+

Kutch: આદિપુરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા

Kutch: આદિપુરમાં સગીર વયની કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ગાંધીધામની કોર્ટે તકસીરવાન ઠરાવીને 20 વર્ષની સખત કેદની સજા કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આદિપુર પોલીસ મથકે ગત તારીખ 2/9/2023…

Kutch: આદિપુરમાં સગીર વયની કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ગાંધીધામની કોર્ટે તકસીરવાન ઠરાવીને 20 વર્ષની સખત કેદની સજા કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આદિપુર પોલીસ મથકે ગત તારીખ 2/9/2023 ના રોજ ગુનો નોંધાયો હતો. ગત તારીખે 30/8/2023 ના આદિપુર તોલાણી કોલેજ સામે મા મઢવાળી પરોઠા હાઉસમાં કામ કરતો અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી નુરીનગરમાં રહેતા આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી સંતકુમારએ ફરિયાદીના ઘરે જઈ ત્રણ પુત્રી પૈકી બે દીકરીને ચોકલેટ આપી હતી તેમજ એક સગીર વયની કિશોરીનો હાથ પકડી તેને બાથરૂમમાં લઈને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

ગાંધીધામની અદાલતે ફટકારી સખત કેદની સજા

આ વાત ખબર પડતાની સાથે ફરિયાદીએ આરોપીના નામની બૂમ પાડતાં તે ઘરમાંથી નાસી છૂટયો હતો. ગાંધીધામ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.જી.ગોલાણી સમક્ષ આ કેસ ચાલી ગયો હતો. ફરિયાદી પક્ષે 15 સાહેદની તપાસ અને 27 દસ્તાવેજી પુરાવાના દલીલોના આધારે અદાલતે આરોપી પુષ્પરાજે તકસીરવાન ઠરાવ્યો હતો. ગાંધીધામની અદાલતે આરોપીને 20 વર્ષની સખત કેદીની સજા અને 20 હજારનો દંડ કર્યો હતો.

દંડ નહીં ભરે તો સજા લંબાવાશે

નોંધનીય છે કે, જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવા તેમજ દંડની રકમમાંથી 15 હજાર ભોગ બનનારને વળતર પેટે આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 357 (A) તળે ભોગ બનનારની આર્થિક અને સામાજિક સ્થિતિ જોતાં તેને બે લાખ વળતર ચૂકવવાની ભલામણ સાથે ચુકાદાની નકલ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને મોકલવા આ ચુકાદામાં જણાવાયું હતું. સરકાર પક્ષે ધારાશાત્રી હિતેષ ગઢવીએ ધારદાર દલીલો કરી હતી.

ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસને આપ્યા અભિનંદન

આ સમગ્ર ઘટનામાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વિટ કરીને કચ્છ પોલીસને અભિનંદન આપ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને અતિગંભીરતા લઈને ગુજરાત પોલીસની ટીમ દ્વારા માત્ર 15 દિવસમાં મજબૂત પુરાવાઓ એકત્ર કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે વિકૃત માનસ ધરાવતા આરોપીને સજા થાય અને ભોગ બનનાર બાળકીને ન્યાય મળે તે હેતુથી મહત્વના પુરાવા આધારે દસ મહિના જેટલા ટૂંકા સમયમાં ગાંધીધામ કોર્ટ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને સજા ફટકાડીને ધાક બેસાડતો દાખલો આપ્યો છે આ કેસમાં સંવેદના દાંખવીને દીકરીને ન્યાય આપવા બદલ નામદાર કોર્ટને અને કચ્છની ટીમને અભિનંદન પાઠવ્યા હતા

અહેવાલ: કૌશિક છાયા, ક્ચ્છ

આ પણ વાંચો: Surat: ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: Upendra Dwivedi New Army Chief: ભારતીય સૈન્ય ઈતિહાસમાં પહેલીવાર! સૈનાના સર્વોચ્ચ હોદ્દા પર બે મિત્રો

આ પણ વાંચો: Rajkot: ગોંડલ નેશનલ હાઇવે પર ખાનગી બસ પલટતા થયો અકસ્માત, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

Whatsapp share
facebook twitter