+

કમાલના “કચ્છી અજરખ” ને હવે મળી આ માન્યતા, વાંચો અહેવાલ

કોઈ કલાના નામ પર આખેઆખું ગામ વસે એ કંઈ નાનસૂની વાત નથી. `કલાના પ્રદેશ’ કચ્છમાં અનોખા અજરખના કસબનાં નામે ધરતીકંપ પછી ધમડકા નજીક વસેલાં ગામનું નામ અજરખપુર પડયું. દેશ-દુનિયામાં આદર…

કોઈ કલાના નામ પર આખેઆખું ગામ વસે એ કંઈ નાનસૂની વાત નથી. `કલાના પ્રદેશ’ કચ્છમાં અનોખા અજરખના કસબનાં નામે ધરતીકંપ પછી ધમડકા નજીક વસેલાં ગામનું નામ અજરખપુર પડયું. દેશ-દુનિયામાં આદર મેળવનાર કમાલના `કચ્છી અજરખ’ને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન  ( GI ) એટલે કે, ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા મળી છે. આ સમાચાર ફેલાતાંની સાથે જ અજરખના કચ્છી કસબીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

કચ્છી કસબીઓના છેલ્લા એક દાયકાના પ્રયાસોના પડઘારૂપે જીઆઈ ટેગની માન્યતા મેળવનાર પાંચ હજાર વર્ષ જૂની અજરખ કલાને પેઢીઓથી ટેરવે ટકાવી બેઠેલા કસબીઓને બૌદ્ધિક સંપદા અધિકાર દિવસના અવસરે સન્માનિત કરાયા હતા. અમદાવાદમાં અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના સભ્યોને જીઆઈ ( GI ) રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માનિત કરાયા હતા.

સંગઠનના અધ્યક્ષ અને અજરખ કલામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ યુકેની ડિમોન્ટ ફોર્ડ યુનિવર્સિટી તફરથી ડોક્ટરની માનદ ડિગ્રીથી સન્માનિત ડો. ઈસ્માઈલ ખત્રીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું હતું કે, અમારાં અસ્તિત્વના આધારસ્તંભ સમાન અજરખને જીઆઈ મળતાં કચ્છી કલા જગતના ઈતિહાસમાં એક નવાં સીમાચિહ્નનો ઉમેરો થયો છે. ભારત સરકારના હસ્તકલા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રવિવીર ચૌધરીએ ‘ સાથે વાત કરતાં કહ્યું હતું કે, અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠને સરકારના સહયોગથી અરજી કરી હતી.

છેલ્લા 50 વર્ષથી અરજખનો કમાલ કસબ ટેરવે ટકાવી બેઠેલા પીઢ હસ્તકલાકાર ડો. ઈસ્માઈલ ખત્રીએ આજે સન્માન સ્વીકાર્યા બાદ વાતચીતમાં કહ્યું હતું કે, ઠંડી તેમજ ગરમી સામે રક્ષણ આપતું અજરખ કસબી પરિવારોની આજીવિકા બનીને જીવવાનું બળ પૂરું પાડે છે. બજાર મેળવવામાં મુશ્કેલી જેવા વિકટ સંજોગોનાં પગલે અનેક કસબી કુટુંબોને લાચારીવશ આ કલા છોડવાની ફરજ પડી હોવાના કરુણ કિસ્સા પણ બનેલા છે. પરિણામે અરજખ કલાના અસ્તિત્વ સામે પડકાર ઊભો થવાની જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે જીઆઈનું ( GI ) શત્ર આવા પડકારને પહોંચી વળવામાં મદદરૂપ નીવડશે તેવો વિશ્વાસ ડો. ખત્રીએ વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં આજે જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માન પ્રસંગે પ્રમુખ ડો. ઈસ્માઈલ ખત્રી ઉપરાંત રફીક ઈસ્માઈલ, દાઉદ આદમ ખત્રી, ઈબ્રાહીમ ઈશાક ખત્રી સહિત કસબીઓ જોડાયા હતા.

અહેવાલ : કૌશિક છાયા

આ પણ વાંચો : Lok Sabha Elections : પ્રકટ કુંભાણીએ કહ્યું, ‘મારે તો હાઇકોર્ટ જવું જ હતું ..

Whatsapp share
facebook twitter