+

Junagadh : દેશની આઝાદીના અઢી મહિના પછી આઝાદ થયું હતું જૂનાગઢ..વાંચો કેમ..!

અહેવાલ–સાગર ઠાકર, જૂનાગઢ 9 નવેમ્બર જૂનાગઢનો આઝાદી દિવસ જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ જૂનાગઢને આઝાદ કરવા આરઝી હુકુમતની સ્થાપના કરાઈ દેશની આઝાદીના અઢી મહિના પછી જૂનાગઢ આઝાદ થયું જૂનાગઢ આઝાદ થયાને…

અહેવાલ–સાગર ઠાકર, જૂનાગઢ

9 નવેમ્બર જૂનાગઢનો આઝાદી દિવસ
જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ
જૂનાગઢને આઝાદ કરવા આરઝી હુકુમતની સ્થાપના કરાઈ
દેશની આઝાદીના અઢી મહિના પછી જૂનાગઢ આઝાદ થયું
જૂનાગઢ આઝાદ થયાને ત્રણ મહિના પછી મતદાન થયું
જૂનાગઢને આઝાદીની યાદ અપાવતાં સ્મારકો આજે પણ મોજુદ
આઝાદીના સ્મારકોને લઈને તંત્રની ઉદાસીનતા
પૂર્વ ધારાસભ્ય દ્વારા અનેક વખત કરાઈ છે રજૂઆત

9 નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદી દિવસ અને જૂનાગઢની આઝાદીનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. જૂનાગઢને આઝાદ કરવા આરઝી હુકુમતની સ્થાપના કરાઈ હતી. દેશની આઝાદીના અઢી મહિના પછી જૂનાગઢ આઝાદ થયું અને જૂનાગઢ આઝાદ થયાને ત્રણ મહિના પછી આઝાદ ભારતનું પ્રથમ મતદાન પણ થયું હતું. જૂનાગઢ શહેરમાં આઝાદીની યાદ અપાવતાં સ્મારકો આજે પણ મોજુદ છે પરંતુ આઝાદીના સ્મારકોને લઈને તંત્રની ઉદાસીનતા પણ જોવા મળી રહી છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય દ્વારા આ અંગે અનેક વખત રજૂઆત છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામો સામે આવ્યા નથી.

ભારતના ત્રણ રાજ્યોએ અનોખો ઈતિહાસ રચી દીધો

ભારત દેશ આઝાદ થયો ત્યારે 562 દેશી રજવાડા હતા. 15 ઓગષ્ટ ભારતનો આઝાદી દિવસ છે પરંતુ પાંચ મહિના અગાઉ ભારતને આઝાદ કરવાનું નક્કી થઈ ગયું હતું. ઈંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દ સ્વતંત્રતાનો કાયદો ઘડાયો, તે ધારા અનુસાર હિન્દુસ્તાનના તમામ રજવાડાઓને ભારતમાં અથવા પાકિસ્તાનમાં જોડાવા નક્કી કરવા ફરમાન કરાયું હતું. જેમાં ભારતના ત્રણ રાજ્યોએ અનોખો ઈતિહાસ રચી દીધો. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ…

જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું

જૂનાગઢમાં તે સમયે નવાબ મહોબતખાનજી ત્રીજાનું શાસન હતું, જૂનાગઢના નવાબ મહોબતખાનજી એક પ્રજા વત્સલ રાજવી હતા પરંતુ કોઈ કારણોસર તેઓએ દિવાન શાહનવાઝ ભુટ્ટો, ભોપાલ બેગમ અને ઈસ્માઈલ અબ્રેહાની ના દબાણ થી જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું.

આરઝી હકુમતની સ્થાપના

આ તરફ ભૌગોલિક રીતે પણ સંભવ ન હોય તેવા જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને લઈને ભારત સરકાર પણ ચિંતામાં હતી. દેશ આઝાદ થઈ ગયો પરંતુ જૂનાગઢ આઝાદ ન હતું, 24 સપ્ટેમ્બર 1947 ના રોજ મુંબઈ ખાતે માધવબાગમાં જૂનાગઢની આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના થઈ, કનૈયાલાલ મુન્શીએ તેનું જાહેરનામું તૈયાર કર્યું, ત્રણ મોરચે લડવાનું નક્કી કરાયું, પ્રચારાત્મક મોરચો, લશ્કરી મોરચો અને આર્થિક મોરચો…

આરઝી હકુમતના લશ્કરી મોરચો

આરઝી હકુમતના લશ્કરી મોરચાની વાત કરીએ તો તેમાં 222 ગોરખા સૈનિકો, નવાબની પોલીસે છુટા કરેલા 30 પોલીસમેનો, સુભાષબાબુની આઝાદ હિંદ ફૌજના 6 જવાનો વગેરે મળીને ત્રણ થી સાડા ત્રણ હજારની એક લોકસેના તૈયાર થઈ હતી જેનું લક્ષ્ય જૂનાગઢની આઝાદીનું હતું.

નવાબ પાકિસ્તાન જતા રહ્યા

આરઝી હકુમતને ગાંધીજીના આશિર્વાદ મળ્યા અને શામળદાસ ગાંધીએ આગેવાની લીધી. સૌરાષ્ટ્ર મેઈલમાં તેઓ રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને તે સમયનો જૂનાગઢનો ઉતારો કે જે રાજકોટનું આજનું સર્કીટ હાઉસ છે તેનો કબ્જો કર્યો, ત્યારબાદ 24 ઓક્ટોબર 1947 ના રોજ અમરાપુર ગામ જીત્યું અને ત્યારે નવાબ પાકિસ્તાન જતા રહ્યા ત્યારબાદ આરઝી હકુમતે 106 ગામ કબ્જે કર્યા. આરઝી હકુમતમાં શામળદાસ ગાંધી, રતુભાઈ અદાણીની મહત્વની ભૂમિકા રહી, જૂનાગઢના દુર્લભજીભાઈ નાગ્રેચાએ આરઝી હકુમતના ગુપ્તચર વિભાગના વડા તરીકે ફરજ બજાવી હતી.

સાધુ સંતોનું મહત્વનું યોગદાન

જૂનાગઢની આઝાદીમાં આરઝી હકુમત સાથે જૂનાગઢ અને આસપાસના સાધુ સંતોની ભૂમિકા પણ મહત્વની રહી, દેશની આઝાદી બાદ હજુ જૂનાગઢ આઝાદ નહોતું થયું અને નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરી દીધું હતું આ સમયે જૂનાગઢ રાજ્યમાં આપત્તિ જેવી સ્થિતિ હતી આ સમયે લોકોને કોઈ તકલીફ ન પડે, શાંતિ જળવાઈ રહે તથા દેશની મદદ માટે જરૂરી સાધન સામગ્રી તથા નેતાઓ સાથેના સંપર્ક કરીને પરિસ્થિતિ બગડે નહીં તે માટે સાધુ સંતોનું મહત્વનું યોગદાન રહ્યું, પુષ્ટિમાર્ગીય મોટી હવેલીના પુરૂષોત્તમલાલજી મહારાજ, મયારામ દાસજી, મહેત વિજય દાસજી જેવા અનેક સાધુ સંતોએ જૂનાગઢની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવાનને તાર કર્યો કે તમે ભારતનું શરણ સ્વીકારી લો

જૂનાગઢના નવાબે પાકિસ્તાનથી તેમના દિવાનને તાર કર્યો કે તમે ભારતનું શરણ સ્વીકારી લો, નવાબે મોકલેલો એ તાર આજે પણ દિલ્હીની અભિલેખાગાર કચેરીમાં મોજુદ છે. 8 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢના નાયબ દિવાન કેપ્ટન હાર્વે જોન્સ શરણાગતિ પત્ર સાથે શરણાગતિ સ્વીકારી, 9 નવેમ્બર 1947 ની સાંજના મજેવડી દરવાજામાંથી ભારતનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને જૂનાગઢ આઝાદ થયું.

