+

ઇડરમાં લારી-ગલ્લા, પાથરણાવાળાઓ માટે જગ્યા ફાળવવાની હિલચાલ

Idar News : ઇડરમાં છેલ્લા કેટલાક દિવસથી પાલિકાથી બસ સ્ટેશન સુધીના વિસ્તારમાંથી પાલિકાએ રોડની બંને બાજુના દબાણો દુર કરી દેતાં તેના મિશ્ર પ્રત્યાઘાત પડી રહયા છે ત્યારે નાના વેપારીઓએ વૈકલ્પિક…

Idar News : ઇડરમાં છેલ્લા કેટલાક દિવસથી પાલિકાથી બસ સ્ટેશન સુધીના વિસ્તારમાંથી પાલિકાએ રોડની બંને બાજુના દબાણો દુર કરી દેતાં તેના મિશ્ર પ્રત્યાઘાત પડી રહયા છે ત્યારે નાના વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો મુદ્દો આગળ ધરી ધારાસભ્ય સહિત સંલગ્ન વિભાગમાં કરેલી રજુઆતના ફલશ્રુતિ સ્વરૂપે શનિવારે ઈડર પ્રાંત કચેરીમાં ધારાસભ્ય તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં નાના વેપારીઓને જગ્યા ફાળવવા અંગે ચર્ચા કરાઈ હતી. જેથી આગામી દિવસમાં નાના વેપારીઓ સુચિત સ્થળે તેમના ધંધા શરૂ કરી શકે તેવા સંજોગો ઉજળા બન્યા છે.

આ અંગેની વિગત એવી છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈડરમાં નગરપાલિકાએ શરૂ કરેલી દબાણ હટાવ ઝુંબેશને લઈ કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા છે ત્યારે નાના વેપારીઓએ નગરપાલિકા પર રોષ ઠાલવીને ધારાસભ્ય સહિત સંલગ્ન વિભાગમાં કરેલી રજુઆત બાદ શનિવારે પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંત અધિકારી મયંક પટેલ, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર સાવી સોની, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જયસિંહ તંવર, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ સહીત આગેવાનોની ઉપસ્થિતિમાં નાના વેપારીઓને જગ્યા ફાળવવા અંગે ચર્ચા કરીને નિર્ણય લેવાયો હોવાનું આધારભુત સૂત્રોમાંથી જણાવાયું છે.

જે અંગે ધારાસભ્યએ કહ્યું હતું કે જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર તથા મામલતદારને ઇડરમાં લારી-ગલ્લાના દબાણ દૂર કરવાની સૂચના આપવા આવેલ જે અનુસંધાને ઇડર શહેરમાંથી છેલ્લા ચાર-પાંચ દિવસથી દબાણો દુર કરવામાં આવ્યા છે. પરંતુ નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને કાયમી વૈકલ્પિક વ્યવસ્થા સત્વરે ઉપલબ્ધ કરાવાશે.

પ્રાંત અધિકારીના જણાવાયા મુજબ ઈડરમાં ફોર લેન રોડ છે દુકાનો આગળ લારી-ગલ્લા ઉભા રહેવાના કારણે ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થાય તે દિશામાં ચર્ચા કરીને નિર્ણય લેવાયો છે જે મુજબ શહેરમાં કેટલાક સ્થળે અંદાજે ર૦૦થી વધુ લારીઓ ઉભી રાખી શકાય તેવી જગ્યા અપાશે જે કામગીરી ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવાશે.

અહેવાલ – યશ ઉપાધ્યાય

આ પણ વાંચો – હિંમતનગરમાં બે સ્થળે આખલા ગાંડા થયા, 2 વૃદ્ધને ઈજા પહોંચાડી

આ પણ વાંચો – Gujarat: દર ત્રીજી વ્યક્તિ હાયપરટેન્શન અને ડાયાબિટીસથી પીડિત, કેન્સરનો પણ ચોંકવનારો આંકડો

Whatsapp share
facebook twitter