+

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર અને ડીસા ખાતે કરાયેલી બે સફળ રેઈડમાં મીઠાઈ અને ઘી સહિત રૂ. 9.29 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

અહેવાલ – સંજય જોશી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે…

અહેવાલ – સંજય જોશી

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતર્ક છે. તાજેતરમાં જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ કચેરી દ્વારા મે. શ્રી પદમનાથ ફૂડ પ્રોડક્ટસ અને મે. ખંડેલવાલ ડેરી પ્રોડકટસ નામની બે પેઢીમાં સફળ રેઇડ કરતા આશરે રૂ. 2.49 લાખની કિંમતનો 567 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો તેમજ આશરે રૂ.6.80 લાખની કિંમતનો 3849 કિ.ગ્રા શંકાસ્પદ મીઠાઈ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આમ, આ બંને રેઇડને મળી કુલ રૂ.9.29 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીને આધારે પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે મે. શ્રી પદમનાથ ફૂડ પ્રોડક્ટસમાં રાત્રી દરમિયાન રેઇડ કરી પેઢીના માલિક લોમેશ લીંબુવાલાની હાજરીમાં ‘શાશ્વત પ્રિમિયમ કાઉ ઘી 5 લિટર પેક’, ‘શાશ્વત પ્રિમિયમ કાઉ ઘી 200 મિલિ પેક’ અને ‘શાશ્વત પ્રિમિયમ શુધ્ધ ઘી 35 મિલિ લિટર પેક’ એમ કુલ ત્રણ નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે રૂ.2.49 લાખની કિંમતનો 567 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાલનપુર ખાતે મે. ખંડેલવાલ ડેરી પ્રોડકટસ નામની પેઢીમાં કરાયેલી બીજી રેઇડ દરમિયાન પેઢીના માલિક કૈલાશભાઈ ખંડેલવાલ દ્વારા જુદી-જુદી મીઠાઈઓનો ઉત્પાદન કરી સંગ્રહ કરેલો જોવા મળ્યો હતો. જેમાં ઇન્ડિયન સ્વીટ નામની 25 કિલો પેકિંગની પ્લાસ્ટિકની કંપની પેક કુલ ૧૫૨ થેલી સંગ્રહ કરેલી હતી. આ જથ્થામાંથી ૧૪૮ થેલી પર ઇન્ડિયન સ્વીટ કે બી, ૩ થેલી ઉપર ઇન્ડિયન સ્વીટ કેસર અને ૧ થેલી ઉપર ઇન્ડિયન સ્વીટ સ્પેશિયલ શેકેલો એવું લખાણ લખેલું હતું. આ જથ્થા પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ના નિયમો અનુસાર લેબલિંગ પર ઉત્પાદન તારીખ, બેચ નંબર ,ઉત્પાદકનું નામ-સરનામું, એક્સપાયરી તારીખ, ન્યુટ્રીશનલ ઇન્ફોર્મેશન વઞેરે જરુરી માહિતી દર્શાવેલ ન હતી. આ થેલીના જુદા-જુદા ત્રણ નમૂનાઓ લઇ બાકીનો રૂ. ૬.૪૫ લાખની કિંમતનો ૩૭૯૪ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પેઢીમાં શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી માલુમ પડતા તેનો પણ નમૂનો એકત્ર કરી બાકીનો રૂ. ૩૫ હજારની કિંમતનો કુલ ૫૫ કિ.ગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ. આ પેઢીમાંથી રૂ. ૬.૮૦ લાખની કિંમતનો કુલ ૩૮૪૯ કિગ્રા ખાદ્યચીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter