ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. આજે પણ સૌરાષ્ટ્ર પંથકમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આજે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગત મોડી રાત્રીથી રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ, કોટડા તથા રાજકોટ તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ઉપરવાસના ડેમોમાં પાણીની આવક ચાલુ થઇ ચૂકી છે. રાજકોટના જીવાદોરી સમાન ભાદર 1 ડેમ ઓવરફ્લો થયો છે.
ભાદર ડેમમાં 32 ફૂટ પાણીની સપાટી જોવા મળી છે, ત્યારે ભાદર ડેમના 29 દરવાજા 6.50 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ભાદર ડેમમાં 2,32,590 ક્યુસેક પાણીની આવક સામે 60,971 કયુસેક પાણીની જાવક જોવા મળી છે. પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેમની નીચે આવતા આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ફ્લડ કંટ્રોલમાંથી 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા
ગોંડલ તાલુકાના લીલાખા,મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાંગારા, લુણાગરી, વાડસડા ગામ, જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા ગામ, ધોરાજી તાલુકાના વેગડી,ભૂખી અને ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ભારે વરસાદથી આજી નદીમાં પૂર આવ્યું છે. પ્રાચીન શિવાલય રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદી બે કાંઠે વહેતી થઈ છે. ન્યારી-1 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમના દરવાજા ખોલાતા નીંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો : Surat News : હથનુર ડેમના 41 દરવાજા ખોલી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 13 ફૂટ દૂર