+

નવસારીમાં ગરનાળામાં કાર ફસાતા ચાર યુવક પણ ફસાયા..જુઓ Video

ઇનપુટ—સ્નેહલ પટેલ, નવસારી દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. નવસારીમાં છેલ્લા ચાર દિવસથી અવિરત ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે તારાજીના દ્રષ્યો જોવા મળી…
ઇનપુટ—સ્નેહલ પટેલ, નવસારી
દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. નવસારીમાં છેલ્લા ચાર દિવસથી અવિરત ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે તારાજીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના મંદિર ગામે  ગરનાળામાં કાર ડુબી જતાં કારમાં સવાર ચાર લોકો ફસાઇ ગયા હતા. જો કે ફાયર બ્રિગેડે તમામને બચાવ્યા હતા.
ગરનાળામાં અચાનક પાણીનું સ્તર વધી ગયું
નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડુબી હોવાનો બનાવ બન્યો છે. અવિરત વરસાદના કારણે ચારે બાજુ પાણી ફરી વળ્યા છે અને તે સમયે જ ગરનાળામાં કાર ફસાઇ ગઇ હતી. કારમાં ચાર લોકો સવાર હતા અને તેઓ કારની બહાર નિકળી ધસમસતા પાણીમાં કારનો સહારો લઇને ઉભા રહ્યા હતા. ગરનાળામાંથી આ યુવકો કાર લઇને પસાર થતાં હતા ત્યારે અચાનક જ પાણીનું સ્તર વધી ગયું હતું.
ફાયર બ્રિગેડે 4 લોકોને બચાવી લીધા
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને મહામહેનતે કારમાં ફસાયેલા લોકોને બચાવી લીધા હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ભારે વરસાદના કારણે તારાજી 
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને હાડમારીનો સામનો  કરવો પડી રહ્યો છે. ભારે વરસાદની આગાહીના કારણે નવસારી જીલ્લામાં એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવાઇ છે અને વિવિધ સ્થળો પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ થઇ રહ્યું છે.

Whatsapp share
facebook twitter