ઇનપુટ—સાગર ઠાકર, જૂનાગઢ
- મજેવડી દરવાજા પાસે આવેલ ધાર્મિક દબાણ દૂર કરવા માટે મનપાએ આપી હતી નોટિસ
- મનપાની નોટિસને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
- એકત્રિત ભીડમાંથી પોલીસ પર પત્થરમારો શરૂ થયો હતો
- ભીડને કાબૂમાં લેવા પોલીસને ટીયરગેસ છોડવાની ફરજ પડી હતી
- અસામાજીક તત્વોએ પોલીસના વાહનોને કર્યું નુકશાન, એસ.ટી. બસ પર પણ કર્યો પથ્થરમારો
- પોલીસના ચાર ફોર વ્હીલ અને એક બાઈકને કર્યું નુકશાન, પોલીસની બાઈક સળગાવી દીધી હતી
- ઘટનામાં Dysp સહીત ના ત્રણ પોલીસ અધિકારીઓ ઇજાગ્રસ્ત, તમામ હાલ સારવાર હેઠળ
- આ ઘટના દરમિયાન એક નાગરિકનું મોત
- પોલીસે અત્યાર સુધીમાં ૧૭૪ લોકોની કરી અટકાયત, હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી
જૂનાગઢમાં ધાર્મિક સ્થળને હટાવાની બાબતમાં પોલીસ અને અસામાજીક તત્વો વચ્ચે ઘર્ષણ થયા બાદ ટોળાએ કાયદો હાથમાં લઇને પોલીસને ટાર્ગેટ બનાવી પોલીસ પર જ પથ્થમારો શરુ કરી દીધો હોવાની ઘટનાએ સહુને ચોંકાવી દીધા છે. ટોળાએ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી અને આગ ચાંપી હતી. આ ઘટનામાં 1નું મોત થયું છે અને ડીવાયએસપી સહિત 4 પોલીસ કર્મી પણ ઘાટલ થયા છે. પોલીસે ટોફાનીઓને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા. પોલીસે મોડી રાત્રે તોફાનીઓને પકડીને ફટકાર્યા હતા.
ડીવાયએસપીએ ટોળાને 1 કલાક સુધી સમજાવાની કોશિશ કરી
ટોળાએ પોલીસ પર સોડાની બોટલ અને પત્થર વડે હુમલો કર્યો હતો અને મજેવડી પોલીસ ચોકી પર પણ હુમલો કરી તોડફોડ કરી હતી. પોલીસે કહ્યું કે મજેવડી વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળને હટાવવા માટે નોટિસ અપાઇ હતી પણ કોઇ કાર્યવાહી ના થતાં આખરે તંત્રએ ડિમોલીશનની કાર્યવાહી શરુ કરાઇ હતી. જો કે આ સમયે 400થી 500 લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું અને રસ્તો બ્લોક કરવાની કોશિશ કરી હતી જેથી સ્થળ પર રહેલા ડીવાયએસપીએ ટોળાને 1 કલાક સુધી સમજાવાની કોશિશ કરી હતી પણ તે જ સમયે ભારે પથ્થમારો શરુ થઇ ગયો હતો જેથી પોલીસને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો. પથ્થરમારામાં પોલીસ કર્મીઓને પણ ઇજા થઇ હતી.
174 તોફાનીઓને ડિટેઇન
સમગ્ર ઘટના બાદ મોડી રાતથી જ પોલીસ કડક કાર્યવાહી કરીને 174 તોફાનીઓને ડિટેઇન કર્યા હતા અને વાયરલ વિડીયોના આધારે અન્ય આરોપીઓની શોધખોળ શરુ કરી હતી. સ્થિતીને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.
નોટિસ પણ આપી હતી
જૂનાગઢમાં મજેવડી ગેટ સામે રસ્તાની વચ્ચે જ ધાર્મિક સ્થળ ઉભુ છે અને તેને હટાવવા માટે કોર્પોરેશને નોટિસ પણ આપી હતી. નોટિસમાં જણાવાયું હતું કે આ ધાર્મિક સ્થળ અયોગ્ય રીતે બનાવાયું છે અને પાંચ દિવસમાં આ સ્થળ કાયદાકીય રીતે યોગ્ય હોવાના પુરાવા નહી અપાય તો તેને તોડી ખાશે અને તેનો ખર્ચો પણ તમારે ભોગવવો પડશે. આ નોટિસ વાંચતાં જ અસામાજીક તત્વો એકત્ર થઇ ગયા હતા અને પોલીસે તેમને રોક્યા તો તેમણે હુમલો કરી દીધો હતો. જો કે અત્યારે સ્થિતી કાબુમાં છે.