190779 મત ભારતને મળ્યા

જૂનાગઢની જનતાનો આભાર વ્યક્ત કરવા સરદાર પટેલ જૂનાગઢ આવ્યા અને 13 નવેમ્બર 1947 ના રોજ બહાઉદ્દીન કોલેજમાં જાહેરસભા કરી હતી. દેશ આઝાદ થયો, જૂનાગઢ પણ આઝાદ થયું સાથે જૂનાગઢની જનતાને ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં તેના માટે મતદાન કરવામાં આવ્યું . 20 ફેબ્રુઆરી 1948 ના રોજ મતદાન કરાયું જેમાં 190779 મત ભારતને મળ્યા અને માત્ર 91 મત પાકિસ્તાનને મળ્યા હતા, આ મતદાનની યુનોને પણ જાણ કરાઈ હતી. આઝાદ ભારતનું આ પ્રથમ મતદાન હતું.

આરઝી હકુમત સાથે જોડાયેલા સ્મારકો આજે પણ મોજુદ છે

જૂનાગઢમાં આરઝી હકુમત સાથે જોડાયેલા સ્મારકો આજે પણ મોજુદ છે, મજેવડી દરવાજો, ઉપરકોટનો કિલ્લો, બહાઉદ્દીન કોલેજ વગેરે ઐતિહાસિક ઈમારતો આરઝી હકુમતની યાદ તાજી કરાવે છે, દર વર્ષે 9 નવેમ્બરના રોજ આરઝી હકુમત જૂનાગઢ આઝાદી દિવસની ઉજવણી થાય છે. વર્ષ 1997 માં તત્કાલીન મુખ્યમંત્રી દિલીપભાઈ પરીખે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડમાં આરઝી હકુમતનું સ્મારક બનાવવા શિલાન્યાસ કર્યો હતો, પરંતુ આજદિન સુધી જૂનાગઢમાં આરઝી હકુમતનું એક પણ સ્મારક નિર્માણ પામ્યું નથી.

આરઝી હકુમતનું સ્મારક બનાવવામાં આવે તેવી મહેન્દ્ર મશરૂની રજૂઆત

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્ર મશરૂએ આ અંગે અનેક રજૂઆતો કરી છે અને હાલ પણ તેમના પ્રયાસો ચાલુ છે. બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સ્મારક બનાવવું સંભવ નથી, ત્યારે શહેરના આઝાદ ચોક નજીક આવેલ એ.જી. સ્કુલ કે જે પાંચ દાયકાથી બંધ છે અને ખંઢેર થઈ ગઈ છે તે જગ્યાએ આરઝી હકુમતનું સ્મારક બનાવવામાં આવે તેવી મહેન્દ્ર મશરૂની રજૂઆત છે, તેમના મતે સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, અપેક્ષા છે કે આરઝી હકુમતનું સ્મારક બનશે, પરંતુ હાલ તો આરઝી હકુમતને લઈને તંત્રની ઉદાસિનતા જૂનાગઢવાસીઓ માટે કમનસીબી જેવી સ્થિતી છે. જૂનાગઢની આઝાદીમાં આરઝી હકુમતનું મહત્વનું યોગદાન છે, આવનારી પેઢી જૂનાગઢની આઝાદીના ઈતિહાસને જાણી શકે તે માટે અને આરઝી હકુમતના સંભારણા રૂપે જૂનાગઢમાં એક સ્મારક હોવું જરૂરી છે અને સરકાર વહેલી તકે કાર્યવાહી કરે તેવી જૂનાગઢવાસીઓની માંગણી છે.

આ પણ વાંચો—MORBI: લ્યો હવે નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ,બોટલો, LCB પોલીસે 12 આરોપીની કરી ધરપકડ

Whatsapp share
facebook twitter