ગાંજાનું નામ પડતાની સાથે જ લોકોના કાન સરવા થઈ જાય છે. નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ગાંજાની સૌથી વધુ ખપત ગંજેરીઓ, સાધુ-મહાત્મા કરે છે તેવી એક ભ્રમણા છે. છેલ્લાં દોઢેક દસકમાં ગાંજાના બંધાણીઓમાં યુવા વર્ગ મોટાપાયે સામેલ થઈ ગયો છે. રાજ્યની સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓમાં પણ ગાંજાની ખેતી થઈ હોવાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. Gujarat ને ડ્રગ્સ મુક્ત બનાવવાની દાહોદ પોલીસે (Dahod Police) કરેલી નવતર પહેલની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ નોંધ લીધી છે. ડ્રોન અને અન્ય ટેક્નોલૉજી (Drone Technology) ની મદદથી સવા કરોડ રૂપિયાના ગાંજાને શોધી કાઢી કેસ કરનારી પોલીસની કામગીરીની સંઘવીએ તાજેતરમાં જ ટ્વીટ કરી છે. દાહોદ જિલ્લા પોલીસે એકાદ મહિનાના ગાળામાં રૂપિયા 1.21 કરોડની કિંમતના 1200 કિલોથી વધુ ગાંજાના છોડ જપ્ત કરી NDPS હેઠળ 6 ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
ટેક્નોલૉજીના ઉપયોગથી સરળતા : ગુજરાતના અનેક જિલ્લાઓમાં વર્ષોથી ગાંજા અને અફીણની ગેરકાયેદસર ખેતી થતી આવી છે. સ્થાનિક બંધાણીઓને આ ખેતીમાંથી જ કેટલોક જથ્થો ઉપલબ્ધ થઈ જાય છે. જ્યારે બાકી માગ અન્ય રાજ્યોમાંથી આવતા નશીલા પદાર્થો પર નિર્ભર છે. “શાકભાજી અને અન્ય ખેતીની આડમાં થતી ગાંજાની ખેતી શોધવી મુશ્કેલ હતી અને તે શોધી કાઢવા હાથવગી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો” આ શબ્દો છે દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા (Rajdeepsinh Zala IPS) ના. ઝાલા કહે છે કે, બાતમીદારો થકી માહિતી મળતી કે, ફલાણા – ફલાણા વિસ્તારમાં ગાંજાની ખેતી થાય છે, પરંતુ તે વિસ્તાર એટલી હદે મોટો હોય છે કે તેમાં સમય અને વિશાળ માનવ શ્રમ જરૂરી બને છે. હાલના સમયમાં ડ્રોન સરળતાથી ઉપલબ્ધ છે એટલે અમે 30X ઝૂમ કરી શકાય તેવા કેમેરાનો ઉપયોગ કર્યો. ડ્રોન દ્ધારા લેવાયેલા વીડિયો અને ફોટાને AI (Artificial Intelligence) અને ML (Machine Learning) ની મદદથી ગાંજાના છોડને ઓળખી રેડ કરીએ છીએ.
રાજ્યભરમાં થાય છે અફીણ-ગાંજાની ખેતી : NDPS નો કડક કાયદો હોવા છતાં ગુજરાત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં અફીણ-ગાંજાની ગેરકાયેદસર ખેતી થતી આવી છે. રોકડીયો પાક હોવાથી ગુનાહિત માનસિકત ધરાવતા તત્વો આવી ખેતી કરી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર તેમજ શહેરના છેવાડે આવેલા એક વૈભવ ફલેટમાંથી પોલીસે ગત સપ્ટેમ્બર મહિનામાં ગાંજાની આધુનિક ખેતી શોધી કાઢી ટોળકીને ઝડપી હતી. ઉત્તર-દક્ષિણ, મધ્ય કે સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં અફીણ-ગાંજાની ખેતી ઝડપાઈ ચૂકી છે. છએક વર્ષ અગાઉ સુરેન્દ્રનગર (Surendranagar) ના મૂળી તાલુકાના BJP નેતાના ભાઈ લાખો રૂપિયાના અફીણની ખેતી કરવાના કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યાં છે.
