જૂનાગઢમાં એક પુત્રીએ જ તેની માતાની હત્યા કરી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે, જે માતાએ પુત્રીને જન્મ આપ્યો એ જ પુત્રીએ માતાના પ્રાણ હરી લેતાં ચકચાર મચી જવા પામી હતી, પ્રેમમાં પાગલ યુવતીએ માતાની હત્યા કરવાની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી પુત્રીની ધરપકડ કરી હતી, પુત્રી તેના પ્રેમીને મળતી હોય તે માતાને પસંદ ન હતું અને માતાએ આ અંગે ઠપકો આપતાં પુત્રીએ માતાની જ હત્યા કરી નાખી હતી.
જૂનાગઢ નજીકના ઈવનગર ગામે 26 મે ની રાત્રી અને 27 મે ની વહેલી સવાર ના સમયગાળા દરમિયાન દક્ષાબેન નામની પરણીત મહિલાની તેના ઘરમાં કોઈ અજાણ્યા લોકોએ માથાના ભાગે ગંભીર ઈજા કરીને મોત નીપજાવ્યાની પોલીસ ફરીયાદ જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના પતિ ગોવિંદભાઈ બામણીયાએ ફરીયાદ નોંધાવી હતી.
ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. એસ.એ. ગઢવી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હત્યાના બનાવ ને લઈને પોલીસે ગંભીરતા દાખવી સ્થળ તપાસ, મૃતદેહનું અવલોકન અને ઘરની સ્થિતિ અંગે ઝીણવટભરી તપાસ કરતા સીસીટીવી કેમેરા ધ્યાનમાં આવ્યા હતા જેની તપાસ કરતાં ઘટના સમયે સીસીટીવી બંધ કરી દેવાયા હતા. આમ પોલીસે સમગ્ર બાબતો અંગે તપાસ કરતાં શંકાના દાયરામાં મૃતક દક્ષાબેન ની પુત્રી મીનાક્ષી આવી હતી, પોલીસે મીનાક્ષીની પુછપરછ કરી પરંતુ શરૂઆતમાં તે ગુન્હો સ્વીકારવા તૈયાર જ ન હતી, બાદમાં પોલીસે લાલ આંખ કરતા મીનાક્ષી ભાંગી પડી હતી અને તમામ હકીકત વર્ણવી હતી.
મીનાક્ષી એક યુવકના પ્રેમમાં હતી અને તેને મળવા જતાં તેની માતાએ તેને પકડી લીધી હતી અને માતાએ તેને આ અંગે ઠપકો આપ્યો હતો, આ વાતને લઈને માતા પુત્રી વચ્ચે ઝઘડો પણ થતો, ઘટનાના અગાઉ મીનાક્ષી તેના પ્રેમીને મળવા ગઈ હતી જેની જાણ દક્ષાબેનને થતાં તેણે મીનાક્ષીને ઠપકો આપ્યો હતો જેને લઈને મીનાક્ષીને મનમાં રોષ તો હતો જ, બનાવના દિવસે રાત્રીના પણ તેનો પ્રેમી મીનાક્ષીને મળવા આવવાનો હતો તેથી તેનો પ્રેમી પકડાઈ ન જાય તે માટે ઘરના સીસીટીવી મીનાક્ષીએ બંધ કરી દીધા હતા અને માતાના જમવામાં ઘેનની ગોળી નાખી દીધી હતી પરંતુ કોઈ કારણોસર તેની અસર નહીં થતાં માતા જાગી ગઈ હતી અને બન્ને વચ્ચે ઝઘડો થતાં મીનાક્ષીએ લોખંડના પાના વડે તેની માતા દક્ષાબેનના માથામાં 17 ઘા ઝીંકી દઈ તેનું મોત નીપજાવ્યું હતું.
મીનાક્ષી વિરૂધ્ધ તેની જ માતા દક્ષાબેન ની હત્યાનો આરોપ છે અને આઈ.પી.સી. 302 હેઠળ તેની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, આ ગુન્હામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે, પ્રેમમાં કોઈ વ્યક્તિ કેટલી હદે પાગલ બની જાય તેનું આ ઉદાહરણ છે, સમાજ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે, જ્યાં એક માતાએ તેના સંતાનના ભલા માટે ઠપકો આપ્યો અને બદલામાં તેને મોત મળ્યું, નાની ઉંમરના યુવક યુવતીઓએ પોતાની કારકીર્દી તરફ ધ્યાન કેન્દ્રીત કરવાનું હોય છે, દક્ષાબેને પણ પોતાની પુત્રી મીનાક્ષીને પ્રેમના રવાડે નહીં ચડવા ઠપકો આપ્યો, પરંતુ પ્રેમમાં અંધ બનેલી દીકરીએ પોતાની જ જનેતાને મોતને ઘાટ ઉતારી દેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે જ્યારે ભણી ગણીને કારકિર્દી ઘડવાના યુવાનીના સમયમાં મીનાક્ષીને જેલમાં જવાનો વારો આવ્યો છે.
અહેવાલ – સાગર ઠાકર, જુનાગઢ