+

અહીં માનસિક દિવ્યાંગો દિવાળીના દિવડા બનાવી પોતાના જીવનમાં અનેક નવા રંગો ભરી રહ્યા છે

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ  જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી માનસિક દિવ્યાંગોના પુનઃસ્થાપન માટે આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશનમાં 18 વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગોને તાલીમ આપવામાં આવે…

અહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ 

જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી માનસિક દિવ્યાંગોના પુનઃસ્થાપન માટે આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશનમાં 18 વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગોને તાલીમ આપવામાં આવે છે. સંસ્થાનું માનવું છે કે માનસિક દિવ્યાંગોને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો તાલીમ જ તેની સારવાર સાબીત થાય છે અને તેના થકી જ તેની પ્રગતિ અને તેનું સમાજીક રીતે પુનઃસ્થાપન કરી શકાય છે પોતાના આ જ ઉદેશ્ય સાથે સંસ્થા દ્વારા દિવ્યાંગોને વિવિધ દૈનિક વપરાશની ચીજવસ્તુઓ સાથે તહેવારો દરમિયાન વપરાશમાં આવતી વિવિધ ચીજવસ્તુઓની બનાવટ શિખવવામાં આવે છે અને બાદમાં તેનું વેચાણ કરવામાં આવે છે. માનસિક દિવ્યાંગ વ્યક્તિને તેના જીવનમાં પ્રગતિના પથ પર અગ્રેસર કરી શકાય તેવા ઉદેશ્ય સાથે આશાદિપ સંસ્થા દ્વારા હાલ દિવાળીનો તહેવાર હોય, દિવ્યાંગોને દિવડા સુશોભિત કરવાની તાલીમ અપાઈ રહી છે.

આશાદિપ સંસ્થા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ સારવાર અને તેની ક્ષમતા અનુસાર તાલીમ આપવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતાં નિષ્ણાંતોની દેખરેખ હેઠળ દિવ્યાંગો દિવડાને સુશોભિત કરવાનું કામ કરે છે. સંસ્થાનું માનવું છે કે આ પ્રકારની તાલીમ તેમની માનસિક દિવ્યાંગતાને હળવી કરે છે અને સાથે મળતી યોગ્ય સારવાર થી વ્યક્તિને ફરી સામાન્ય અવસ્થામાં લાવી શકાય છે.

દિવાળીના તહેવારમાં ફેન્સી દિવડા પ્રચલીત છે ત્યારે હાલમાં સંસ્થા દ્વારા માટીના દીવડા સુશોભિત કરીને તેનું વેચાણ થઈ રહ્યું છે. સંસ્થામાં સારવાર અને તાલીમ લેતાં દિવ્યાંગો જ આ દિવડાને વિવિધ રંગોથી સુશોભિત કરતાં નજરે પડે છે, જાણે પોતાના જીવનમાં એક નવો રંગ ભરી રહ્યા હોય…

દિવડા સુશોભિત કર્યા બાદ તેને પ્રોફેશનલી ટચ આપીને ગીફ્ટ પેકના રૂપમાં પેકીંગ કરવામાં આવે છે. નાની મોટી સાઈઝના પેકીંગમાં સુશોભિત દિવડાનું વેચાણ કરવામાં આવે છે જેની આવક સીધી દિવ્યાંગોને મળે છે. ચાલુ વર્ષે આ સંસ્થાના મનો દિવ્યાંગોએ 30 હજારથી વધુ સુશોભિત દિવડા બનાવ્યા છે જેની વેચાણ કિંમત અંદાજે સાડા ચાર લાખથી વધુની થાય છે, આમ દિવ્યાંગો પોતાની સારવાર અને તાલીમ થકી કમાણી કરીને આત્મનિર્ભર બની રહ્યા છે.

નવરાત્રી શરૂ થતાંની સાથે જ આ મનો દિવ્યાંગો સુશોભિત દિવડા બનાવવાનું શરૂ કરે છે અને દશેરા સુધીમાં હજારો દિવડા બનાવી લે છે, આ દિવડાના વેચાણમાંથી જે નફો થાય છે તે મનો દિવ્યાંગો વચ્ચે વહેચી દેવામાં આવે છે, સંસ્થા દ્વારા આ મનો દિવ્યાંગોના મનોરંજન હેતુ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, આશાદિપ ફાઉન્ડેશન અને ઈનરવ્હીલ ક્લબ દ્વારા સંયુક્ત રીતે મનો દિવ્યાંગો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનો દિવ્યાંગોએ પોતાની ગરબાની કૃતિ રજૂ કરી હતી અને મન મુકીને રાસ રમ્યા હતા. મનો દિવ્યાંગો પણ સામાન્ય માણસની જેમ તહેવારોની ઉજવણી કરી શકે તેઓ પણ માતાજીની આરાધના કરી શકે અને પોતે પણ ગરબા ગાવા તથા રમવા સક્ષમ હોવાનો ભાવ પેદા થાય જેથી તેમનું મનોબળ મજબુત બને અને તેનું મન પ્રફુલ્લીત બને તેવા હેતુસર મનો દિવ્યાંગો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.

દિવાળીમાં લોકો સુશોભિત દીવડા ખરીદવાનું પસંદ કરે છે, સામાજીક સંસ્થાઓ તો દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બજારમાંથી ફેન્સી કે ઈલેક્ટ્રીક દીવડાની ખરીદી કરવાને બદલે લોકો મનો દિવ્યાંગો દ્વારા તૈયાર કરાયેલા સુશોભિત દિવડાની ખરીદી કરે તો ક્યાંક માનવતાનું કાર્ય પણ થશે…

Whatsapp share
facebook twitter