ક્યાંથી આવે છે ગુજરાતમાં મોટાપાયે ગાંજો ? : હીરા નગરી (Diamond City) તરીકે જાણીતું સુરત ગાંજાની હેરફેરનું એ.પી. સેન્ટર છે. સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ (Surat Textile Industries) માં ઓરિસ્સા (Orissa) ના ઉડીયા લોકો મોટા પ્રમાણમાં નોકરી કરે છે અને તેમાંના કેટલાંક લાલચુઓ વધુ રૂપિયા કમાવવાની લાલચે વતનથી પરત ફરતી વખતે ગાંજાની ખેપ મારે છે. એક સમયે તો સુરત શહેર (Surat City) અને રેલવે પોલીસ (Railway Police) ખેપીયાઓ પાસેથી હપ્તો પણ ઉઘરાવતી હતી. ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો નિયમિત રીતે ટ્રેનમાં સુરત અથવા તો દક્ષિણ ગુજરાત (South Gujarat) માં આવતો અને ત્યાંથી જ ગુજરાતના નાના-મોટા શહેરોમાં વ્યસનીઓ સુધી પહોંચતો હતો. પોલીસ ચોપડે નોંધાયેલા કેસ અનુસાર મહિને દહાડે હજારો કિલો ગાંજો ટ્રેન મારફતે સુરતમાં આવતો હતો. જો કે, છએક વર્ષ અગાઉ ગુજરાત સરકારે (Government of Gujarat) હુક્કાબાર પર પ્રતિબંધ લગાવતા આયાત નોંધપાત્ર રીત ઘટી ગઈ.
એક સમયે હજારો કિલોની હતી ખપત : દોઢેક દસક અગાઉ ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં હુક્કાબાર (Hookah Bar) નો રાફડો ફાટી નીકળ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગર (Ahmedabad Gandhinagar) ના પોશ એરિયામાં 500-700 મીટરના અંતરે ઢગલાબંધ હુક્કાબાર શરૂ કરાયા હતા. હુક્કાબારમાં થતી મબલખ આવક પામવા માટે IPS, IAS અધિકારીઓ અને નેતાઓએ પણ રોકાણ કર્યું હતું. યુવા વર્ગને આકર્ષતા હુક્કામાં ધીરે-ધીરે તમાકુની સાથે ગાંજાનો પણ પ્રયોગ થવા લાગ્યો. સાદો હુક્કો અને સ્પેશ્યલ હુક્કો બંનેના ભાવમાં જમીન આસમાનનું અંતર હતું. હુક્કાબારની આડમાં યુવાઓને નશાના બંધાણી બનાવવામાં આવ્યા. ઓરિસ્સાથી મહિને દહાડે આવતા ગાંજાની ડિમાન્ડ અચાનક જ વધવા લાગી અને મહિને દહાડે તેની ખપત હજારો કિલોમાં પહોંચી ગઈ.
હુક્કાબાર સંચાલકો લાખોનો હપ્તો આપતા : હુક્કાબાર પર દરોડા પાડવામાં આવે તો પોલીસે તમાકુના તેમજ હુક્કામાં ભેળવવામાં આવતી સામગ્રીના સેમ્પલ લેવાના હોય છે. પાંચેક વર્ષ અગાઉ ગાંધીનગરના પોશ એરિયામાં ગેરકાયદેસર ચાલતા હુક્કાબારમાં સ્થાનિક પોલીસ એજન્સીએ દરોડો પાડ્યા બાદ સેમ્પલ લેવામાં લાખો રૂપિયાનું સેટિંગ ગોઠવ્યું હતું. જો તટસ્થ રીતે સેમ્પલ લેવામાં આવ્યું હોત તો હુક્કાબારના સંચાલક-મેનેજર સામે FSL રિપોર્ટ બાદ NDPS નો ગુનો નોંધાય તેમ હતો. અમદાવાદમાં પણ હર્બલના નામે પોલીસ ભાગીદારીમાં હુક્કાબાર ચાલ્યા હોવાના અનેક કિસ્સાઓ છે. હુક્કાબાર ચલાવવાના હપ્તા કરતા પોલીસને રેડ બાદ સેમ્પલ લેવામાં થતાં સેટિંગમાં સૌથી વધુ રસ હતો. કારણ કે, NDPS ના કેસથી બચવા સંચાલકો મોં માગ્યા રૂપિયા આપતા હતા.
આ પણ વાંચો – Chotaudepur : લો બોલો…બ્રિજ પર પણ પડ્યો મોટો ભુવો…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