 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 201 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી. ઓસ્ટ્રેલિયાની જીતમાં કેપ્ટન પેટ કમિન્સનું પણ યોગદાન હતું, જેમણે વિકેટ પડતી વખતે 68 બોલમાં 12 રન બનાવ્યા હતા અને પોતાની વિકેટ બચાવીને મેક્સવેલને શક્ય તેટલો રમવાનો મોકો આપ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમ હવે ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે.

મેક્સવેલે પોતાની ઇનિંગમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા

આ ઇનિંગ દરમિયાન મેક્સવેલે પીઠના દુખાવાની ફરિયાદ પણ કરી હતી. હેમસ્ટ્રિંગમાં પણ ગંભીર ઈજા થઈ હતી. તેમ છતા મેક્સવેલે આખી મેચ લંગડાવીને રમવાનો નિર્ણય કર્યો. તે મેદાનની બહાર ગયો ન હતો. જોરદાર જુસ્સો બતાવીને, તેણે પોતાની ટીમને મજબૂત જીત તરફ દોરી અને તેમને સેમી ફાઇનલમાં લઈ ગયો. આ મેચમાં અફઘાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 292 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પેટ કમિન્સે 68 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા.

ઇબ્રાહિમ ઝદરાન વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન

અગાઉ, 21 વર્ષીય ઇબ્રાહિમ ઝદરાન વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જેણે ટીમને ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે 291 રનનો મજબૂત સ્કોર બનાવવામાં મદદ કરી હતી. ઓપનર ઝદરાને 143 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 129 રનની અણનમ ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાનની ટીમ છેલ્લી પાંચ ઓવરમાં 64 રન ઉમેરવામાં સફળ રહી હતી. રાશિદ ખાને ડેથ ઓવર્સમાં શાનદાર બેટિંગ કરી અને 18 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. ચાર વર્ષ પહેલા વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 21 વર્ષીય ઝદરાને વાનખેડે સ્ટેડિયમમાં પોતાની ટીમની આ મહત્વની મેચમાં માત્ર 26મી મેચમાં પોતાની પાંચમી સદી ફટકારી હતી.

સચિન તેંડુલકરના કારણે મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો : ઇબ્રાહિમ ઝદરાન

વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી હોવા ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર પોતાના દેશનો પ્રથમ બેટ્સમેન પણ છે. અગાઉ, વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર સમીઉલ્લાહ શિનવારીના નામે હતો, જેણે 2015 વર્લ્ડ કપ દરમિયાન ડ્યુનેડિનમાં સ્કોટલેન્ડ સામે 96 રન બનાવ્યા હતા. ઝદરાને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીના ટોસ જીતીને બેટિંગ કરવાના નિર્ણયને સાચો સાબિત કર્યો અને બેટિંગ માટે અનુકૂળ પીચ પર અણનમ પરત ફર્યો, તેની ટીમને મજબૂત સ્કોર સુધી લઈ ગયો. ઈનિંગ્સના વિરામ દરમિયાન ઝદરાને કહ્યું, “ગઈકાલે મેં સચિન તેંડુલકર સાથે સારી ચર્ચા કરી, તેમણે પોતાના ઘણા અનુભવો શેર કર્યા. તેમના અનુભવો શેર કર્યા અને મને ઘણો આત્મવિશ્વાસ આપવા બદલ હું તેમનો આભારી છું.” બોલરોને વિકેટમાંથી કોઈ મદદ મળી રહી ન હતી અને અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ સાવચેતીભરી શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 291 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને 70 રનની અંદર તેની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. આ પછી ગ્લેન મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ સાથે ઈનિંગ સંભાળી અને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી.

આ પણ વાંચો – World Cup 2023 : કર્મા કોઈને છોડતો નથી…, એવું જ કંઇક થયું બાંગ્લાદેશના આ ખેલાડી સાથે, ICC નું પણ આવ્યું નિવેદન…

આ પણ વાંચો – Time Out Controversy બાદ Mathews નું આવ્યું રિએક્શન, કહ્યું – મે ક્યારેય કોઇ ટીમને આટલા નીચા સ્તર પર જતા જોઇ નથી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter