+

ગણતંત્ર દિવસ પર ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ કહ્યું – 22 જાન્યુઆરી 500 વર્ષના ત્યાગનું પરિણામ

Harsh Sanghvi : સમગ્ર દેશભરમાં આજે પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરત જિલ્લાના વાવ ખાતે પણ આ ખાસ…

Harsh Sanghvi : સમગ્ર દેશભરમાં આજે પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં અલગ-અલગ કાર્યક્રમો યાજાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરત જિલ્લાના વાવ ખાતે પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ખાસ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે હાજર જનતાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

ગણતંત્ર દિવસની શુભકામનાઓ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પહેલા ટ્વીટ કરીને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, ગણતંત્ર દિવસ નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. આ દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને ભારતીય લોકશાહીએ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી. તમામ દેશવાસીઓ આ લોકશાહીને મજબૂત કરવા અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. હર્ષ સંઘવીએ વાવ ખાતે પોતાના ઉદ્બોધનની શરૂઆત ભારત માતાના જય જય કારથી કરી. તેમણે કહ્યું કે, આપણે બંધારણનો સ્વીકાર 75 વર્ષ પહેલા કર્યો હતો. આજના દિવસે બાબા સાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેક દૂરંદેશીઓને વંદન કરવાનો છે. તેમણે આજના દિવસે મહાત્મા ગાંધી અને અખંડ ભારતના ગડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા. તેમણે રામ મંદિર પર કહ્યું કે, આ વર્ષ ઐતિહાસિક વર્ષ છે. આ વર્ષ વર્ષોવર્ષની ત્યાગ અને તપસ્યાનું વર્ષ છે. વર્ષો વર્ષની મહેનતનું પરિણામ એમને એમ નથી મળ્યું. આ વર્ષે ભારતના કરોડો લોકોની તપસ્યાનું પરિણામ આવ્યું છે. આપણને આ પરિણામ બંધારણ થકી મળ્યું છે. સંઘવીએ કહ્યું કે, 22 જાન્યુઆરી 500 વર્ષના ત્યાગનું પરિણામ છે. આપણને આ પરિણામ બંધારણ થકી મળ્યું છે.

પાછલા 10 વર્ષ ભારત માટે સુવર્ણ વર્ષ : હર્ષ સંઘવી

ભારતના લોકો રામ મંદિર માટે 500 વર્ષથી ગીત ગાતા આવ્યા છે. દેશવાસીઓએ રામ મંદિર બને તે માટે ઘણી બાધાઓ રાખી હતી જે હવે પૂર્ણ થઇ છે. તેમણે આગળ કહ્યું કે, પાછલા 10 વર્ષ ભારત માટે સુવર્ણ વર્ષ રહ્યા છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતની તસવીર અને તકદીર બદલાઈ છે. દેશના તમામ ખૂણે વિકાસ થયો છે તે સ્પષ્ટપણે જોઇ શકાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનો ચારે તરફ વિકાસ કર્યો છે. જોકે, આ મારો પોતાનો વિચાર નથી, આ વિચાર કાશ્મિરથી કન્યા કુમારી સુધી લોકોનો છે. આ એક એવો સમય છે જ્યારે કોઇ ભારતીય વિશ્વના કોઇ પણ ખૂણે જાય છે તો તે ગૌરવ અનુભવે છે. આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા આપણા રાજ્ય ગુજરાતમાં બની છે. તેટલું જ નહીં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અહીંયા બન્યું છે. વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ બિલ્ડીંગ સુરતમાં બન્યું છે. આપણો દેશ સતત આગળ વધી રહ્યો છે. પછી વાત ધર્મની હોય કે વિકાસની ભારતે બંને રીતે વિકાસ કર્યો છે. દેશમાં આજે અનેક ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત સતત વિકાસ કરી રહ્યો છે. આ દેશમાં પહેલા રોડ ઓછા અને ખાડા વધુ મળતા હતા. આજે આંતર રાષ્ટ્રીય કક્ષાના હાઇવે મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીનું ગુજરાતના વિકાસનું સ્વપ્ન હતું જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પૂર જોશમાં થઇ રહ્યું છે. વિકસિત ભારત 2047 નું જે લક્ષ્ય આપણે સૌ લોકો લઇને આગળ વધી રહ્યા છીએ. કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ નાગરિકોના સહભાગથી આપણે સૌ સતત આગળ વધી રહ્યા છીએ.

સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના વાવ સ્થિત એસ.આર.પી. ગ્રુપ મેદાનમાં યોજાઇ

સુરતના કામરેજ તાલુકામાં દેશના આન, બાન અને શાન સમા ૨૬મી જાન્યુઆરી-૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સંકલ્પને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરતા કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધી રહેલા ગુજરાતની વિકાસ ગાથાનું વર્ણન કરી આદર્શ ભારતના નિર્માણમાં વિકાસશીલ કાર્યો કરી ગુજરાતની ભૂમિકાને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કામરેજ તાલુકાના વાવ સ્થિત એસ.આર.પી. ગ્રુપ મેદાનમાં દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ઉત્તમ ભારતની રચના
આ પ્રસંગે મંત્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, હજારો ક્રાંતિવીરો, સત્યાગ્રહીઓના ત્યાગ અને બલિદાનને પરિણામે આપણે સ્વતંત્ર ભારતનો ભાગ બની ગૌરવદિનની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદ ભારતના સંચાલન હેતુ દેશનું બંધારણ આકાર પામ્યું જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે.  તેમણે વધુમાં કહ્યું કે, સરદાર પટેલ દ્વારા સાકારિત અખંડ ભારતના સ્વપ્નને આગળ ધપાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ઉત્તમ ભારતની રચના થઈ રહી છે જેમાં તેમના પ્રબોધેલા ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ’ની રાહ પર ચાલી સ્વર્ણિમ ભારત માટે આપણે સૌએ સઘન પ્રયાસ કરવાના છે. આપણા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં રામલલ્લા અયોધ્યા મંદિરમાં ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ બિરાજમાન થઈ ચૂક્યા છે, જે ગુજરાત માટે ગૌરવપ્રદ ક્ષણ બની છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણની કરોડો ભારતીયોની અપેક્ષા પૂર્ણ થઈ છે. સમગ્ર દેશમાં રામલલ્લાની સ્થાપનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે આપણી ધર્મ પ્રત્યેની આસ્થાને પ્રદર્શિત કરે છે. દેશના કરોડો નાગરિકોની આસ્થા શ્રી રામ સાથે જોડાયેલી છે, ત્યારે તાજેતરમાં શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠાએ સમગ્ર દેશને ભક્તિસૂત્રના એક તાંતણે બાંધ્યો હતો.
‘ટીમ ગુજરાત’ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે
 ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપવા ગુજરાત સજ્જ છે, ત્યારે સર્વાંગી વિકાસની યાત્રાને જનસહયોગથી આગળ ધપાવીશું એવો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે નિષ્ઠાપૂર્વક લઈને આગળ વધી રહ્યાં છીએ. તેમની દોરવણી હેઠળ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘ટીમ ગુજરાત’ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ  આત્મનિર્ભર બને, ભવ્ય ગુજરાતનું નિર્માણ થાય એ દિશામાં અનેક લોકકલ્યાણકારી કાર્યો થઈ રહ્યા છે. વિશ્વના ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીનું શાનદાર આયોજન આ વર્ષે કરાયું, આ શ્રેણીમાં દેશના સૌથી મોટા ટ્રેડ શોનું પણ ગુજરાતમાં આયોજન કરી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બનીને ગુજરાતે આગવી પહેલ કરી દેશને દિશાદર્શન કર્યું છે. ભારતમાં છેલ્લા ૧૦ વર્ષમાં મેડિક્લ, સ્વાસ્થ્ય સેવાથી લઈને અનેક જનકલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોચતી કરવામાં આવી છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, છેલ્લા દસકામાં, ૫૦૦ મેડીકલ કોલેજોનું નિર્માણ, ૨૫ નવી એઈમ્સ દેશને મળી છે. ૭૦ હજાર કિ.મીટર હાઈવેનું નિર્માણ, ૧૦ કરોડ એલપીજી કનેક્શન, ૫૦ કરોડ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે.

 

 

 

 

 

આ પણ વાંચો – Republic Day : જાણો આજના દિવસે જ કેમ મનાવવામાં આવે છે ગણતંત્ર દિવસ, જાણો ઈતિહાસ

આ પણ વાંચો – 26 January: મુખ્ય મહેમાનની પસંદગી કોણ કરે છે? કોને આપવામાં આવે છે મહત્વ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter