+

સામ પિત્રોડા બાદ મણિશંકર ઐયરનો બફાટ, કોંગ્રેસની મુશ્કેલીમાં આ નેતાઓએ હંમેશા કર્યો છે વધારો

Controversial Statements by Congress Leaders : દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો માહોલ છે ત્યારે તમામ પાર્ટીઓના નેતાઓ આજે જનતા વચ્ચે જોવા મળી રહ્યા છે. આ વખતની ચૂંટણી (Election)…

Controversial Statements by Congress Leaders : દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નો માહોલ છે ત્યારે તમામ પાર્ટીઓના નેતાઓ આજે જનતા વચ્ચે જોવા મળી રહ્યા છે. આ વખતની ચૂંટણી (Election) માં જ્યા એક તરફ ભાજપ 400 + ના નારા સાથે જનતા સમક્ષ જઇ રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી (Congress Party) ના નેતાઓ પોતાની જ પાર્ટીને જાણે હરાવવાનો પ્રયત્ન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા સામ પિત્રોડા (Sam Pitroda) ના વિવાદિત નિવેદન (Controversial Statement) પર ચર્ચાઓ શરૂ થઇ હતી જે હજુ શાંત પણ થઇ નથી અને હવે મણિશંકર ઐયરે (Mani Shankar Aiyar) એક બફાટ કર્યો હોવાનું સામે આવ્યું છે. એવું નથી કે આ પહેલીવાર હોય કે કોંગ્રેસ પાર્ટી (Congress Party) ના નેતાઓ ચૂંટણીટાણે આ પ્રકારના બફાટ કર્યો હોય આ પહેલા પણ તેમના વિવાદિત નિવેદન (Controversial Statement) ને કારણે કોંગ્રેસ પાર્ટી (Congress Party) ને ચૂંટણીટાણે જ બેકફૂટ પર જવું પડ્યું છે.

આ નેતાઓ કોંગ્રેસ માટે માથાનો દુખાવો

આ વખતની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સખત મહેનત કરી રહી છે. પણ તેમના નેતાઓના સતત બફાટના કારણે પાર્ટીને સતત ગેરલાભ થઇ રહ્યો છે. કોંગ્રેસના આ નેતાઓ કોઇ નવા નથી, તેઓ વર્ષોથી પાર્ટીમાં છે. એટલે કે આ બફાટ કરનારા સૌથી દિગ્ગજ નેતાઓ છે. થોડા દિવસો પહેલા સામ પિત્રોડા અને હવે મણિશંકર ઐયર દ્વારા એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેણે ભાજપને કોંગ્રસેન બેકફૂટ પર ધકેલવાની તક આપી છે. જોકે, આ બે નેતાઓ સિવાય મધ્ય પ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ પણ આ પહેલા ઘણીવાર વિવાદાસ્પદ નિવેદન આપીને કોંગ્રેસ પાર્ટીને જ નુકસાન કરી ચુક્યા છે. ત્યારે આવો જાણીએ કયા નેતાઓએ ક્યારે શું વિવાદિત નિવેદન આપ્યું હતું…

સામ પિત્રોડા

  • ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપતા પહેલા સામ પિત્રોડાએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, અમે 75 વર્ષથી ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં રહીએ છીએ, જ્યાં કેટલાક ઝઘડા છોડી દઇએ તો લોકો સાથે રહી શકે છે. તેમણે આગળ કહ્યું કે, ભારત જેવા વૈવિધ્યસભર દેશને આપણે અખંડ રાખી શકીએ છીએ. જ્યારે પૂર્વના લોકો ચાઈનીઝ જેવા, પશ્ચિમના લોકો અરબી જેવા, ઉત્તરના લોકો ગોરા જેવા અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. તેમણે કહ્યું, કોઈ વાંધો નથી, અમે બધા ભાઈ-બહેન છીએ. ભારતમાં અલગ-અલગ પ્રદેશના લોકોના રીત-રિવાજો, ભોજન, ધર્મ, ભાષા અલગ-અલગ છે, પરંતુ ભારતના લોકો એકબીજાને માન આપે છે. એવું નથી કે આ તેમનું પહેલું વિવાદિત નિવેદન છે આ પહેલા પણ તેઓ વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. અગાઉ પિત્રોડાએ વારસાઈ ટેક્સની વાત કરીને વિવાદ સર્જ્યો હતો જેને ભાજપે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. પિત્રોડાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સંપત્તિના પુન:વિતરણના મુદ્દા પર વાત કરતા અમેરિકામાં વારસાગત કરનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરૂ કર્યું હતું.
  • તેટલું જ નહીં તેમણે 6 એપ્રિલ 2019ના રોજ કહ્યું હતું કે, મધ્યમ વર્ગે સ્વાર્થી ન બનવું જોઈએ. તેઓએ વધુ ટેક્સ ભરવા માટે તૈયારી કરવી જોઈએ. આ નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી ચોંકી ઉઠી હતી. પાર્ટીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે મધ્યમ વર્ગ પર કોઈ વધારાનો ટેક્સ બોજ લાદશે નહીં.
  • 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન શીખ રમખાણો પર નિવેદન આપ્યા બાદ પિત્રોડા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વાસ્તવમાં ભાજપે રાજીવ ગાંધીને 1984ના શીખ વિરોધી રમખાણોના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. આ અંગે પૂર્વ વડાપ્રધાનના નજીકના સહયોગી પિત્રોડાએ 10 મે 2019ના રોજ કહ્યું હતું કે હવે શું છે 1984નું. ભાજપે 5 વર્ષમાં શું કર્યું તેની વાત કરીએ.84 માં જે થયું તે થયું પણ તમે શું કર્યું? આ દરમિયાન કોંગ્રેસે આ નિવેદનથી દૂર રહેવું પડ્યું અને પિત્રોડાએ માફી માંગવી પડી.
  • 2019 ની લોકસભાની ચૂંટણી પૂર્વે પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. આના પર સવાલ ઉઠાવતા પિત્રોડાએ 22 માર્ચ 2019ના રોજ કહ્યું હતું કે, આવા હુમલા થતા રહે છે. કેટલાક આતંકીઓએ કર્યો હુમલો, આની સજા આખા પાકિસ્તાનને કેમ આપવામાં આવી રહી છે?

મણિશંકર ઐયર

  • કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા મણિશંકર ઐયર હંમેશા પાર્ટી માટે મુસિબત ઉભી કરતા આવ્યા છે. જ્યારે પણ મણિશંકર ઐયરે મોઢું ખોલ્યું છે ત્યારે કોંગ્રેસમાં સંકટના વાદળો છવાઈ ગયા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે વર્ષ 2014માં મણિશંકર ઐયરના એક નિવેદને નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવ્યા હતા. જ્યારે પણ ચૂંટણીનો સમય આવે ત્યારે તેમના વિવાદિત નિવેદને પાર્ટી માટે મુસિબત ઉભી કરી દીધી છે. આ વખતે પણ તેમના એક વિવાદિત નિવેદનની ચર્ચાએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે. મણિશંકરનું  એક નિવેદન તાજેતરમાં વાયરલ થઇ રહ્યું છે જેમા તેઓ પાકિસ્તાન પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે. અય્યરે વધુમાં કહ્યું કે, મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત ઘમંડી રીતે આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
  • મણિશંકર ઐયરે લોકસભા ચૂંટણી 2014 દરમિયાન વડાપ્રધાન મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. વર્ષ 2014 માં મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને નીચ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે તે ખૂબ જ નીચ પ્રકારના માણસ છે, તેમનામાં કોઇ સભ્યતા નથી અને આવા સમયે આ પ્રકારની ગંદી રાજનીતિ કરવાની શું જરૂર છે? તેમના આ નિવેદન બાદ કોંગ્રેસે તેમનું પ્રાથમિક સભ્યપદ પણ સમાપ્ત કરવામાં આવ્યું હતું. તેટલું જ નહીં તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને પણ અપશબ્દો બોલવામાં બાકી રાખ્યું નહોતું. તેમણે વાજપેયીને નાલાયક કહ્યા હતા. તેટલું જ નહીં તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને પણ અપશબ્દો બોલવામાં બાકી રાખ્યું નહોતું. તેમણે વાજપેયીને નાલાયક કહ્યા હતા. તેમણે તેમની ટિપ્પણી બાદ હોબાળો મચાવતા માફી માંગવાની ફરજ પડી હતી. તે સમયે અય્યરે પોતાનો બચાવ કર્યો હતો કે તે હિન્દી શબ્દોનો અર્થ સમજી શક્યા નથી.
  • ઐયરે વર્ષ 2014 ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી પર કરેલી ‘ચાયવાલા’ ટિપ્પણીએ પણ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો. અય્યરે દાવો કર્યો હતો કે મોદી ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે અને તે સમયે ચાલી રહેલી કોંગ્રેસ કોન્ફરન્સમાં તેઓ માત્ર ચા જ વેચી શકે છે. ઐયરનો પાકિસ્તાન પ્રેમ આજનો નથી, તેમણે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને ‘હાફિઝ સાહબ’ કહ્યા હતા. અય્યરના પાકિસ્તાન અંગેના નિવેદને પણ ભારે હોબાળો મચાવ્યો હતો. અય્યરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં જેટલો પ્રેમ મળે છે તેના કરતાં તેમને ભારતમાં વધુ દુશ્મની મળે છે.

દિગ્વિજય સિંહ

  • વિવાદિત નિવેદનોની વાત કરીએ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ભૂલી જઇએ તેવું કેવી રીતે બની શકે. તેમણે જાહેર મંચ પર ઘણીવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વર્ષ 2021 માં ભોપાલમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર કઇંક એવું નિવેદન આપ્યું જેણે મોટા વિવાદને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીથી માત્ર 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ જ પ્રભાવિત થાય છે, જીન્સ પહેરેલી છોકરીઓ નહીં. આ જ કાર્યક્રમમાં દિગ્વિજય સિંહે દાવો કર્યો હતો કે જો PM મોદી વર્ષ 2024માં ચૂંટણી જીતશે તો તેઓ ભારતીય બંધારણમાં ફેરફાર કરીને આરક્ષણ ખતમ કરી દેશે.
  • વર્ષ 2008 દરમિયાન દિલ્હીના બાટલા હાઉસમાં આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું, જેમા દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર શહીદ થયા હતા. દિગ્વિજય સિંહે આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું. વર્ષ 2013 દરમિયાન જ્યારે આ એન્કાઉન્ટર દરમિયાન પકડાયેલા આતંકીને દિલ્હી કોર્ટે સજા સંભળાવી હતી, ત્યારે પણ દિગ્વિજય સિંહ પોતાના નિવેદન પર અડગ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, એન્કાઉન્ટર નકલી હતું. જો ન્યાયિક તપાસ થઈ હોત તો ઘણી બાબતો સામે આવી હોત. વળી તેમણે જ્યારે UPA ની સરકાર હતી ત્યારે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સત્તાના બે કેન્દ્રો (તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી) યોગ્ય રીતે કામ કરી શકતા નથી. ભવિષ્યમાં આ સિસ્ટમ બદલવી પડશે. આજે પણ ભાજપના નેતાઓ આ નિવેદન પર દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરે છે.
  • દિગ્વિજય સિંહે અલ કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનને જ્યારે અમેરિકાએ માર્યો હતો ત્યારે પણ તેમનું વિવાદિત નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ઓસામાજી ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં રહેતા હતા. તે કેવી રીતે શક્ય છે કે પાકિસ્તાની અધિકારીઓને ખબર ન હોય? તેમણે એમ પણ કહ્યું હતું કે, અમેરિકાએ ઓસામા બિન લાદેનને સન્માનપૂર્વક દફનાવવા જોઈએ. બાદમાં દિગ્વિજય સિંહે મીડિયા પર આ નિવેદનોને તોડી મરોડીને બતાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય દિગ્વિજય સિંહે આવા અનેક નિવેદનો આપ્યા છે, જેનાથી કોંગ્રેસ માટે મુસિબત વધી છે.

મણિશંકરના નિવેદનને કોંગ્રેસ પાર્ટીએ પોતાનાથી કરી અલગ

કોંગ્રેસ પાર્ટી માટે આ ત્રણેય નેતા હંમેશા માથાનો દુખાવો સાબિત થતા આવ્યા છે. જ્યારે પણ તેઓ જાહેર મંચ પર કઇંક બોલે છે ત્યારે પાર્ટીને કોઇને કોઇ નુકસાન થયું જ છે. તાજેતરમાં મણિશંકર ઐયરના વિવાદિત નિવેદન પર પણ કોંગ્રસ પાર્ટીએ પોતાને અલગ રાખ્યા છે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી હવે મણિશંકર ઐયરની કેટલીક જૂની ટિપ્પણીઓને પુનર્જીવિત કરી રહી છે. કોંગ્રેસ આ ટિપ્પણીઓને પોતાના કરતા અલગ માને છે. પવન ખેડાએ X પર લખ્યું છે કે તેઓ આ ટિપ્પણીઓ સાથે સંપૂર્ણપણે અસંમત છે. કોંગ્રેસ આવી ટિપ્પણીઓને સમર્થન આપતી નથી. નોંધનીય છે કે મણિશંકર ઐયરના પાકિસ્તાનને માન આપતા નિવેદનને લઈને ભાજપ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહી છે.

આ પણ વાંચો – MANI SHANKAR AIYAR CONTROVERSY : પિત્રોડા બાદ મણિશંકર ઐયરએ વધારી કોંગ્રેસની ટેન્શન

આ પણ વાંચો – એક પછી એક બફાટ બાદ અંતે Sam Pitroda નું રાજીનામું

Whatsapp share
facebook twitter